Abtak Media Google News

જામનગર, રાજકોટ, અમદાવાદ, મુંબઇ અને દુબઇમાં જયેશ પટેલે આચરેલા ગુનાની રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહે વિગતો એકઠી કરી

જમીન કૌભાંડ, બીટકોઇન, બ્રાસ પાર્ટસની ઉઘરાણીના હવાલા અને ખંડણી પડાવવા સહિતના અનેક ગુના પરથી પડદો ઉંચકાશે?

ગેંગસ્ટર જયેશ પટેલની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ જામનગર પંથક જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં નોંધાયેલા ૩૦થી વધુ ગુનાની રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ ફાઇલ હાથપર લઇ કરેલી છાનભીનથી જયેશ પટેલ સાથે જોડાયેલા શખ્સોમાં ફફડાટ મચી ગયો છે. બીટકોઇન, બ્રાસપાર્ટની ઉઘરાણીના હવાલા, જમીન કૌભાંડ, હત્યા અને ખંડણી પડાવવા સહિતના ગુનાની પોલીસે તપાસ કરી જયેશ પટેલ પર ભીસ વધારી છે.

જામનગરમાં ગેંગસ્ટર જયેશ પટેલની ટોળકીએ આંતક મચાવી લાંબા સમયથી આચરેલા ખૂન, ખૂનની કોશિષ અને ખંડણી પડાવવાના ગંભીર ગુના પર કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ દ્વારા જામનગર જિલ્લામાં સૌ પ્રથમ વખત ગુજસીટોક હેઠળ ૧૪ શખ્સો સામે ગુનો નોંધી આઠ શખ્સોની ધરપકડ કરાઇ છે. જામનગરના બિલ્ડર મુકેશ વલ્લભ અભંગી, નિલેશ ટોળીયા, પૂર્વ પોલીસમેન ગોવિંદ વશરામ મિયાત્રા, અખબારના સંચાલક પ્રવિણ પરસોતમ ચોવટીયા, ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી, જીગર ઉર્ફે જીમ્મી પ્રવિણચંદ્ર આડતીયા, પ્રફલ જયંતી પોપટ અને અનિલ મનજી પરમારની ધરપકડ કરી તમામને રિમાન્ડની માગણી સાથે રાજકોટ સ્પેશ્યલ કોર્ટ દ્વારા રિમાન્ડ પર સોપવા હુકમ થયો છે.

રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહના સિધા માર્ગ દર્શન હેઠળ જામનગર જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રન અને તેમના ખાસ સ્ટાફ દ્વારા ગેંગસ્ટર જયેશ પટેલે જામનગર ઉપરાંત રાજકોટ, અમદાવાદ, મુંબઇ અને દુબઇ ખાતે આચરેલા કૌભાંડ અંગેની તપાસ શરૂ કરી છે. જયેશ પટેલે દુબઇથી હવાલા સુલટાવ્યાનું પોલીસના ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત વિદેશી સિગારેટ, વકીલની હત્યા, બિલ્ડર અને નિશા ગોંડલીયા પર ફાયરિંગ કરી હત્યાની કોશિષ, પાસપોર્ટધારા અને બોગસ દસ્તાવેજના આધારે કરેલા જમીન કૌભાંડ સહિત ૩૦થી વધુ ગુનાની પોલીસે ફાઇલ તપાસ અર્થે હાથ ઉપર લેતા જામનગર પંથકના રાજકીય નેતાઓ અને માથાભારે શખ્સોના પગ તળે રેલો આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

જામનગરના દરેડ જીઆઇડીસીમાં મિરા ઇમ્પેક્ષ નામના બ્રાસપાર્ટના ધંધાર્થી મિતેશ કનખરા, કેતન વેલજી ગોરી અને જલારામ મેટલના માલિક મેહુલ જોબનપુત્રા દ્વારા વિદેશથી સ્ક્રેપની આયાત કર્યો ત્યારે તેના ઇમેલ આઇડી હેક કરી રૂા.૧ કરોડ બેન્કમાંથી થયેલા ટ્રાન્સફર પાછળ પણ જયેશ પટેલની સંડોવણી હોવાનું પોલીસના ધ્યાને આવતા પોલીસના સાયબર ક્રાઇમ સેલના સ્ટાફે પણ તપાસમાં ઝંપલાવ્યું છે.

જયેશ પટેલના નિવૃત પોલીસમેન, બિલ્ડર, ભાજપના કોર્પોરેટર અને અખબારના સંચાલક સહિત આઠ શખ્સોને રિમાન્ડ પર મેળવ્યા બાદ પોલીસે તમામના ઘરે સર્ચ ઓપરેશન કરી કેટલીક સ્ફોટક વિગતો એકઠી કરતા આગામી દિવસોમાં મોટા કડાકા ભડાકા થવાના નિર્દેશ મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.