Abtak Media Google News

૯મી ઓકટોબરે પેટા ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થશે: ૧૬મી ઓકટોબરે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ૧૭મીએ ફોર્મની ચકાસણી, ૧૯મી ઓકટોબર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે

ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની ચાર બેઠકો માટે ગત જૂન માસમાં યોજાયેલી ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. જેના કારણે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી અલગ અલગ ૮ બેઠકો માટે પેટાચૂંટણીની તારીખોનું એલાન આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી ૩ નવેમ્બરના રોજ ૮ બેઠકો માટેની પેટા ચૂંટણીનું મતદાન યોજાશે અને ૧૦મી નવેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની ૮ ઉપરાંત અલગ અલગ રાજ્યોની ૫૬ વિધાનસભા બેઠકો માટે જ્યારે બિહારની વાલ્મીકીનગર લોકસભા બેઠક માટે ૭મી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભા અને લોકસભાની પેટા ચૂંટણી માટેની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતન વિધાનસભાની કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ અને અબડાસા  બેઠક માટેની પેટા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. પેટા ચૂંટણી માટે જાહેરનામા આગામી ૯મી ઓકટોબરના રોજ પ્રસિધ્ધ થશે. ૧૬ ઓકટોબર સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તિથિ નિર્ધારીત કરવામાં આવી છે. ૧૭મી ઓકટોબરના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે જ્યારે ૧૯મી ઓકટોબર સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ૩ નવેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાન હાથ ધરવામાં આવશે અને ૧૦મી નવેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. ૧૨મી નવેમ્બર એટલે કે ધનતેરસના દિવસે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ઉપરાંત છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણીપુર, નાગાલેન્ડ, ઓડિસ્સા, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોની ૫૬ બેઠકો માટે પેટા ચૂંટણી યોજવામાં આવશે.

રાજ્યમાં જૂન માસમાં યોજાયેલી રાજ્યસભાની ચાર બેઠકો પૂર્વે કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેમાં કપરાડા બેઠક પરથી જીતુભાઈ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવીત, લીંબડી બેઠક પરથી સોમા ગાંડા, ગઢડા બેઠક પરથી પ્રવિણ મારૂ, ધારી બેઠક પરથી જે.વી.કાકડીયા, મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજા, કપરાડા બેઠક પરથી અક્ષય પટેલ અને અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ધારાસભ્યપદેથી રાજીનામુ આપતા વિધાનસભાની આઠ બેઠકો ખાલી પડી છે. આઠ પૈકી ૫ બેઠકો પર ભાજપ કોંગ્રેસમાંથી રાજીનામા આપી કેસરીયો ધારણ કરનાર પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપે તેવી સંભાવના જણાય રહી છે જ્યારે અન્ય ત્રણ બેઠકો પર ઉમેદવારી પસંદગીને લઈ ખુદ ભાજપ પણ અસંમજસમાં છે. તમામ ૮ બેઠકો પર કમળ ખીલવવા માટે ભાજપ દ્વારા બેઠકવાઈઝ ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે જેમાં ડાંગની બેઠક માટે ઈન્ચાર્જ તરીકે મંત્રી ગણપત વસાવા તથા ધારાસભ્ય પૂણેશ મોદી, કપરાડા બેઠક માટે ભરત પરમાર અને ઈશ્ર્વરસિંહ પટેલ, કરજણ બેઠક માટે પ્રદિપસિંહ જાડેજા અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ, અબડાસા બેઠક માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કે.સી.પટેલ, મોરબી બેઠક માટે આઈ.કે.જાડેજા અને સૌરભ પટેલ, ધારી બેઠક માટે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધનસુખ ભંડેરી, ગઢડા બેઠક માટે ગોરધનભાઈ ઝડફીયા અને કુંવરજીભાઈ બાવળીયા જ્યારે લીંબડી બેઠક માટે આર.સીફળદુ અને નિતીનભાઈ ભારદ્વાજની ઈન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આજે આઠ બેઠકની પેટા ચૂંટણી તારીખો જાહેર થતાંની સાથે જ આ આઠેય વિધાનસભા મત વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જવા પામી છે.

તમામ બેઠકો પર ભાજપ જીતશે: સી.આર. પાટીલ

C R Patilc

આજરોજ આઠ બેઠકો માટે પેટા ચુંટણીની જાહેરાત થઇ છે. આગામી ૩ નવેમ્બરે મતદાન અને ૧૦મી નવેમ્બરે મતગણ તરી હાથ ધરવામાં આવશે. આ પેટાચૂંટણીની જાહેરાતને આવકારી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે ભાજપે પેટા ચુંટણી પહેલા જ રણનીતી ઘડી લીધી છે. અને મોટાભાગની તૈયારીઓ કરી લીધી છે. આ આઠેય બેઠકો પર ભાજપ જરૂર જીત મેળવશે. તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો. પેટા ચુંટણીની કોરોના મહામારી વચ્ચે પેટા ચૂંટણીની તમામ પ્રક્રિયા સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ તે રીતે હાથ ધરાશે. ૫્રદેશ ભાજપના સંગઠનમાં યુવા અને નવા ચહેરાને પ્રાધાન્ય અપાશે. આ ઉ૫રાંત ભાજપ અગ્રણી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે આ પેટાચૂંટીમાં ભાજપ જંગી બહુમતીથી જીતશે અને તેઓને પણ ટિકિટ મળશે તેવો મોટો દાવો કર્યો છે. પેટાચૂંટણી અંગે બ્રિજેશ મેરજાએ કહ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર એકજૂટ થઇ કાર્ય કરે છે. તેથી ચોકકસ ભાજપનો જ વિજય થશે. ભાજપ જે ઉમેદવાર નકકી કરશે તેને જીતાડવા પ્રયત્ન કરીશું તેમ જણાવ્યુ હતું.

પ્રજા સાથે દ્રોહ કરનારાઓને પ્રજા જાકારો આપશે: અમિત ચાવડા

Amit Chavda

આજરોજ રાજયની આઠ બેઠકો માટે પેટા ચુંટણીની તારીખો નકકી કરવામાં આવી છે. જેને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આવકારી છે અને તમામ બેઠકો પર કોંગ્રેસ જીતશે તેવી આશા વ્યકત કરી હતી. વધુમાં જણાવ્યુ હતુ કે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્યિા ચાલુ જ છે. ચાવડાએ કહ્યુ હતુ કે ભાજપના શાસનમાં ગુંડારાજ વધ્યુ છે અને પ્રજા સાથે દ્રોહ કરનારાઓને પ્રજા જરૂર જાકારો આપશે. કૃષીના નવા કાયદા અંગે પણ વાત કરી હતી. કૃષીના નવા કાયદાથી એપીએમસીની વ્યવસ્થા ખત્મ થશે. જેથી હાલ તમામ ખેડૂતો તેને નકારી રહ્યા છે. ખેડૂતોને નુકશાન થનારા કાયદાનો સમગ્ર દેશમાં આક્રોશ ફાટયો છે. વિરોધ જુવાળ ઉભો થયો છે જેની અસર આ પેટા ચૂંટણીમાં જોવા મળશે. અંતે આજરોજ જાહેર થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ તમામ બેઠકો પર જીત મેળવશે તેવુ સ્પષ્ટ જણાવ્યું હતું.

દિવાળીના ચાર દિવસ પહેલા પેટા ચૂંટણીનું પરિણામ: કોના આંગણે ફટાકડા ફૂટશે?

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે આગામી ૯ ઓકટોબરના રોજ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થશે. ૧૬ ઓકટોબર સુધી ફોર્મ ભરી શકાશે. પેટા ચૂંટણી માટે ૩ નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને મત ગણતરી ૧૦ નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ૧૪ નવેમ્બરે દિવાળી છે. ત્યારે દિવાળીના ચાર દિવસ પૂર્વે જ પેટા ચૂંટણીના પરિણામો ભાજપના આંગણે આંતશબાજી કરશે કે કોંગ્રેસના ઘેર ફટાકડા ફોડશે તે જોવાનું રહ્યું. કારણ કે, જે આઠ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાય છે તે તમામ બેઠકો પર ૨૦૧૭માં કોંગ્રેસના ઉમેદવારો તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા. આવામાં દિવાળી પહેલા કોના આંગણે કકડાટ સર્જાય છે કે આતશબાજી થાય છે તે જોવાનું રહ્યું.

વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પણ અસર કરશે

રાજકોટ સહિત રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની વર્તમાન ટર્મની બોડી આગામી ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતની મુદત પણ ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે ૩ નવેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની ખાલી પડેલ આઠ બેઠકોની પેટા ચૂંટણી અને ૧૦ નવેમ્બરે આવનારા તેના પરિણામની અસર સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પર પડે તેવું લાગી રહ્યું છે. પેટા ચૂંટણીનું મતદાન અને તેનું પરિણામ મતદારોનું મન કહી દેશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોણ સત્તારૂઢ થશે તેના આડકતરા સંકેતો પણ આપી દેશે. જે આઠ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે તેના પરિણામો આમ ભલે સત્તાના સમીકરણો પર કોઈપણ પ્રકારની અસર કરશે નહીં, તમામ બેઠકો ભાજપ જીતશે તો તેમાં તેની સત્તા વધુ મજબૂત થશે અને કોંગ્રેસ જીતશે તો સત્તારૂઢ થઈ જશે તેવું નથી. પરંતુ પેટાચૂંટણીના પરિણામ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલાનો સેમીફાઈનલ માનવામાં આવી રહ્યો છે. પરિણામ કાર્યકરોમાં પણ જુસ્સો લાવશે એટલે બન્ને પક્ષો ચૂંટણીમાં જીતવા એડીચોટીનું જોર લગાવશે.

કોંગ્રેસના આ ૮ ધારાસભ્યોના રાજીનામાથી જનતા પર પેટા ચૂંટણીના ખર્ચનો બોજ

ગુજરાતમાં ચાલુ વર્ષે રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભામાં સભ્ય સંખ્યા મુજબ ભાજપ અને કોંગ્રેસ બન્નેના ફાળે બે-બે બેઠક આવે તેમ હતી. પરંતુ કોઈપણ ભોગે રાજ્યસભાની ત્રણ બેઠકો જાળવી રાખવા માટે ભાજપે તોડજોડની રાજનીતિ અપનાવી હતી. જેમાં માર્ચ માસમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો અને ત્યારબાદ જૂન માસમાં ૫ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેમાં કપરાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત, લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરચા, કપરાડાના ધારાસભ્ય અક્ષય પટેલ અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ધારાસભ્યપદેથી રાજીનામા આપ્યા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રણ બેઠકો હાસલ કરવામાં ચોક્કસ સફળ રહ્યું છે પરંતુ તોડજોડની રાજનીતિના પાપે કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ રાજીનામા આપા દેતા ગુજરાતના જનતા પર વિધાનસભાની ૮ બેઠકો માટે પેટા ચૂંટણીનો કરોડો રૂપિયાનો બોજો આવ્યો છે. આ આઠેય બેઠકોની ચૂંટણી કોરોના કાળ વચ્ચે યોજાશે ત્યારે સંક્રમણ વધુ ફેલાવાની ભીતિ રહેલી છે.

સી.આર. પાટીલની પ્રથમ અગ્નિ પરીક્ષા

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટે આગામી ૩ નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ એવા નવસારીના સાંસદ સી.આર.પાટીલની પ્રથમ અગ્નિ પરીક્ષા થશે. ચાલુ વર્ષના અંતમાં રાજ્યની ૬ મહાનગરપાલિકા, અલગ અલગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનો પણ ચૂંટણી યોજાવાની છે. જેમાં તમામ સ્થળે ભાજપનો વિજય વાવટો લહેરાવવાની જવાબદારી પાટીલના શીરે છે. જે આઠ વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે તે તમામ બેઠકો પર ૨૦૧૭માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા. આવામાં હવે આ આઠેય બેઠક પર ભાજપના ઉમેદવારોને વિજય બનાવવાનો પડકાર સી.આર.પાટીલે જીવલો પડશે.

સંગઠનનો ઓછો અનુભવ ધરાવતા પાટીલની પ્રથમ અગ્નિ પરીક્ષા વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં થશે. જો તેમાં તેઓ અસફળ રહેશે તો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને તમામ મહાનગપાલિકામાં, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ભાજપના પુન: સત્તારૂઢ કરવો તેમના માટે મોટો પડકાર બની રહેશે. હાલ રાજ્યમાં કોંગ્રેસનું સંક્રમણ વધી રહ્યું છે. આવામાં પેટા ચૂંટણી માટે મોટી જાહેરસભા કરવાની છુટ આપવામાં ન આવે તે સ્વીભાવીક છે ત્યારે બંધ બારણે જ ચૂંટણી જીતવાની વ્યુહરચના પણ પાટીલે ઘડવી પડશે. સંગઠનનો ઓછો અનુભવ તેમના માટે મુશ્કેલી વધારી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.