Abtak Media Google News

આગામી લોકસભાની ચૂંટણીમાં મરાઠાઓના મત મેળવવા મહારાષ્ટ્રની ભાજપ સરકારે અનામત આપવાનો કરેલો નિર્ણયે ગુજરાતમાં ઠંડા પડી રહેલા પાટીદાર અનામત આંદોલનમાં ઘી રેડવાનું કામ કર્યું છે

પાટીદાર અનામત આંદોલનની માંગ ફરીથી તેજ થતા આ મુદે સૌ પ્રથમ વખત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિવેદન કરીને ‘છાશને ફૂંકી ફૂંકી પીવા’નો કર્યો નિર્દેશ

મહારાષ્ટ્રમાં લાંબા સમયથી અનામત માટે આંદોલન ચલાવી રહેલા મરાઠા સમુદાયને સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગનો દરજજો આપવાનો તાજેતરમાં ફડનવીસ સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ ગુજરાતમા પાટીદાર અનામત માટે છેલ્લા થોડા સમયથી આંદોલન ચલાવી રહેલા આંદોલનકારીઓએ પોતાની માંગ ફરીથી પ્રબળ બનાવી છે. જેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે પહેલી વખત પાટીદાર અનામતને લઈને નિવેદન આપીને તેમની સરકાર મરાઠાઓને અપાયેલા અનામત ફોર્મ્યુલાનો અભ્યાસ કરશે તેમ જણાવ્યું હતુ.

કચ્છની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે તેમની સરકારે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડનવીસ સરકારે મરાઠાઓને આપેલા અનામત અંગેના સર્વે રીપોર્ટનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ સર્વે રીપોર્ટો અભ્યાસમાં પાટીદારો અનામત માટે યોગ્યતા ધરાવતા હશે તો તે અંગે બાદમાં નિર્ણય કરાશે.

આ પહેલા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે રૂપાણી સરકારને ચૂટકી ભરતા જણાવ્યું હતુ કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર મરાઠાઓને અનામતનો લાભ આપી શકતી હોયતો ગુજરાતની ભાજપ સરકાર પાટીદારોને કેમ અનામત આપતી નથી? જો બંધારણીય રીતે પાટીદારોને ગુજરાતમાં અનામતનોલાભ નથી મળી શકે તેમ તો મરાઠાઓને મહારાષ્ટ્રમાં કેવી રીતે અનામત શકય બન્યું? ત્યાં પણ અનામતની ટકાવારી ૫૦ ટકા ઉપર જઈ રહી છે. તેમ જણાવીને હાર્દિકે ગુજરાત સરકાર પાટીદારોને અનામત આપવા મુદે ફરીથી વિચાર કરે તેમ ઉમેર્યું હતુ.

પાટીદારોને અનામત આપવા ૨૦૧૫થી રાજય સરકાર સામે લડત ચલાવી રહેલા ૨૫ વર્ષિય ફાયરબ્રાન્ડ નેતા હાર્દિક પટેલે ગુજરાત સરકાર પાટીદારોના પછાતપણાના વિવિધ માપદંડોનો અભ્યાસ કરીને મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને જે રીતે અનામતનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે તે રીતે રૂપાણી સરકાર પાટીદારોને અનામતનો લાભ આપવા તુરંત કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી આડે હવે થોડો સમય બાકી છે ત્યારે મહારાષ્ટ્રમાં મરાઠાને અનામતનો લાભ આપવાનો ભાજપ સરકારનો નિર્ણયે ગુજરાતમાં ઠંડા પડી રહેલા અનામત આંદોલનમાં ફરી ઘી રેડવાનું કામ કર્યું છે.

આગામી લોકસભાની ચૂંટણીમાં વિરોધીઓને પાટીદાર અનામત આંદોલન માટેનો નવો મુદો ન મળી જાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છમાં કરેલા નિવેદને અનેક તર્કવિતર્કો ઉભા કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રૂપાણી પાટીદાર અનામત આંદોલનના મુદે સંગઠનમાં હતા ત્યારથી આજદીન સુધી એકપણ જાહેર નિવેદન કરેલુ નથી ૨૦૧૯ની લોકસભા જીતવા ગુજરાતમાં પાટીદારોના મત ભાજપ માટે અતિમહત્વના છે. જેથી પાટીદારોને અનામત આપવાના મુદે રૂપાણી સરકાર ‘છાશ’ પણ ફૂંકી ફૂંકી પીશે તેમ મનાય રહ્યું છે.

પાસ નેતા અલ્પેશ કથીરીયાની રાજદ્રોહના કેસમાં ધરપકડ

દક્ષિણ ગુજરાતનાં પાસ નેતા અને રાજદ્રોહના કેસમાં સાબરમતી જેલમાં કેદ એવા અલ્પેશ કથીરીયાની સુરત ક્રાઈમ બ્રાંચે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી છે. કથીરીયાનો ટ્રાન્સફર વોરંટના આધારે ૨૦૧૫માં સુરતમાં નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં હાર્દિક પટેલ વિપુલ દેસાઈ, અને ચિરાગ દેસાઈ પણ આરોપી છે. આ કેસ ‘બે-ચાર પોલીસવાળા’ને મારી નાખો’ની હાર્દિકના જાહેર ઉચ્ચારણ બાદ નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.