Abtak Media Google News

નગરસેવકો પણ દંડાયા: રોડ પર વાહન ચાલકોને રોકીને ચેકિંગ કરવાના બદલે કોર્પોરેશન કચેરીનાં પરીસરમાં પોલીસનાં ચેકિંગથી અરજદારોમાં ભારે રોષ: કાળી ફિલ્મ લગાવેલી પદાધિકારીઓ અને અધિકારીઓની ગાડીઓને છુટો દોર

નવા મોટર વ્હીકલ એકટની આજથી રાજયભરમાં કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ નિયમોને નેવે મુકી આજે કોર્પોરેશન કચેરીમાં હેલ્મેટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સમિતિ ચેરમેનથી લઈ સામાન્ય અરજદારોને દંડનાં ધોકા ફટકારવામાં આવ્યા હતા. સામાન્ય રીતે રોડ પર ઉભા રહીને હેલ્મેટ કે પીયુસી અંગે ચેકિંગ કરવામાં આવતું હોય છે પરંતુ પોલીસે નિયમનો ઉલાળીયો કરી કોર્પોરેશન કચેરીમાં જ ચેકિંગ કરતા અરજદારોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો જોકે કલાકો પછી પોલીસને નિયમનું ભાન થતા કાફલો રોડ પર જતો રહ્યો હતો.

આજે લાભ પાંચમથી નવા વ્હીકલ એકટની અમલવારી શરૂ થઈ છે ત્યારે જાણે પોલીસને પણ મુહૂર્ત સાચવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો હોય તેમ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પોલીસનો કાફલો હેલ્મેટ પહેર્યા વિના આવેલા અરજદારોને દંડનાં ધોકા ફટકારવા માટે સવારથી તૈનાત થઈ ગયો હતો. આજે લાભ પાંચમનાં દિવસે કોર્પોરેશનનાં પદિાધકારીઓ, કોર્પોરેટરો અને અધિકારીઓનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું જેમાં હાજરી આપવા આવેલા સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન આશિષ વાગડિયા પણ હેલ્મેટ વિના એકટીવામાં આવતા તેને પણ રૂા.૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Dsc 0343 Dsc 0348

સામાન્ય રીતે નિયમ મુજબ રોડ પર હેલ્મેટ, પીયુસી કે લાયસન્સ અંગે ચેકિંગ કરવામાં આવતું હોય છે કોઈ કચેરીનાં પરીસરમાં આવું ચેકિંગ કરાતું નથી છતાં પોલીસે આ નિયમને સાઈડમાં રાખી કોર્પોરેશનની પરીસરમાં જ ચેકિંગ શરૂ કર્યું હતું અને દંડ વસુલ્યો હતો જો કોઈ વાહન ચાલક દંડ ભરવાની આનાકાની કરે તો ફોટો પાડી ઈ-મેમો મોકલી દેવામાં આવતો હતો. કેટલાક અરજદારો સાથે સામાન્ય રકઝક પણ થવા પામી હતી. કલાકો સુધી દંડનાં ધોકા પછાડયા બાદ જયારે પોલીસને એવું ભાન થયું કે, ચેકિંગમાં ખરેખર નિયમનો ઉલાળીયો થઈ રહ્યો છે ત્યારે તેઓ પરીસરની બહાર નિકળી ગયા હતા અને રોડ પર ચેકિંગ શરૂ કર્યું હતું. સામાન્ય કામે આવતા અરજદારો દંડાયા હતા છતાં કોઈએ પોલીસને રોકવા સુધીની તસ્દી લીધી ન હતી. મહાપાલકાનાં પાર્કિંગમાં પદાધિકારીઓ અને અધિકારીઓની એવી અનેક ગાડીઓ પાર્ક થયેલી હતી જેમાં ડાર્ક ફિલ્મ લગાવી હતી પરંતુ પોલીસને જાણે હેલ્મેટ વિનાના વાહન ચાલકોને જ દંડનાં ધોકા ફટકારવાનું સુરાતન ચડયું હોય તેમ મોટા માથા સામે કાર્યવાહી કરવાના બદલે સામાન્ય અરજદારને દંડ ફટકારવામાં આવતો હતો. અનેક લોકોએ સવિનય કાનુન ભંગ કર્યો હતો અને આ મામલે પોલીસ સાથે રકઝક પણ થવા પામી હતી.

દંડ નહીં ભરો તો વાહન ડીટેઇન કરાશે

ટ્રાફિક નિયમન માટે મુખ્ય માર્ગો પર ડ્રાઇવ ગોઠવાશે: ડ્રાઇવીંગ લાયસન્સ, હેલ્મેટ, સીટ બેલ્ટ, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ, ડાર્ક ફિલ્મ, રોંગ સાઇડના મુદે દંડ ફટકારાશે

શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સરકાર અને પોલીસ દ્વારા વિવિધ અર્વનેશ માટે કાર્યક્રમો યોજવા છતાં ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બનતી હોવાથી તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમનને અસરકારક બનાવવા માટે દંડમાં વધારો કરવામાં આવ્યો હતો અને રાજય સરકાર દ્વારા તહેવારને ધ્યાને લઇને નવા નિયમનો અમલ તા.૧ નવેમ્બર સુધી મુલત્વી રાખ્યા બાદ આજથી નવા નિમય મુજબ દંડ વસુલી શરૂ કરવામાં આવી છે.

ટ્રાફિકના મુદે વિવિધ માર્ગ પર ડ્રાઇવ ગોઠવી નવા નિયમ મુજબ દંડ વસુલ કરવામાં આવનાર છે. દંડ ન ભરનારનું વાહન ડીટેઇન કરવા સુધી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાંઆવનાર છે.

ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના કાયદામાં સુધારો કરી દંડની જોગવાઇમાં તોતીંગ વધારો કરવામાં આવ્યા છે. રાજય સરકાર દ્વારા પણ કેન્દ્ર સરકારના કાયદા મુજબ કાર્યવાહી કરી ટ્રાફિક સમસ્યાનો નિવેડો લાવવા પ્રયાસ શરૂ કર્યો હતો. ત્યારે આકરી દંડની જોગવાઇનો ઠેર ઠેર વિરોધ થયો હતો. બીજી તરફ નવરાત્રી અને દિવાળીના તહેવારો હોવાથી નવા કાયદા મુજબ દંડ વસુલ કરવાનું તા.૧ નવેમ્બર સુધી મોકફુ રાખી તમામ વાહન ચાલકોએ ડ્રાઇવીંગ લાયસન્સ મેળવી લેવા, હેલ્મેટ, સીટ બેલ્ટ અને પીયુસી તાકીદે મેળવી લેવા તાકીદ કરવામાં આવી હતી.

નવા નિયમ મુજબ વાહનની આરસી બુક ન હોય તો પ્રથમ વખત રૂા.૫૦૦ અને બીજી વખત રૂા.૧૦૦૦ દંડ, લાયસન્સ વિના ટુ વ્હીલ ચલાવનારને રૂા.૨૦૦૦, અને થ્રી વ્હીલના ચાલકને રૂા.૩૦૦૦, ટ્રાફિકને અડચણરૂપ પાર્કીગ કરનારને પ્રથમ વખત રૂા.૫૦૦ અને બીજી વખત રૂા.૧૦૦૦, કાચ પર ડાર્ક ફિલ્મ લગાવનારને પ્રથમ વખત રૂા.૫૦૦ અને બીજી વખત રૂા.૧૦૦૦, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરનાર વાહન ચાલકને પ્રથમ વખત રૂા.૫૦૦ અને બીજી વખત રૂા.૧૦૦૦, હેલ્મેટ વિના બાઇક ચલાવનારને રૂા.૫૦૦, સીટ બેલ્ટ બાંધ્યા વિના કાચ ચલાવનારને રૂા.૫૦૦નો દંડ વસુલ કરવામાં આવનાર છે.

આ ઉપરાંત ઓવર સ્પીડથી વાહન ચલાવારને રૂા.૨૦૦૦નો દંડ અથવા છ માસ માટે લાયન્સ રદ કરવામાં આવશે, રોંગ સાઇડમાં ડ્રાઇવીંગ કરનારને રૂા.૩૦૦૦થી રૂા.૫૦૦૦ સુધીનો દંડ, રજીસ્ટ્રેશન વિના વાહન ચલાવનારને રૂા.૧૦૦૦થી રૂા.૫૦૦૦ સુદીનો દંડ, જાહેર જગ્યાએ વાહનની રેસ કરનારને રૂા.૫૦૦૦થી રૂા.૧૦ હજાર સુધીનો દંડ, વિમા વિના વાહન ચલાનારને રૂા.૨૦૦૦થી રૂા.૪૦૦૦ સુધીનો દંડ વસુલ કરવામાં આવનાર છે.

ટ્રાફિકના નવા નિયમનો આજથી અમલ શરૂ કરવામાં આવશે અને દંડ ન ભરનારનું વાહન ડીટેઇન કરવા સુધીની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, ટ્રાફિક અર્વનેશ માટે પોલીસ દ્વારા અવાર નવાર જાહેર માર્ગ પર ડ્રાઇવ ગોઠવી ટ્રાફિકના કાયદાને અસરકારક બનાવવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.