Abtak Media Google News

સોનાની બે વીંટી ખોવાઇ જતાં અપહરણ અને લૂંટની સ્ટોરી બનાવ્યાનું ખુલ્યું

શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા જાગનાથ પ્લોટ શેરી નંબર ૨૩ પાસે સ્ટેશનરીની દુકાને આશરે ૧૫ વર્ષના તરૂણે રડતા રડતા પોતાના પરિવારને કારમાં આવેલા બે શખ્સોએ અપહરણ કરી સોનાની બે વીંટીની લૂંટ ચલાવ્યાનું જણાવતા અપહરણ અને લૂંટની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસે તરૂણની યુક્તિ પૂર્વક પૂછપરછ કરતા પોતાનાથી સોનાની બે વીંટી ખોવાઇ જવાના કારણે અપહરણ અને લૂંટની સ્ટોરી બનાવી હોવાની કબુલાત આપતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઇમ્પિરીયલ હોટલ પાછળ જાગનાથ પ્લોટમાં આવેલા અજય એપાર્ટમેન્ટ રહેતા અને સોનાના જવેલર્સની કંપનીમાં સેલમેન તરીકે કામ કરતા ત્રિશલ મયુરભાઇ ગજેરા નામના ૧૫ વર્ષના તરૂણે મારૂતિકારમાં આવેલા બે શખ્સોએ અપહરણ કરી સોનાની બે વીંટીની લૂંટ ચલાવ્યાની પરિવારને જાણ કરી રડવા લાગ્યો હતો.

પરિવારજનોએ અપહરણ અને લૂંટની ઘટના અંગે એ ડિવિઝન પોલીસને કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્રિશલ અને તેના પરિવારને પોલીસ મથકે લઇ જઇ અપહરણ અને લૂંટની ઘટના કંઇ રીતે બની તે અંગે પૂછપરછ કરતા ત્રિશલની વાતમાં તથ્ય જણાયું ન હતું આમ છતાં પોલીસે જાગનાથ પ્લોટ વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરી હતી તેમાં પણ અપહરણ કે લૂંટની ઘટના અંગેના કોઇ ફુટેજ જોવા મળ્યા ન હતા.

આથી પોલીસે ફરી ત્રિશલને વિશ્ર્વાસમાં લઇ યુક્તિ પૂર્વક પૂછપરછ કરતા પોતાનાથી સોનાની બે વીંટી ખોવાઇ જતા પરિવારજનો ઠપકો દેશે તેવી દહેશત સાથે અપહરણ અને લૂંટની સ્ટોરી બનાવ્યાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.