Abtak Media Google News

કાલાવડ રોડ પરની શારદાનગર સોસાયટીમાં રાતે કોલેજીયન યુવતીને વિના કારણે પોલીસે પરેશાન કરી? મદદરૂપ થવાના બદલે ખરાબ ઇરાદે હેરાન કર્યાની શરમજનક ઘટના: ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ઉંડી તપાસ થાય તો કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવશે

પોલીસ માટે પ્રજાના જાન-માલના રક્ષણની જવાબદારી સંભાળવાની ફરજના બદલે ભક્ષકની ભૂમિકામાં હોય તેવી પ્રતિતિ થતી ઘટના શહેરના કાલાવડ રોડ પર આવેલા શારદાનગર સોસાયટીમાં બની હતી. કોલેજીયન યુવતી પોતાના ફ્રેન્ડ સાથે બર્થ-ડે પાર્ટીમાંથી આવ્યાના પુરતા પુરાવા આપવા છતાં યુનિર્વસિટી પોલીસ મથકના સ્ટાફે ખરાબ ઇરાદે હેરાન પરેશાન કરાવી યુવતીને મદદરૂપ થવાના બદલે યુવતીને રડાવી દીધાનું પ્રકાશમાં આવ્યું છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ઉંડી તપાસ થાય તો પોલીસમાં રહેલી કેટલીક બદી સહિતની ચોકાવનારી વિગતોનો ઘટ્ટસ્ફોટ થાય તેમ હોવાનું સમગ્ર ઘટના નજરે જોનારનું કહેવું છે.

ઇન્દિરા સર્કલ પાસે તાજેતરમાં જ બે પોલીસમેને કાઠી યુવાનની સરાજાહેર કરપીણ હત્યા કરી પોલીસ સ્ટાફ અને ગુંડા તત્વ જેવું કરેલા વર્તનથી ઉચ્ચ અધિકારીઓ શોભ અનુભવી રહ્યા છે ત્યારે ગઇકાલે રાતે ક્રિસ્ટલ મોલ પાછળ આવેલી શારદાનગર સોસાયટીમાં ત્રણ પોલીસમેને કોલેજીનય યુવતી સાથે કરેલા બેહુદા વર્તનની વિગતોથી પોલીસ સ્ટાફ ફરી શરમજનક સ્થિતીમાં મુકાયા છે.

કોલેજીયન યુવતી પોતાના ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં ત્રણ મિત્ર સાથે હાજરી આપવા ગઇ હતી. ત્રણેય મિત્રો કારમાં યુવતીને તેની હોસ્ટેલ પાસે ઉતારી જતા રહ્યા તે સમયે જ યુનિર્વસિટી પોલીસ મથકના ત્રણ બાઇક પર ત્રણ પોલીસજવાન આવી ગયા હતા. યુવતીને એકલી જોઇ તેને મદદરૂપ થવાના બદલે અડધી રાતે સરા જાહેર ન પૂછવાના પ્રશ્ર્ન પુછવાનું શરૂ કરી અત્યારે કયાંથી આવી કેમ એકલી આટાફેરા કરે છે.

તે તમામ સવાલના સંતોષકારક જવાબ આપી બર્થ-ડે પાર્ટીના મોબાઇલમાં લીધેલા ફોટા સહિતની વિગત જણાવવા છતાં યુવતીને ખરાબ ઇરાદે વધુને વધુ હેરાન કરવાનું શરૂ કર્યુ હતુ. યુવતીએ પોતાના ફેન્ડ્રને ફોન કરી પરત બોલાવતા યુવતીના ત્રણેય મિત્રો પર પણ પોલીસે બેહુદુ વર્તન કરી મોટી રકમ ખંખેરવાના ઇરાદા સાથે પોલીસ મથકે લઇ જવાની અને યુવતીને તેના માતા-પિતાને અડધી રાતે ફોન કરી રાજકોટ બોલાવવાની ધમકી દેતા યુવતી પોલીસની પજવણીથી રડી પડી હતી.

યુવતી રડતી જોઇ ત્યાં ઉપસ્થિત અખબારના કર્મચારીએ વચ્ચે પડી દરમિયાનગીરી કરતા પોલીસ સ્ટાફ લાજવાના બદલે ગાજતો હોય તેમ અખબારના કર્મચારી સાથે પણ ઉધત વર્તન કરી અખબારના કર્મચારીને કાઠી યુવાનનું પોલીસે મર્ડર કર્યાનું યાદ અપાવી પોલીસ શું કરી શકે તેવી ગર્ભિત ધમકી દઇ પોતાનો ભાંડો ફુટે તે પહેલાં રફુચક્કર થઇ ગયા હતા. યુનિર્વસિટી પોલીસ સ્ટાફના ત્રણેય પોલીસ સ્ટાફ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરી પોલીસના સ્વાંગમાં રહેલા ગુંડા તત્વોને કાયદાના પાઠ ભણાવવા જરૂરી હોવાનું સમગ્ર ઘટનાને નજરે જોનારનું કહેવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.