Abtak Media Google News

તાજેતરમાં એક વિડિઓ કલીપ બહુ જ વાઇરલ થઈ. જેમાં યુવાન પ્રેમીપંખીડા સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યા હતા. બન્નેના પરિવારે લગ્નની મંજૂરી ન આપતાં તેઓ આ પગલું ભરી રહ્યાનું બયાન એમણે આપેલું. એક બીજો કિસ્સો પણ હમણાં ધ્યાને આવ્યો. કોઈ ડોકટર આત્મહત્યા કરી રહ્યા હતા અને એ વારંવાર કોઈ છોકરીનું નામ લઈ રહ્યા હતા. એમણે આ પ્રયાસ કરતાં કરતાં સોશ્યલમીડિયા પર લાઈવ કરેલું જેમાં શબ્દો સ્પષ્ટ નહતા સમજાઈ રહ્યા પરંતુ ઘટના કંઈક આવી જ હતી.

વિશ્વની  તમામ ભાષાઓમાં પ્રેમ વિશે અઢળક લખાયું છે. આ અઢી અક્ષરના શબ્દે સંબંધોના સમીકરણો બદલી નાખ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય કે પ્રેમ એટલે શું? આ એક શબ્દ ખરેખર એટલો ભયાનક છે કે માણસ જીવ ત્યાગવા સુધી પહોંચી જાય? જે શબ્દ બોલતાં મોઢું ભરાઈ જાય, ચહેરા પર હાસ્ય આવી જાય, મનમાં કલ્પનાના રંગબેરંગી પતંગિયા ઉડાઉડ કરે અને આખીય દુનિયા રંગીન બની જાય એ શબ્દનું સત્ય આટલું વરવું? એનો અંજામ આટલો કરૂણ? એની દાસ્તાન આટલી દર્દનાક?

આમતો મનમાં ઉઠતી ઊર્મિઓ, ભાવો, લાગણીઓ અને આવેગોને માણસ વ્યક્ત કરતો થાય પછીથી જ માણસ  માણસ મટીને સંત,સાધુ,જનાવર કે હેવાનની ગણતરીમાં આવે છે. ગુસ્સો, નારાજગી, અણગમો, ખીજ,મૂંઝવણ આ બધાજ મનના ભાવો છે,ઊર્મિઓ છે,અને આવી જ રીતે પ્રેમ પણ. આપણે આ તમામ લાગણીઓનો સહજ સ્વીકાર કરીએ છીએ પરંતુ વાત જ્યારે પ્રેમની આવે ત્યારે નજર ચોરીએ છીએ, આવું કેમ?પ્રેમ વિશે સચોટ કશું જ કહી શકવું મુશ્કેલ છે પરંતુ પ્રેમ જેવું કોઈ તત્વ છે અને એનું આધિપત્ય એવડું છે કે માણસનું જીવવું મરવું એ અઢી અક્ષરના શબ્દની આસપાસ ફર્યા કરે છે. પ્રેમનું  શ્વાસ જેવું છે. પ્રેમ છે તો જીવન છે અને એ નથી તો જીવતો માણસ પણ લાશ છે.

પ્રેમનો મહિમા ગાવા માટે આપણી પાસે સનાતન અને શાશ્વત એવું એક દ્રષ્ટાંત છે કૃષ્ણ અને રાધા. પ્રેમ એટલે કૃષ્ણ અને મીરાં, પ્રેમ એટલે કૃષ્ણ અને સુદામા, પ્રેમ એટલે કૃષ્ણ અને અર્જુન, પ્રેમ એટલે કૃષ્ણ અને પાંચાલી. આ બધા જ કૃષ્ણના પ્રેમના જ ઉદાહરણ છે. એક માતા પોતાના ૪ સંતાનોને ભરપૂર પ્રેમ આપે છે અને ક્યારેય કોઈને એવું નથી થતું કે આ પ્રેમ ઓછો વધુ છે. એક ભાઈ પોતાના અન્ય ભાઈ બહેનોને ખૂબ અને એકસરખું ચાહે છે એમાં પણ વધઘટ કે માલિકીભાવ નથી આવતો. એક મિત્ર એના તમામ મિત્રોને એકસરખું ચાહે છે પરંતુ કોઈ એકને વશમાં કરવાનું નથી વિચારતો. તો પછી પ્રેમમાં એક ન થઈ શકવાના લીધે આત્મહત્યાના વધતા જતા કિસ્સામાં કઈ સમજણ ખૂટે છે? શા માટે પ્રેમનું આ રૂપ આટલું કદરૂપું છે?

થોડા સમય પહેલાં એક ગીત બહુ પ્રચલિત થયેલું…’ઇશ્ક વાલા લવ…’ આ સાંભળ્યું ત્યારે એવું થયું કે કેટલું બકવાસ ગીત છે. પ્રેમના કંઈ આવા પ્રકાર હોય? પરંતુ શાંતિથી વિચારતાં સમજાયું કે ગીત કેટલું યોગ્ય છે. આજના સમયમાં ચાહતના આવા પ્રકારો છે. ભાઈ-બહેન,મા-બાળકો,મિત્રો-મિત્રો, આ તમામ પ્રેમથી તદ્દન અલગ,વિચિત્ર અને ન સમજાય એવું પ્રેમનું સમીકરણ એટલે ઇશ્ક વાલા લવ… યુવાન અવસ્થામાં છોકરા-છોકરીની નજર મળે અને પહેલી નજરનો પ્રેમ થાય.. અને આ પહેલી નજરનાં પ્રેમ પર બન્ને કે કોઈપણ એક બાજુએ  ભવિષ્યનાં એક એક પત્તા મૂકીને સ્વપ્નમહેલ ચણાય.

સમય જતાં વાસ્તવિકતાનો એક વંટોળ આવે અને આ મહેલ ધરાશાયી થાય ને એ પછી,  વિખરાયેલા વાળ,વધેલી દાઢી,સિગારેટના કશ અને દર્દીલી ગઝલો…. સામે પક્ષે પણ સ્થિતિ આવી જ હોય. સતત રડવું, ખાવું પીવું ત્યજીને રૂમમાં ભરાઈ રહેવું અને વીતેલા સમયને યાદ કર્યા કરવો. ધીમે ધીમે સમય વિતે અને આ પ્રેમ ’જૂનો’ થઈ જાય. જિંદગી એની તેજ રફતારમાં ભાગે અને ફરી કોઈ નવી વ્યક્તિ મનને ગમવા લાગે. ને પેલો પહેલી નજરનો પહેલો પ્રેમ ભૂતકાળ બની જાય છે. જિંદગીની ઘટમાળ આમ જ ચાલતી રહે છે.

લગ્નની ઉંમરે પહોંચેલા યુવક યુવતી એકમેકના પ્રેમમાં ગળાડૂબ હોય ત્યારે લગ્ન કરવાનું નક્કી કરે છે. એમને એવું લાગે છે કે જીવનમાં હવે આ વ્યક્તિ શ્વાસ બની ગઈ છે એના વગર જીવી જ નહીં શકાય. આવા સમયે સમાજ,પરિવાર અને સંજોગોની સામે જઈને એ બન્ને લગ્ન કરી લે છે. આ ઘટના અહીં સુધી પ્રેમ જ છે. ઉત્કટ પ્રેમનું આ અદભૂત પરિણામ છે પરંતુ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે આ પ્રેમ લગ્નના સાવ નજીકના ગાળામાં ફટકીયા મોતીની જેમ ભંગાણના આરે આવીને ઉભે છે. જે પ્રેમને સાર્થક કરવા, જે પ્રેમને અંજામ આપવા સમાજની અને પરિવારની સામે પડયા હોય એ જ પ્રેમનું આયુષ્ય માત્ર મહિનાઓ અને ક્યારેક દિવસોમાં ગણી શકાય  એટલું રહી જાય છે ત્યારે સવાલ એ થાય કે આમાં પ્રેમ હતો?

હા, એ સત્ય છે કે પ્રેમ આંધળો છે, કદાચ બહેરો પણ હશે. પ્રેમ એ સંપૂર્ણપણે લાગણીનો મામલો છે એટલે એમાં ક્યારેય બુદ્ધિતત્વ ન ઉમેરવું જ હિતાવહ છે પરંતુ એ પ્રેમના આધારે આખી જિંદગી જીવવાનું વિચારી રહ્યા હોઈએ ત્યારે પ્રેમથી લઈને પેટના અને સબંધથી લઈને સમાધાનના બધાજ ગણિત માંડવા પડતા હોય છે. પ્રેમ અને એના આધારે લીધેલા લગ્નના નિર્ણયમાં સફળ થવા માટે આ તમામ ગણિત માંડવા જરૂરી છે. પ્રેમલગ્નો ખોટા કે ખરાબ નથી જ પરંતુ જો એનું આયુષ્ય આજીવન હોય તો. મોટાભાગે પ્રેમમાં આકર્ષણ અને સમર્પણ વચ્ચેનો ભેદ ભાગ્યેજ બન્ને પક્ષ જાણતો હોય છે. જ્યારે પ્રેમી એક થવાનો નિર્ણય લે છે.

ત્યારે આકર્ષણને સમર્પણ સુધી લઈ જવાની સફર એમણે ખેડવાની હોય છે જેમાં ભાગ્યેજ કોઈ સફળ થાય છે. માર્ગના અવરોધોનો  વિચાર કર્યા વગર ભાગી જઈને કરી લેવાતા લગ્નોનું આવરદા બહુ ટૂંકું હોય છે. અને આવા કિસ્સામાં પ્રેમ કરતાં આકર્ષણ અને વાસ્તવિકતા કરતાં કલ્પના નો હિસ્સો બહુ મોટો હોય છે. ફિલ્મોમાં દેખાતો પ્રેમ અને વાર્તાઓમાં થતું ભાવિજીવનનું આલેખન એ માત્ર વાસ્તવિક તસ્વીર પર કરેલા સુંદરતાના એડિટિંગ જેવું છે, અને આ સત્ય દરેકે સમજવું જ રહ્યું.

પ્રેમ એ એક એવી ઊર્મિ છે કે એ સમગ્ર જીવનને હર્યુભર્યું કરી દે છે. પ્રેમથી આપણે કોઈપણનું  દિલ,લાગણી અને મન જીતી શકીએ છીએ પરંતુ સમજવાની વાત એ છે કે પ્રેમ એ પામવાની નહિ આપવાની પ્રક્રિયા છે. બે વ્યક્તિ જે પ્રેમમાં સાથે જીવવા મરવાના કોલ આપે છે એ સાથે ન જીવી શકતા મરવાનો રસ્તો પસંદ કરે છે અને આપણે એને ખરો પ્રેમ સમજીએ છીએ. જો એ પ્રેમ સાચો છે તો એને આજીવન પ્રેમ કરીને જીવી શકાય છે.

પ્રેમને કિલોમીટરના અંતર ક્યારેય નડ્યા છે? આવી આત્મહત્યાની ઘટનામાં પ્રેમ ઓછો અને પાગલપન વધારે હોય છે ત્યારે થાય કે ખરેખર આવા લોકોનો આ અંજામ જ બરાબર છે કેમ કે પાગલપનથી જિંદગી ન જીવાય, જવાબદારીઓ ન નિભાવાય. એના માટે તો શાંત,અને ઠરેલ પ્રેમ જ જોઈએ. વાવાઝોડું કે પૂરની અવસ્થાનો પ્રેમ વિનાશ જ સર્જે છે. વહેતા ઝરણાં જેવો કલશોર યુવતીના પ્રેમમાં હોય અને દરિયા સમો ઠહેરાવ યુવકના પ્રેમમાં હોય ત્યારે સહજીવન શક્ય બને છે.

માત્ર આકર્ષણને પ્રેમ સમજી સહજીવન કે સહમૃત્યુનો નિર્ણય એ નરી મૂર્ખામી છે. કેમ કે સહજીવનનું આયુષ્ય પણ બહુ ટૂંકું હોવાનું. રૂપ, દેખાવ, કલ્પના કે છલનાનાં આવરણો ઉતરે ત્યારે જ અસલી ચહેરો સામે આવે છે જે અત્યંત બિહામણો હોય છે. મનુષ્યજીવન એ ઈશ્વર તરફથી મળેલી અણમોલ બક્ષીશ છે એને માત્ર આંખોના એક ગુનાહ માટે બરબાદ ન કરી શકાય. સાચો પ્રેમ તો એ છે કે જે નવું જીવન આપે,નવી દ્રષ્ટિ આપે, નવી એનર્જી આપે અને દરેક વિપરીત પરિબળો સામે લડવાની તાકાત આપે  પછી એ પ્રેમી પાત્ર સાથે હોય જ એ જરૂરી નથી અને જીવનમાં આવો કોઈ પ્રેમ મળે તો એના થઇ જવું પરંતુ એ પ્રેમ આવો છે કે નહીં એની ખાતરી જરૂર કરવી.

પ્રેમ જેવા પવિત્ર શબ્દને આપણાં સ્વાર્થ ખાતર આભડછેટ ન લાગે અને આ એક શબ્દને તમામ સંબંધોનો આધારસ્થંભ માની શકાય એટલી પવિત્રતા આ લાગણીની, આ ઊર્મિની જાળવવી એ આપણું કર્તવ્ય છે. કહેવાતા પ્રેમમાં ગળાફાંસો ખાઈને જીવન ટુકાવનાર જો પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હોત તો કૃષ્ણ રાધા જગતમાં પૂજાતા ન હોત એ હંમેશ યાદ રાખવું.

મિરર ઇફેક્ટ :

પ્રેમમાં જિંદગી ટૂંકાવનાર વ્યક્તિએ હંમેશા યાદ રાખવું કે દરેક ભૂતકાળ ’ઇતિહાસ’ નથી બનતા અને દરેક પ્રેમ ’દ્રષ્ટાંત’ નથી બનતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.