Abtak Media Google News

એક સાથે સાત સ્પામાં દરોડા પાડતા મસાજ પાર્લરમાં દોડધામ: સંચાલકો અને વિદેશી યુવતીઓ સામે નોંધાતો ગુનો

શહેરમાં સ્પાના ઓઠા તળે ગોરખધંધા ચાલતા હોવાથી પોલીસ કમિશનર તરીકે મનોજ અગ્રવાલે ચાર્જ સંભાળતાની સાથે જ શહેરભરના સ્પા પર ધોસ બોલાવી દરોડા પાડી ૪૬ જેટલી વિદેશી યુવતીઓને વિદેશ રવાના કર્યા બાદ ફરી સ્પા ધમધમતા હોવાની ઉઠેલી ફરિયાદના પગલે એસ સાથે સાત સ્પામાં પોલીસે દરોડા પાડી ૧૮ વિદેશી યુવતીઓ અને સ્પા સંચાલકો સામે ગુનો નોંધતા સ્પા સંચાલકોમાં દોડધામ થઇ ગઇ છે.

શહેરમાં સ્પાના ગોરખધંધા ત્રણેક માસ પહેલાં બંધ કરાવ્યા બાદ સ્પા સંચાલકોએ છાને ખૂણે વિદેશી યુવતીઓને આશરો આપી તેની પાસે ટૂરિસ્ટ વિઝા હોવા છતાં મસાજ માટે સ્પામાં નોકરી આપી સ્પાનો ધંધો ફરી ધમધમતો થતા જેસીપી સિધ્ધાર્થ ખત્રીના માર્ગ દર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયાએ જુદી જુદી સાત જેટલી પોલીસની ટીમ બનાવી તમામ ટીમમાં એક પી.એસ.આઇ. અને મહિલા પોલીસ સ્ટાફને સાથે રાખી મોડીરાતે સ્પામાં દરોડા પાડયા હતા.

પોલીસે બીગ બજાર પાસે પર્પલ સ્પા, ક્રિસ્ટલ મોલમાં બોસ સ્પા, ભાભા હોટલ પાસે પીન્ક સ્પા, કાલાવડ રોડ પર પેરેડાઇઝ સ્પા, અમીન માર્ગ પર ન્યુ પેરેડાઇઝ સ્પા, અક્ષર માર્ગ પર લાફીંગ બુધ્ધા સ્પા અને નિર્મલા રોડ પર ગોલ્ડ સ્પા પર દરોડા પાડતા નાસભાગ મચી ગઇ હતી.

જવાહર રોડ પર આવેલા મેકરવન કોમ્પ્લેક્ષમાં ચાલતા પીન્ક સ્પામાં પી.એસ.આઇ. એસ.વી.સાખરા સહિતના સ્ટાફે દરોડો પાડી રેલનગરના સાગર મદન વિશ્ર્વકર્મા અને છ વિદેશી યુવતીઓ સામે ગુનો નોંધ્યો છે.

અમીન માર્ગ પર આવેલા ન્યુ પેરેડાઇઝ સ્પામાં માલવીયાનગરના પી.એસ.આઇ. આર.એ.જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી એસ્ટ્રોન સોસાયટીના વત્સલ પરસોતમ મુંગપરાની પોલીસે ધરપકડ કરતા તેના સ્પામાંથી ભાગીદાર તાહિરઅલી સાદીકઅલી ભારમલ અને બે વિદેશી યુવતી ભાગી ગયા હતા.

નાના મવા રોડ પર આવેલા પેરેડાઇઝ સ્પામાં તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.આર.સોલંકી સહિતના સ્ટાફે દરોડો પાડી અમરનગરના કિરીટસિંહ સાહેબસિંહ ગોહિલ અને બે વિદેશી યુવતી સામે ગુનો નોંધ્યો છે.

૧૫૦ ફુટ રીંગ રોડ પર ઇસ્કોન મોલમાં પર્પલ સ્પામાં તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. જે.એસ.ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડી સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે રહેતા હરજી કરમશી પરમાર અને તેના ભાગીદાર મસ્તલ પરસોતમ મુંગલપરા તેમજ આઠ વિદેશી યુવતીઓ સામે ગુનો નોંધ્યો છે.

ક્રિસ્ટલ મોલમાં ચાલતા બોસ સ્પામાં યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. આર.વાય.રાવલ સહિતના સ્ટાફે દરોડો પાડી હાર્દિક કોટેચા સહિત ત્રણ વિદેશી યુવતી સામે ગુનો નોંધ્યો છે. દરોડા દરમિયાન મહારાષ્ટ્રના કિરણ શારણની સંડોવણી બહાર આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.