Abtak Media Google News

કોઈ ખેડૂત આપઘાત કરે એટલે પોલીસની તપાસ ૨૧ મુદ્દાની બની રહેશે. આ તપાસમાં પાકની પરિસ્થિતિના છેલ્લા ફોટોગ્રાફ્સ ઉપરાંત ખેતરમાં થયેલા ઉત્પાદનની વિગતો પણ પોલીસે રજુ કરવાની રહેશે. પોલીસે જે ૨૧ મુદ્દાની તપાસ કરવાની છે તે આ મુજબ છે.

જેમાં મરણ પામેલા ખેડૂતનું નામ, ખેડૂતનું રહેઠાણનું સરનામું, બનાવ બન્યાની તારીખ, FIR મુજબ આત્મહત્યાનું કારણ, ખેડુત ખાતેદાર છે કે કેમ, ૭/૧૨, ૮-અ મુજબ જમીનનો વિસ્તાર, ચાલુ વર્ષે વાવેતર કરેલા પાકની વિગત. પાકવીમામાં સમાવેશ છે કે કેમ, ખેતરમાં હાલની પાકની પરિસ્થિતિ (ફોટા સાથે) અને મળેલું ઉત્પાદન, પિયતની સવગડ (બોર, કુવા) નમુના નંબર ૧૬/રેવન્યુ અધિકારીના આધાર સહિત, છેલ્લા બે વર્ષમાં પાકનું વાવેતર (વિસ્તાર સાથે), થયેલ ઉત્પાદન (પાકવાર) વિગત, થયેલા આવકની વિગત, પાક વિમો મળ્યો હોય તો તેની વિગત, ખેતી સિવાય અન્ય કોઈ વ્યવસાય હોય તો તેની વિગત, લીધેલું ધિરાણ/લોન દેવાંની વિગત (કેટલી લોન, કઈ સંસ્થા પાસેથી લીધી/ અને જોગવાઈ કરી છે તેના આધાર સાથે), ખેડૂતના પરિવારના સભ્યોની વિગત (વ્યવસાય, આવકની વિગત), ખેડુતના ખેતરના આસપાસના ખેતરના વાવેતરની વિગત/ પાકની પરિસ્થિતિ, આઈ ખેડુત પોર્ટલ પર નોંધાયેલ છે કે નહીં, સ્કેલ ઓફ ફાઈનાન્સ/હેક્ટર, ચાલુ વર્ષે થયેલા વરસાદની વિગત. છેલ્લા પાંચ વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદ (ટકા) અને આ બાબતો ધ્યાને લેતાં આત્મહત્યા બાબતનો સ્પષ્ટ અભિપ્રાય આપવાના રહેશે.

ઓણ ચોમાસુ સારૂં હોવાના વરતારા વચ્ચે ખેડૂત મહેનત કરી રહ્યો છે. પણ, જો કોઈ ખેડૂત આત્મહત્યા કરશે અને પાકની નિષ્ફળતા કારણભૂત ગણાવાશે તો પોલીસ હવે કેટલો વરસાદ થયો હતો તે મુદ્દો પણ તપાસશે. મતલબ કે, ખેડૂતના આપઘાત પાછળ ખરેખર પાક નિષ્ફળ જવાનું કે કૃષિ વિષયક દેવાંનું જ કારણ છે કે કેમ/ તે મુદ્દો પોલીસની તપાસમાં મુખ્ય બની રહેશે. કોઈ વખત કોઈ ખેડૂત બીજા કારણે આપઘાત કરે છે. પણ, અન્ય કારણે આપઘાતને પાક નિષ્ફળ જવાથી કે કૃષિ-દેવાંમાં ખપાવી દેવાની પ્રયાસ થતા હોય છે. આવા સંજોગોમાં ખેડુતના આપઘાતનું ખરૂ કારણ શોધી કાઢવા માટે પોલીસ આપઘાત કરનાર ખેડૂતનું ખેતર હોય તે વિસ્તારમાં કેટલો વરસાદ થયો તેની તપાસ પણ કરશે. ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા તો ઊંડી તપાસ થતી હોય છે. પણ, આત્મહત્યાના કેસની તપાસ કરતી પોલીસને પણ હવે સચોટ તપાસ કરવા આવશ્યક ગાઈડલાઈન ગૃહવિભાગ દ્વારા આપવામાં આવી છે. કોઈપણ ખેડુતના આપઘાત કેસમાં કુલ ૨૧ મુદ્દાઓની તપાસ કરવાની માર્ગદર્શિકા રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને CID(ક્રાઈમ) દ્વારા મોકલવામાં આવી છે.

આગામી નવેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે અને ખેડૂતોના પ્રશ્નોને વેગ આપવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. વાવણી અને લણણી સિવાયના સમયગાળા દરમિયાન ખેડૂતોના જુદા-જુદા પ્રશ્નો મામલે રાજકીય આંદોલનોની સંભાવના જોતી ગુજરાત સરકારે આગોતરાં પગલાં ભરવાની શરૂઆત કરી છે. ખાસ કરીને ખેડુત આપઘાત કરે તો લોકો સંવેદનશીલતાથી આ મામલે એકત્ર થતાં હોય છે. ખાસ કરીને પાક નિષ્ફળ જાય અને કૃષિ વિષયક દેવાંના કારણે ખેડુતે આપઘાત કર્યો હોય તો તેની સામાજીક અસર ખુબ મોટી હોય છે. આવા સંજોગોમાં કોઈ ખેડુત ખરેખર પાક નિષ્ફળ જવાથી કે કૃષિ દેવાંના કારણે આપઘાત કરે તો સરકાર અચુક મદદ કરે. પણ, અન્ય કારણે કરવામાં આવેલા આપઘાતને રાજકીય રંગ આપવાની ચેષ્ટા થાય તો કાયદેસર પુરાવા એકત્ર કરવાની કામગીરી કરવાની તાકીદ પોલીસને કરવામાં આવી છે. પોલીસે આસપાસના ખેતરમાં કેટલો પાક થયો/ પાંચ વર્ષમાં કેટલો વરસાદ થયો/ તે વિગતો પણ મેળવવી પડશે. પોલીસ પોતાની તપાસ મજબૂત બનાવી શકે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીનો રિપોર્ટ પણ સામેલ કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.