Abtak Media Google News

અરબી સમુદ્રમાં ઉભા થયેલા લો પ્રેશરના કારણે કાર્યરત થયેલી પ્રી-મોન્સુન એકિટવીટીના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી: હીટવેવથી રાહત મળવાની સંભાવના

રાજયભરમાં છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા હીટવેવના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગઇકાલે સૌરાષ્ટ્રના મુખ્ય મથક ગણાતા રાજકોટ સહીત અનેક સ્થાનો પર તાપમાન ૪૬ ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. આ હીટવેવથી તોબા પોાકારી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે હવામાન વિભાગ આનંદના સમાચાર લઇને આવ્યું છે. હવામાન વિભાગે આગામી બે થી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અનેક જીલ્લા અને કાંઠાળા વિસ્તારોમાં વાવાઝોડા સાથે પ્રિ-મોન્સુન વરસાદ પડવાની આગાહી કરી છે. આ આગાહીથી હીટવેવથી કંટાળી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓને ગરમીથી છુટકારો મળશે.

રાજયભરમાં છેલ્લા થોડા દિવસોથી પડી રહેલી ભારે ગરમીના કારણે હીટવેવની સ્થિતિ પ્રવર્તતી રહી છે. ગઇકાલે અમદાવાદમાં ૪૪.૩ ડીગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. જયારે સૌરાષ્ટ્રના મુખ્ય મથક ગણાતા રાજકોટ શહેરના બે સ્થાનો પર તાપમાન ૪૬ ડીગ્રીની નજીક પહોંચી જવા પામ્યું હતું. જયારે, સામાન્ય રીતે અમદાવાદ બાદ સૌરાષ્ટ્રમાં જયાં સૌથી વધારે તાપમાન રહે છે. જેમાં સુરેન્દ્રનગરમાં તાપમાન ૪૪.૮ ડીગ્રી સેલ્સીયસે પહોંચી જવા પામ્યું હતું. જયારે, ગાંધીનગરમાં ૪૪.૨ ડીગ્રી અને ડીસામાં ૪૪.૧ ડીગ્રી સેલ્સીયસ સાથે ભારે ગરમી જોવા મળી હતી. સામાન્ય રીતે  રાજયના અન્ય ભાગો કરતા સૌરાષ્ટ્રમાં ઓછી ગરમી જોવા મળે છે પરંતુ, આ ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પણ ભારે ગરમી પડી રહી છે.

આ હીટવેવ વચ્ચે આગામી બે થી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જીલ્લાના કાંઠાળા વિસ્તારોમાં પ્રિમોન્સુન એકટીવીટીના ભાગરુપે વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના  હવામાન ખાતાએ વ્યકત કરી છે. જયારે, રાજકોટ, અમરેલી અને જુનાગઢ, જીલ્લાના અનેક વિસ્તારોમાં પણ આગામી ત્રણ-ચાર દિવસોમાં ભારે વરસાદ પડવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેથી ભારે ગરમી અને હીટવેવથી ત્રાહિમામ પોકારી ગયેલા સુરેન્દ્રનગર સિવાયના સૌરાષ્ટ્ર વાસીઓને કાળઝાળ ગરમીમાંથી થોડા અંશે રાહત મળવાની સંભાવના વ્યકત થઇ છે.

જયારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી વગેરે જીલ્લાઓ તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ, દાદરા અને નગર હવેલીના અનેક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના પણ હવામાન ખાતાએ વ્યકત કરી છે. કેરલમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઇ ગયું છે. મધયપૂર્વ અરબી સમુદ્રમાં ઉભા થયેલા લો-પ્રેસરના કારણે પ્રિ-મોન્સુન એકીટવીટીના ઉભી થઇ છે જેના કારણે મુંબઇમાં પણ વરસાદ પડી ચુકયો છે. ત્યારે આ એકીટવીટી આગળ વધીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાળા અને અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યકત થઇ છે. આગામી ત્રણ થી ચાર દિવસમાં મુંબઇમાં વરસાદની વિધિવત આગમન થવાની સંભાવના સેવાય રહી છે. જયારે ગુજરાતમાં દશેક દિવસમાં વિધિવત રીતે વરસાદનું આગમન થશે તેવું મનાય છે.

રાજકોટમાં તાપમાનનો પારો ૪૬.૫૮ ડિગ્રીએ પહોંચ્યો

ક્રોકરીંટનાં જંગલ બની ગયેલા રાજકોટ શહેરમાં તાપમાનનો પારો ગઈકાલે રવિવારે ૪૬.૫૮ ડિગ્રીએ પહોંચી જતાં હાહાકાર મચી જવા પામ્યો હતો જોકે હવામાન વિભાગનાં રેકોર્ડ પર ગઈકાલે શહેરનું મહતમ તાપમાન ૪૩.૯ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. મહાપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ ૧૯ સ્થળોએ સેન્સર મુકવામાં આવ્યા છે જે સેન્સરમાં ગઈકાલે બપોરે ૪ કલાક અને ૨૬ મિનિટે શહેરનાં ત્રિકોણબાગ વિસ્તારમાં તાપમાનનો પારો ૪૬.૫૮ ડિગ્રીએ આંબી ગયો હતો તો કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે તાપમાન ૪૬.૨૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. આ ઉપરાંત દેવપરા વિસ્તારમાં તાપમાન ૪૫.૫ ડિગ્રી અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે તાપમાનનો પારો ૪૫.૨૬ ડિગ્રી સેલ્શીયસે પહોંચી ગયો હતો. શહેરમાં પાંચ સ્થળોએ તાપમાન ૪૪ ડિગ્રીએ આંબ્યું હતું. આજે પણ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા રાજકોટમાં ઓરેન્જ એલર્ટ હોવાની જાહેરાત કરવામાં આવી છે. સવારનાં સુમારે વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. જોકે ત્યારબાદ સુર્યનારાયણ ફરી કાળઝાળ બન્યા હતા. આજે પણ શહેરનું તાપમાનનો પારો ૪૩ થી ૪૫ ડિગ્રી વચ્ચે રહે તેવી પ્રબળ સંભાવના છે જોકે હાલ પૂર્વ અરબી સમુદ્રમાં લો-પ્રેશરનાં સર્જાયું હોય તેની અસરતળે આવતીકાલથી ૩ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી હોય સૌરાષ્ટ્રવાસીઓને ગરમીમાં રાહત મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.