હવે પૈસાથી નહીં રહેણી-કરણીથી ‘ગરીબાઈ’ નક્કી થશે

પૈસાની બોલતી બંધ !!!

ગરીબીની ઓળખ કેટલા પૈસા છે તેના પરથી નહીં પણ કેવું જીવન જીવાય છે તેના પર નક્કી થશે, નાણા ન હોય પણ મનના અમીરને ‘ગરીબડો’ ન ગણાય

સમય, સ્થિતિ અને કાળ ક્યારેય કાયમી રહેતા નથી. પરિવર્તીનશીલ સમાજ વ્યવસ્થામાં યુગે-યુગે પ્રથા, રિવાઝ અને માન્યતાઓ બદલતી રહે છે. હવે યુગ એવો પણ આવશે કે પૈસા જ બધુ નહીં રહે. પૈસાની બોલતી બંધ થવાનો સમય આવી ગયો હોય તેમ આપણી કહેવત ‘નાણા વગરનો નાથીયો અને નાણે નાથાલાલ’ પણ હવે જૂની કહેવત થઈ જાય તેવી પરિસ્થિતિ વચ્ચે સરકારી રાહે ગરીબાઈની વ્યાખ્યા માટે અત્યાર સુધી નાણાકીય સ્થિતિના માપદંડ મુજબ ગરીબી રેખા નક્કી થતી હતી. પરંતુ હવે પૈસા નહીં પણ વ્યક્તિનું જીવન ધોરણ એવું છે તેના પર ગરીબી રેખાનું મુલ્યાંકન કરવામાં આવશે.

ભારતીય સામાજીક વ્યવસ્થા અને સરકારી ધોરણે ગરીબી રેખાની વ્યાખ્યા હવે માત્ર પૈસા અને આવકના સ્ત્રોત ઉપર જ નક્કી નહીં થાય પરંતુ ગરીબી રેખા નક્કી કરવા માટે જીવન ધોરણ અને પારીવારીક સવલતો, શિક્ષણ, શૌચાલય વ્યવસ્થા અને અન્ય સવલતોને પણ ગરીબી રેખા નક્કી કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે. કેન્દ્ર સરકારની ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા આ અંગેની નવી માર્ગદર્શિકા જાહેર કરવા માટેની તૈયારીઓ થઈ રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આ દિશા નિર્દેશમાં જણાવાયું છે કે, કોરોના મહામારીના આ કપરા સમયગાળા દરમિયાન હવે જ્યારે આરોગ્ય જાળવણીની ખેવના, શિક્ષણ, પૈજળ, શૌચાલય, પુરતા પોષણ અને આવી સવલતો અંગેની જાગૃતિ, ખેવનાને પણ સામાજિક જીવનના મુખ્ય પરિબળ તરીકે ધ્યાને લેવાનો સમય આવી ગયો છે. વિશ્ર્વ બેંકે ભારતની વસ્તી અને ગરીબ અને મધ્યમ વર્ગની દૈનિક જ‚રીયાત અને સવલતો વિશ્ર્વની વર્તમાન સ્થિતિની સાંપેક્ષમાં ઉંચુ આવ્યું છે. ભારતમાં હવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જીવન ધોરણમાં આવેલી ઈન્નતિ અને ઉંચે આવેલા જીવન ધોરણના કારણે ગરીબી રેખાની વ્યાખ્યા માત્ર પૈસા અને અભાવના પરિક્ષેપ્યમાં જ કરી શકાય નહીં. દરેક પરિવાર સ્વયંભૂ રીતે પોતાની આવક ઉંચી લઈ જવા માટે પ્રયત્નશીલ છે તેવા સંજોગોમાં ગરીબી રેખાના વ્યાખ્યામાં પૈસાનું મહત્વ નહીં પરંતુ અન્ય સવલતો, રહેણાંક વિસ્તાર સંલગ્ન શૌચાલય, જગ્યા, શિક્ષણ જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

ભારત સરકારના આર્થિક સલાહકાર સચિવ સીમા ગૌર અને એન.સી.શ્રીનિવાસરાવ દ્વારા તૈયાર કરવામાં આવેલી દરખાસ્તમાં ગરીબી રેખા નિશ્ર્ચિત કરવા માટે ગરીબી સાથે સંકળાયેલા માપદંડો અત્યારે પ્રવર્તમાન સંજોગોમાં પણ દાયકાઓ જૂની પદ્ધતિ મુજબ આંકવામાં આવે છે. એ જમાનામાં માત્ર પૈસાની ઉણપ, ઓછી આવક અને આર્થિક અસર્થતાના ગરીબી રેખાના આંકલનમાં લેવામાં આવતી હતી. હવે નવી રણનીતિ મુજબ માત્ર પૈસાનો અભાવ જ નહીં પરંતુ ગરીબી રેખા માટે વાર્ષિક વૃદ્ધિદરને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. દેશના વૃદ્ધિદરની ૮ ટકાની સ્થિતિમાં ગરીબી હટાવવા માટે અને રોજગારી ઉભી કરવા માટેનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા આ માપદંડને સાકાર કરવા અને ગરીબી હટાવવા માટે સામાજીક, આર્થિક ધોરણે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીમાં ગરીબી રેખા હેઠળના માપદંડોમાં માત્ર આર્થિક સ્થિતિ જ નહીં પરંતુ જીવન ધોરણને પણ ધ્યાનમાં રાખવાનું સુચવ્યું છે. વૈશ્ર્વિકસ્તરે જોવા જઈએ તો ભારત ગરીબી નાબૂદ કરવા માટે શક્તિપૂર્વક લડત આપી રહ્યું છે. આ અહેવાલમાં ભારતના વિકાસને ગરીબી હટાવવા માટે અને ગરીબોની સ્થિતિ સુધારીને સામાજીક, આર્થિક પરિવર્તનના ધરોહર ગણવામાં આવ્યું છે. ગરીબી માત્ર નાણાના અભાવને વ્યાખ્યાયીત ન કરવી જોઈએ. ગરીબી રેખા નક્કી કરવા માટે આર્થિક આવક અને પૈસા ઉપરાંત જીવન ધોરણ, શિક્ષણનું સ્તર, આવાસ વ્યવસ્થા, ઘરમાં શૌચાલય, સ્નાનાગાર જેવી જીવન ધોરણ આધારિત સવલતોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

ગરીબડો એટલે પૈસાથી નબળો એવું હવે નહીં રહે, ખિસ્સામાં પૈસા ન હોય પણ મનનો અમીર હોય જીવન ધોરણ ભપકાદાર જીવતો હોય તો તેને ગરીબડો કેમ ગણવો. આ જ રીતે પૈસાની પુરેપૂરી સગવડતા હોય પણ ચિથરેહાલ જીવનધોરણ અને જેના જીવનમાં નૂર જ ન હોય તેને અમીર કેમ કહેવો. અત્યાર સુધી આપણે નાણા વગરનો નાથીયો અને નાણે નાથાલાલ કહેવતમાં અમીર અને ગરીબની વ્યાખ્યામાં પૈસાને મહત્વ આપતા આવ્યા છીએ. હવે નાથીયો પણ જો સારી રીતે સુખ સગવડવાળુ જીવન જીવતો હોય તો તેને ગરીબ ગણીને ગરીબીના લાભ નહીં મળે.

Loading...