Abtak Media Google News

૩૧ જુલાઈ સુધી દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા સૌની યોજના અંતર્ગત

ચોમાસાની સીઝન સુધીનું પાણી વિતરણ વ્યવસ્થાનું આયોજન ઘડતી મહાપાલિકા: આજી ડેમમાં ૬૦૦ એમસીએફટી અને ન્યારી ડેમમાં ૧૫૦ એમસીએફટી નર્મદાના નીરની માગણી કરાશે

આજી ડેમ માર્ચ અંતમાં અને ન્યારી ડેમ ૧૫ જૂન આસપાસ ડુકી જશે: ભાદરમાં પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ

રાજકોટની વસ્તી અને વિસ્તાર જેટ ગતિએ વધી રહ્યો છે. તેની સરખામણીએ જળાશયોની સંખ્યામાં કોઈપણ જાતનો વધારો થતો નથી. પરિણામે ચોમાસાની સિઝનમાં શહેરની જળ જરૂરિયાત સંતોષતા તમામ જળાશયો એકવાર નહિ પરંતુ અનેકવાર ઓવરફ્લો થવા છતાં ઉનાળાના આરંભે જ જળ કટોકટી સર્જાય છે. એકંદરે એમ કહી શકાય કે રાજકોટ પાણી મામલે આત્મનિર્ભર નહીં પરંતુ નર્મદાના નીર પર નિર્ભર છે. ચોમાસાની સિઝનમાં સંતોષકારક વરસાદ ન પડે અને જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક ન થાય ત્યાં સુધી શહેરમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમમાં ૭૫૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવા માટેની માગણી કરવામાં આવશે.

આ અંગે  પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ૩૧મી જુલાઈ સુધી રાજકોટવાસીઓને નિયમિત નળ વાટે ૨૦ મિનિટ પાણી આપી શકાય તે માટે વોટર વર્કસ શાખા દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો છે.આજી ડેમમાં હાલ ૬૦૦ એમસીએફટી પાણી  સંગ્રહિત છે. વિતરણ માટે દૈનિક પાંચ એમસીએફટી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે.ડેડવોટરને બાદ કરવામાં આવે તો ૩૧મી માર્ચ સુધી ચાલે તેટલું પાણી હાલ આજી ડેમમાં સંગ્રહિત છે. ૩૧મી જુલાઈ સુધી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા આજી ડેમમાં  સૌની યોજના અંતર્ગત ૬૦૦ એમસીએફટી પાણી ઠાલવવાની માગણી કરવામાં આવી છે. કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે ૧૫મી માર્ચથી જ આજીમાં નર્મદાનાં નીર આવવાનું શરુ કરી દેવામાં આવે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે ન્યુ રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ન્યારી ડેમમાં હાલ ૮૮૩ એમસીએફટી જળજથ્થો ઓછો સંગ્રહિત છે રોજ સરેરાશ ૪ થી ૫ એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે.૧૫ જૂન સુધી ચાલે તેટલું પાણી હાલ ન્યારી ડેમમાં સંગ્રહિત છે .જુલાઈ અંત સુધી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે ન્યારી ડેમમાં પણ ૧૫૦ એમસીએફટી નર્મદાના નીરની માગણી કરવામાં આવી છે.અને એક જૂનથી ન્યારીમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

74700277

વોટર વર્ક શાખા દ્વારા આજી અને ન્યારી ડેમમાં ૭૫૦ એમસીએફટી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરની માગણી કરવામાં આવી છે. પરંતુ સામાન્ય રીતે  સરકાર સમક્ષ  જેટલી માંગણી કરવામાં  આવે તેટલું પાણી ફાળવવામાં આપવામાં આવતું હોતું નથી. આવામાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ આજીડેમમાં ૬૦૦ એમસીએફટીના બદલે ૭૦૦ અને ન્યારી ડેમમાં ૧૫૦ એમસીએફટીના બદલે ૨૦૦ એમસીએફટી નર્મદાના નીર માગણી કરે તેવી શક્યતા પણ જણાય રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આજી ડેમમાં ૮૦૦ અને ન્યારી ડેમમાં ૪૦૦ એમસીએફટી સહિત કુલ ૧૨૦૦ એમસીએફટી નર્મદાના નીરની માગણી કરવામાં આવી હતી.અને સરકાર દ્વારા ૧૨૦૦ એમસીએફટી પાણી આપવામાં પણ આવ્યું હતું. આજી ડેમ માર્ચના અંતમાં જ્યારે ન્યારી ડેમ જૂનના મધ્યમાં ડુકી જશે.આવામાં રાજકોટવાસીઓને ચોમાસાની સિઝનમાં સંતોષકારક વરસાદ ન થાય અને જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક ન થાય ત્યાં સુધી પીવાના પાણી માટે કોઈ હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે ૭૫૦ એમસીએફટી નર્મદાના નીરની માગણી કરવામાં આવશે.

શહેરની જળજરૂરિયાત સંતોષતા અન્ય એક જળાશય ભાદરમાં હાલ પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ભાદરમાં ૧૮૦૦ એમસીએફટી પાણી પીવા માટે અનામત રાખવામાં આવતું હોવાને કારણે ત્યાં ચોમાસાની સીઝન સુધી કોઈ તકલીફ પડે તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.