Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર મેજિસ્ટ્રેટ અને ચૂંટણી અધિકારીઅોને સ્પેશિયલ ડ્રેસ કોડની ફાળવણી કરાશે. ચૂંટણીકાર્ય દરમ્યાન મતદાન કે મતગણતરી ઉપરાંતની કામગીરીના સમયે અા અધિકારીઅોની અાગવી અોળખ ઊભી થાય તે માટે મેજિસ્ટ્રેટ સહિત ચૂંટણી અધિકારીઅોને સ્પેશિયલ ટીશર્ટ ડ્રેસ કોર્ડ તરીકે અપાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અાડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મેજિસ્ટ્રેટની નિમણૂક બાબતે તેમની સ્પેશિયલ અોળખ માટે ડ્રેસ કોડ અાપવાની તૈયારી શરૂ કરાઈ છે. જેમાં સંબંધિત જે તે વિધાનસભાના નંબર સાથેના ટીશર્ટ તેમને અપાશે. સેક્ટર મેજિસ્ટ્રેટની કામગીરી ચૂંટણીને લગતી તમામ પ્રક્રિયા પર સુપરવિઝન કરવાની છે.

અમદાવાદ શહેર અને જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકોના ૭૦૦થી વધુ મતદાન મથકોમાં ૧૦ ટકા વધારાનાં ઇવીએમ મશીનો ફાળવી દેવાયા છે. મતદાન મથકોમાં મતદારોની સુવિધામાં ખાસ કરીને દિવ્યાંગ મતદારો માટેની અલગથી વ્યવસ્થા કરાઈ છે. જે મતદાન કેન્દ્રો પર વ્હીલચેર લઈ જવા માટે ઢાળની વ્યવસ્થા નહીં તેમાં ફરજિયાતપણે લાકડાનો ઢાળ વ્હીલચેર લઈ જવા માટે કામચલાઉ ઊભો કરાશે. દિવ્યાંગોને તકલીફ ન પડે તે માટે સ્પેશિયલ નોડલ અોફિસરની નિમણૂક કરાઈ છે.

વિધાનસભા પોલિંગ બૂથમાં મતદાનના દિવસે મતદાન શરૂ થાય તે પહેલાં મોક પોલ કરાવવું, મતદાન પૂરું થયા પછી ઈવીએમ સહિતના પોલિંગ સામાનને રિસિવિંગ સેન્ટર સમયસર પહોંચાડવો, મતદાન મથક પર કંઈ ગરબડ થાય તો તુરત જ ફાસ્ટ કોમ્યુિનકેશન કરવું, ઇવીએમ અને વીવીપેટમાં ખામી સર્જાય તો તેના માટે ત્વરિત એક્શન લેવા સહિતની જવાબદારીની બેદરકારીમાં જે તે અધિકારી પર સસ્પેન્શન અને પનીશમેન્ટ સુધીનાં પગલાં લેવાશે.

અા તમામ વ્યવસ્થા ઉપરાંત એક અલગ ટીમ ચૂંટણી કામગીરી માટે સ્ટેન્ડ બાય રાખવામાં અાવશે. ચૂંટણી વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઅોને ક્યારેક અોળખ અાપવામાં સમય લાગી જતો હોય છે. અાવા અધિકારીઅો ડ્રેસ કોડથી જ અોળખાઈ જશે, જેના પર તેમની વિધાનસભા બેઠકનો નંબર પણ લખેલો હશે અને પંચનો સિમ્બોલ પણ હશે અને અા નવતર પ્રયોગથી તેમને સરળતા પણ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.