Abtak Media Google News

મતદાન કર્યા પૂર્વે શિવલીંગ પર કર્યો જલાભિષેક: ધર્મપત્ની અંજલીબેન રૂપાણી અને પુત્ર રૂષભ રૂપાણીએ પણ મુખ્યમંત્રીની સાથે જ મતદાન કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આજે વહેલી સવારે પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન કર્યા પૂર્વે મુખ્યમંત્રીએ શિવલીંગ પર જલાભિષેક કર્યો હતો અને દેવદર્શન કર્યા હતા. મતદાન બાદ વિજયભાઈ રૂપાણીએ રાજયમાં ફરી ભાજપની સરકાર બનશે તેવો અડિખમ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૬૯-રાજકોટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આજે સવારે ૮:૩૦ કલાકે તેઓએ શહેરના રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોક નજીક આવેલી જ્ઞાનગંગા સ્કૂલ ખાતે આવેલા પોતાના મતદાન બુથ પર જઈ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પૂર્વે મુખ્યમંત્રીએ દેવદર્શન કર્યા હતા અને શિવ મંદિરમાં જઈ શિવલીંગ જલાભિષેક કર્યો હતો.

મુખ્યમંત્રી સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી અને પુત્ર રૂષભ રૂપાણીએ પણ મતદાન કર્યું હતું. મતદાન બાદ તેઓ પોતાની રૂટીન કામગીરીમાં લાગી ગયા હતા. બીજા તબકકાના મતદાન માટે ૧૪મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે મુખ્યમંત્રી તરીકે તેઓ પર પ્રચારની જવાબદારી હોય કાલથી ફરી વિજયભાઈ રૂપાણી પ્રચાર કામગીરીમાં લાગી જશે. મતદાન બાદ પત્રકાર સાથે વાતચીત દરમિયાન તેઓએ ગુજરાતમાં ફરી ભાજપની જીત થશે તેવો અડિખમ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે સુર્યમુખી હનુમાન મંદિર પાસે આવેલી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે, રાજકોટ પૂર્વના ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણીએ પેડક રોડ પર આર્યનગરમાં મારૂતિ મધર લેન્ડ સ્કૂલ ખાતે, રાજકોટ ગ્રામ્યના ભાજપના ઉમેદવાર લાખાભાઈ સાગઠિયાએ ખીરસરા પ્રાથમિક સ્કૂલમાં, મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ અમીનમાર્ગ પર ગંગા હોલ પાસે, માતૃમંદિર ઈંગ્લીશ સ્કુલ હોબી સેન્ટર ખાતે, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ સાધુ-વાસવાણી રોડ પર ૬૪-બી રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા ખાતે, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે કોટેચાનગરમાં, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે યુનિવર્સિટી રોડ પર રામધામ સોસાયટી પાસે ઈનોવેટીવ સ્કૂલ ખાતે, ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ નવા થોરાળામાં શાળા નં.૨૯માં પૂર્વ મેયર જનકભાઈ કોટકે ૧૫, જંકશન પ્લોટમાં ડાક બંગલો શાળા નં.૨૬ ખાતે અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે યાજ્ઞિક રોડ ઉપર ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે મતદાન કર્યું હતું.

લોકશાહીને મજબુત કરવા અચૂક મતદાન કરો: મુખ્યમંત્રીની અપીલ

૬૯-રાજકોટ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં ગુજરાતવાસીઓને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, લોકશાહીની પ્રણાલીને નિભાવવા માટે તથા લોકશાહીને વધુ મજબુત બનાવવા માટે લોકોએ અચૂક મતદાન કરવું જોઈએ. આજે મતદાન પૂર્વે મંદિરોમાં દેવદર્શન કર્યા હતા અને ભગવાનને એવી પ્રાર્થના કરી છે કે ગુજરાત વિકાસની રાહ પર વધુ આગળ વધે, ગુજરાતનું હિત જળવાય રહે અને રાજય વધુ સલામત બને. ગુજરાતમાં ભાજપની જીત નિશ્ર્ચિત હોવાનું તેઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.