Abtak Media Google News

વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા કેમ્પઈનમાં જોડાઈ રંગોળીકાર પ્રદીપભાઈએ ઘરગથ્થું ઉપચાર અને આયુર્વેદના સમન્વયથી ૩૦ કિલો સુધી વજન ઘટાડયું

હાલ સમગ્ર દુનિયા કોરોનાની લપેટમાં આવી ગઈ છે ત્યારે આપણે સૌએ પહેલીવાર લોકડાઉન જેવો શબ્દ સાંભળ્યો અને એ સમયને પૂરાં આનંદ-ઉત્સાહ સાથે માણ્યો પણ ખરો …બસ ખાવું, પીવું અને આરામનો સમય હોવાથી લોકડાઉનમાં ઘણાં લોકોનું વજન વધી ગયું…પરંતુ આ સમયગાળા દરમિયાન જ પાણી, હવા અને અગ્નિમાં પણ રંગોળી સર્જી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ મેળવનાર  રંગોળીકાર પ્રદીપ દવેએ પોતાનું વજન ઘટાડયું છે. રાજકોટ માહિતી કચેરીમાં ફરજ બજાવતા પ્રદીપભાઈએ પોતાનું વજન ૧૦૪ કિલોમાંથી ૭૪ કિલો એટલે કે ૩૦ કિલો જેટલું વજન તેમજ કમરનો ધેરાવો ૪૭ ઇંચ માંથી ૩૪ ઇંચ એટલેકે ૧૩ ઈંચ જેટલી ઘટાડવામાં સફળતા પ્રાપ્ત કરેલ  છે.

વજન ઘટાડવાના કારણ વિશે જણાવતાં પ્રદીપભાઈએ કહ્યું કે, મારું વજન જ્યારે ૧૦૪ કિલો પર પહોંચ્યું ત્યારે મેં મારું બોડી ચેકઅપ કરાવ્યું. રિપોર્ટમાં ડાયાબિટીસ બોર્ડર પર આવ્યું અને ડોક્ટરે ૨૫ કિલો જેટલું વજન  ઘટાડવાની સલાહ આપી,  તેમણે કહ્યું જો વજન નહીં ઘટે તો ડાયાબિટીસ,બીપી, બ્લોકેજ, કોલેસ્ટ્રોલ જેવી અનેક તકલીફો થવાની શક્યતા છે. ડોક્ટરનું સૂચન માની મેં મનોમન ગાંઠ વાળી લીધી કે મારે ગમે તે ભોગે વજન તો ઘટાડવું જ છે. રાજકોટમાં બાયોમેટ્રિક ઓપરેશન થકી શરીર ઘટાડવા માટેના કેમ્પમાં પણ બે-ત્રણ વાર જઈ આવ્યો પણ ફેમિલીના સભ્યો શરીર ઘટાડવા માટેના ઓપરેશન માટે ના પાડતા રહ્યા. અને બીજું તેનો ચાર્જ પણ ખૂબ જ વધારે હતો.  હવે મારી પાસે શરીર ઘટાડવા માટેનો એક જ વિકલ્પ હતો આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર. લોકડાઉન શરૂ થયું ત્યારથી મેં કસરત , ડાયટિંગ અને ઘરગથ્થું આયુર્વેદિક ઉપચાર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને માત્ર ત્રણ જ મહિનામાં મને તેનું ખૂબ જ સારું પરિણામ મળ્યું.

વજન કેવી રીતે ઘટાડવું તે વિશે પૂછતા પ્રદીપભાઈ  એ જણાવ્યું હતું કે, દરરોજ વોકિંગ, જમ્પિંગ જેવી કસરત કરવી. મેં તો ઘરે સીડી ચડવા ઉતરવા ની પણ કસરત હતી. ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવું. દહીમાં તજનો પાવડર નાખીને સવારે નરણાં કોઠે લેવું. તેમજ ગરમ પાણીમાં સૂંઠ પાવડર, અળસી  પાવડર મિક્સ કરીને લેવું. દાળિયા, સામો, છાશ, દહીંનું ઘોળવું, સલાડ, લીલા શાકભાજી, દાળ, કઠોળમાં ચણા, મગ, મઠનો વધારે માત્રામાં ઉપયોગ કરવો. જમ્યાના એક કલાક પહેલાં અને બાદ પાણી પીવું નહીં. જમીને ચાલવું અથવા વજ્રાસનમાં બેસવુ. અને રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં એક ચમચી ત્રિફળા  ચૂર્ણ લેવું આ તમામ વસ્તુઓનો પ્રયોગ તમારા શરીરમાંથી નકામી ચરબીને કાઢી તમારું વજન માપસર કરવામાં મદદરૂપ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.