પુઢચા વર્ષી લૌકરિયા: કાલે ભકિતભાવ સાથે ગણેશ વિસર્જન

તંત્ર દ્વારા વિસર્જન માટે નિયત કરાયેલા સ્થળોએ સુરક્ષાને ધ્યાને લઈ ખાસ તકેદારી

રાજકોટમાં વિસર્જન માટે નક્કી કરાયેલા સ્થળોએ ૬ ક્રેન, ૩ બોટ ઉપલબ્ધ રખાશે: ૯૦ જેટલા ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસનો કાફલો ખડેપગે રહેશે

આવતીકાલના રોજ ગણેશ મહોત્સવનો અંતિમ દિવસ છે ત્યારે ભાવિકો દ્વારા કાલે અબીલ ગુલાલની છોડો ઉડાડીને વાજતે ગાજતે વિઘ્નહર્તાનું વિસર્જન કરી તેઓને વિદાય આપવામાં આવશે. તંત્ર દ્વારા વિસર્જન માટે નિયત કરવામાં આવેલા સ્થળોએ સુરક્ષાને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે.

ગત તા.૧૩થી ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. જેમાં ઠેર ઠેર પંડાલો ઉભા કરીને ગણેશજીનું શાસ્ત્રોકત વિધિથી ભાવભેર સ્થાપન કરવામાં આવ્યું હતુ શેરી ગલીઓમાં ઉભા કરવામાં આવેલા પંડાલોમાં તેમજ અનેક ભાવિકોએ પોતાના ઘરોમાં વિઘ્નહર્તાનું સ્થાપન કરાયું હતુ ત્યારબાદ સતત દિવસથી દુંદાળા દેવનું આસ્થાભેર પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.

દરરોજ મહાઆરતી અને પ્રસાદ વિતરણથી ગણેશ મહોત્સવનાં પંડાલો ધમધમ્યા છે ત્યારે આવતીકાલે ગણેશ મહોત્સવનો અંતિમ દિવસ છે આજે રોજ વિઘ્નહર્તાની અંતિમ સાંજની મહાઆરતી થશે જેમા મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડશે. બાદમાં આવતીકાલે શુભ ચોઘડીયે વિઘ્નહર્તા દેવની શાસ્ત્રોકત વિધીથી નગરયાત્રા યોજીને વિસર્જન કરવામા આવશે.

વિસર્જનને લઈને તંત્ર દ્વારા અગાઉથી જ સ્થળો નિયત કરવામાં આવ્યા હતા. આ નિયત કરાયેલા સ્થળો પર તંત્ર દ્વારા તકેદારીના ભાગ ‚પે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કોઈ અનઈચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિસર્જનમાં સરળતા રહે તે માટે બોટ, ક્રેન, લાઈફ ગાર્ડસ સહિતની સાધન સામગ્રી ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

રાજકોટમાં પાંચ સ્થળોએ વિસર્જન: સાધન-સામગ્રી સાથે સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે

રાજકોટ જિલ્લામાં તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે પાંચ સ્થળો નિયત કરવામાં આવ્યા છે. આ સ્થળોએ છ ક્રેન, ત્રણ બોટ, લાઈફ જેકેટસ સહિતના સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે પોલીસના જવાનો, અને ૯૦ જેટલા ફાયર બ્રિગેડના જવાનોને તૈનાત રાખવામાં આવશે.

ગણેશ મહોત્સવ નિમિતે શહેર તેમજ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે આ મૂર્તિઓનાં વિસર્જનથી પર્યાવરણ પર વિપરીત અસર ન થાય તથા જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો, વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉદેશથી તંત્ર દ્વારા વિસર્જન માટે પાંચ સ્થળો નિયત કરવામાં આવ્યા છે.

આજી ડેમ ઓવર ફલો નીચે ચેક ડેમ ખાણ નં.૧, આજીડેમ ઓવરફલો નીચે ચેક ડેમ ખાણ નં.૨, પાળ ગામ પાસે ઝખરા પીરની દરગાહ નજીક, જામનગર રોડ પર હનુમાનધારા મંદિરની બાજુમાં તેમજ વાગુદળના પાટીયા પાસે બાલાજી વેફસ વાળા બ્રિજ નજીક ભાવિકો ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી શકશે.

આ પાંચેય સ્થળોએ ૯૦ જેટલા ફાયર બ્રિગેડના જવાનો તૈનાત રાખવામાં આવશે. ભાવિકો વિસર્જન પૂર્વેની વિધી કરી લ્યે ત્યારબાદ આ જવાનો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવશે. વિસર્જનમાંસરળતા રહે તે માટે કુલ છ ક્રેન રાખવામાં આવી છે.જેમા ત્રણ ક્રેન આજી ડેમ ખાતેના બે સ્થળોએ, એક ક્રેનઝખરાપીરની દરગાહ પાસે તેમજ બે ક્રેન હનુમાનધારા પાસેના સ્થળે તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત ત્રણ જેટલી બોટ પણ રાખવામાં આવશે. આ સાથે લાઈફ જેકેટ સહિતની જરૂરી સાધન સામગ્રી પણ ઉપલબ્ધ બનાવાશે સુરક્ષાને ધ્યાને લઈ પાંચેય સ્થળોએ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે.

Loading...