Abtak Media Google News

નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ એ પેટ્રોલીંગ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

સમગ્ર રાજ્યમાં હાલ લોકડાઉનની પાલન થાય તે હેતુસર પોલીસ તંત્ર ખડેપગે ફરજ બજાવી રહ્યું છે ત્યારે રાજકોટ ખાતે પોલીસ અધિકારી, કર્મચારી સતત રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. લોકડાઉનના પગલે સમગ્ર રાજ્કોટ શહેર વિસ્તારમાં ઠેર-ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીનજરૂરી લટાર મારવા નીકળતા તમામ તત્ત્વોને તાકીદ કરી જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ખાસ રાજકોટ શહેર નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા દ્વારા જાતે જ ગત રાત્રીના ઝોનના તમામ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. આ તકે ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના વિસ્તારો પૈકી બજરંગવાડી, લાખના બંગલા, એરપોર્ટની આસપાસના વિસ્તાર, જામનગર રોડ સહિતના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી લોકોને બેફીઝુલ ઘરની બહાર ન નીકળવા તાકીદ કરી હતી. તેમજ અનિવાર્ય સંજોગો સીવાય લટાર મારવા નિકળી પડેલા તત્ત્વો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ તકે મનોહરસિંહ જાડેજા દ્વારા તમામ પોલીસ મથકના પીઆઈને ચુસ્ત કાયદો વ્યવસ્થા જાળવવા તાકીદ કરવામાં આવી હતી. તેમજ જો કોઈ કલમ ૧૪૪નો ભંગ કરે તો તેમના પર તાત્કાલીક ધોરણે અટકાયતી પગલા લેવા સુચના આપવામાં આવી હતી. પેટ્રોલીંગ દરમિયાન ડીસીપી ઝોન-૨એ જાતે જ અમુક શખ્સો વિરુધ્ધ અટકાયતી પગલા લઈ દાખલો બેસાડ્યો હતો.

ઉપરાંત રાજકોટ શહેરના અતિ સંવેદનશીલ વિસ્તાર ધરાવતું ભક્તિનગર પોલીસ મથક પણ હાલ રાઉન્ડ ધ કલોક તૈનાત થઈ ઈન્ટરનલ ચેકપોસ્ટ ઉભુ કરી અનિવાર્ય સંજોગો સીવાય બહાર નીકળનાર તત્ત્વો સામે અટકાયતી પગલા લઈ રહ્યું છે. તેમજ જંગલેશ્ર્વર જેવા ગીચ વિસ્તારોમાં ડ્રોનના માધ્યમથી બાજ નજર રાખી ગપસપ કરવા બહાર નીકળતા શખસો વિરુધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે એસીપી પૂર્વ એચ.એલ.રાઠોડ, ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ વી.કે.ગઢવી અને તેમની ટીમ દ્વારા કેવડાવાડી વિસ્તારમાં ફલેગમાર્ચ યોજી પરિસ્થિતિનો તાગ મેળવાયો હતો. ઉપરાંત રામનવમી પ્રસંગે ગુંદાવાડી ચોરા ખાતે આવેલા રામ મંદિરના પૂજારીને લોકોની ભીડ એકત્ર નહીં કરવા તાકીદ કરી હતી. વધુમાં જે લોકો સેવાના નામે ભાટકવા નીકળી પડતા હોય છે તેમની પણ સચોટ પુછપરછ કરી જો શંકાસ્પદ જણાય તો તેમના વિરુધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવા સુચન કરવામાં આવ્યું છે.

ફકત શહેરી વિસ્તારોમાં જ નહીં પરંતુ ધોરી માર્ગો ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટ-ગોંડલ હાઈવે ખાતે કોઠારીયા સોલવન્ટ પાસે ચેકપોસ્ટ ઉભુ કરી બિનજરૂરી ફરવા નીકળતા લોકોને રોકી દેવામાં આવે છે. તેની સામે જીવન જરૂરીયાતની ચીજવસ્તુનું પરિવહન કરતા વાહનો હાલાકી ન ભોગવે તે માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ એમ્બ્યુલન્સ સહિતના વાહનો કોઈ વિના વિઘ્ને જે તે સ્થળે પહોંચી શકે તે માટે પણ પોલીસ જવાનો તત્પર રહી કામગીરી કરી રહ્યાં છે.

સેવાના નામે ભાટકવા નીકળી પડતા તત્ત્વોની ખેર નથી: એસીપી એચ.એલ.રાઠોડ

Vlcsnap 2020 04 02 08H51M37S175

ફલેગમાર્ચ દરમિયાન એસીપી પૂર્વ ઝોન એચ.એલ.રાઠોડે  ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે રીતે દેશમાં લોકડાઉન અમલી બનાવાયુ છે ત્યારે મહામારી સામેની જંગ લોકોએ ઘરમાં રહીને લડવાની છે. પરંતુ જે લોકો જાગૃતતાના અભાવે અથવા તો અન્ય કારણોસર ઘરની બહાર નીકળી પડ્યા છે તેમને પોલીસ તંત્ર દ્વારા કડક શબ્દોમાં ઘરની બહાર નહીં નીકળવા સુચના અપાય રહી છે. જો કોઈ શખ્સ અવાર-નવાર ઘરની બહાર નીકળતો જણાય તો તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

ઉપરાંત ગીચ વિસ્તારોમાં ડ્રોન મારફત પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. હાલ કેવડાવાડી વિસ્તારમાં ફલેગમાર્ચ યોજી  જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું વેંચાણ કરતા વેપારીઓને પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સુચના આપવામાં આવી છે. તેમજ જે ખરીદદારો ખરીદી અર્થે દુકાને આવે તેમને પણ જાગૃત કરવા તાકીદ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ અમુક તત્ત્વો સેવાના નામે ભાટકવા નીકળી જતા હોય છે ત્યારે જે લોકો વહીવટી તંત્રના પાસ વીના બહાર નીકળશે તેમના વિરુધ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરી પરિસ્થિતિ પર નિયંત્રણ રખાયું: વી.કે.ગઢવી

Vlcsnap 2020 04 02 13H13M44S93

આ તકે ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ વી.કે.ગઢવીએ  ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભક્તિનગર પોલીસ મથક હેઠળ સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે.

ત્યારે ઠેર-ઠેર ઈન્ટરનલ ચેકપોસ્ટ ઉભા કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં આવી રહી છે. રાજકોટના સોરઠીયાવાડી સર્કલ ખાતે મુખ્ય પોલીસ જવાનોને તૈનાત કરી બિનજરૂરી લટાર મારતા તત્ત્વો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

તેમજ ગીચ વિસ્તારોમાં ડ્રોન મારફત નજર રાખી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, હાલ ભક્તિનગર પોલીસ મથકનો આશરે ૧૯૪ અધિકારી-કર્મચારીની ટીમ ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે અને સંપૂર્ણ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.

શારીરિક અસ્વસ્થતા છતાં પણ જવાન ફરજ પર ખડેપગે

Vlcsnap 2020 04 02 08H54M32S134

રાજકોટ-ગોંડલ હાઈવે ખાતે પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉભુ કરવામાં આવ્યું છે. જ્યાં બિનજરૂરી નિકળતા લોકોને અટકાવી દેવામાં આવે છે. તે સ્થળ પર હાથમાં ફ્રેકચર હોવા છતાં ખડેપગે ફરજ બજાવતા જીઆરડી જવાનના હોંસલો બુલંદ છે. ગત મધરાત્રી સુધી આ જવાને ફરજ પર રહી વાહન ચેકિંગ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.