Abtak Media Google News

જે.પી.નડ્ડાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ જે.પી.નડ્ડા પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે

પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પરંપરાગત નૃત્ય, ઢોલ-નગારાના નાદ, ‘ભારત માતા કી જય’ના નારા સાથે ભવ્ય સ્વાગત

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા ત્યારે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે તેમનું પરંપરાગત નૃત્ય, ઢોલ-નગારાના નાદ તેમજ ‘ભારત માતા કી જય’ ના નારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપા કાર્યાલય ખાતે પ્રદેશ બેઠક યોજાઈ હતી. બેઠક શરૂ થયા પૂર્વે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ  જે.પી.નડ્ડાજીનું પુષ્પગુચ્છ, પુસ્તક આપી, શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપાના રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી વી.સતીષજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ડો. ભારતીબેન શિયાળ, ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ હોદ્દેદારો/અગ્રણીઓ, સંસદસભ્યો, જિલ્લા ભાજપા પ્રમુખો તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ તેમના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપાના ઉત્થાનનું ઉદગમસ્થાન ગુજરાત છે, સંગઠનની રીતી-નીતિ અને કાર્યશૈલી અને સરકારની ઉત્કૃષ્ટ કામગીરીના સમન્વયનું જીવંત ઉદાહરણ ગુજરાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ૧૯૮૯માં દિલ્હીમાં સંગઠનનું કાર્ય કરતા ત્યારથી તેમની સાથે કામ કરવાનો અવસર મળ્યો છે.

જે.પી.નડ્ડાજીએ વૈશ્વિક મહામારી કોરોનાના સંદર્ભે જણાવ્યું હતું કે, ગત વર્ષ સમગ્ર વિશ્વ માટે ‘યર ઓફ ક્રાઇસીસ’ રહ્યું, અમેરિકા બ્રિટન યુરોપના અન્ય દેશો, વિશ્વના અનેક શક્તિશાળી દેશો લડખડાઈ ગયા, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે મજબૂતાઈથી પરિસ્થિતિનો સામનો કર્યો અને આપત્તિને આશીર્વાદમાં પરિવર્તિત કરી. આત્મનિર્ભર ભારતના નિર્માણની પરિકલ્પના કોરોનાકાળમાં જ વધુ મજબૂત બની. કોરોના મહામારીકાળમાં પ્રધાનમંત્રીએ મજબૂત નિર્ણાયકશક્તિ સાથે જે સુજબુઝ ભર્યા નિર્ણયો લીધા તેની પ્રશંસા વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત વિશ્વના અનેક દેશોએ કરી છે.  આજે મને ગુજરાત સહિત દેશના પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર ગર્વ છે, દેશમાં લોકડાઉન લાગુ થવાની સાથે સાથે દેશની ઘણી રાજકીય પાર્ટીઓ પણ લોકડાઉન થઈ ગઈ,  ફક્ત ભાજપાના કાર્યકર્તાઓએ જન સામાન્યની સેવામાં  કમર કસીને  સેવા હી સંગઠન,ના ભાવ સાથે દિવસ-રાત સેવાયજ્ઞ કર્યો.

Photo 4

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, જે.પી.નડ્ડાજીના આગમનથી ભાજપાના કાર્યકર્તાઓમાં ભાજપાના વિજયને વધુ ભવ્ય બનાવવા નવો આત્મવિશ્વાસ ફૂંકાયો છે.  એક તરફ ભાજપ પાસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહનું  સબળ નેતૃત્વ છે તો બીજી તરફ કોંગ્રેસ નેતૃત્વવીહીન છે ડૂબતું નાવ છે, કોંગ્રેસમાં બધું અસ્તવ્યસ્ત છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અતિ મહત્વની છે,  આ ચૂંટણીઓ બાદ દૂરબીનથી શોધીએ તો પણ ન જડે તે પ્રકારની સ્થિતિ કોંગ્રેસની થવાની છે.  ભાજપના કાર્યકર્તાઓના નિષ્ઠાપૂર્વકના અથાક પરિશ્રમ અને સરકારની પ્રજાલક્ષી કામગીરીના ફળ સ્વરૂપે ભાજપનો વિજય નિશ્ચિત છે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાત ભાજપના પ્રત્યેક કાર્યકર્તા વતી ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે,  રાજ્યમાં ભાજપાના મજબૂત સંગઠનની તાકાત અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીથી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજયની ભેટ ગુજરાત ભાજપા જે.પી.નડ્ડાજી ને અર્પણ કરશે.  આઠે આઠ કોંગ્રેસની બેઠકો જીતાડીને ભાજપના કાર્યકર્તાઓએ પોતાની તાકાતનો પરચો આપી દીધો છે, નાગરિકોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે વિશ્વાસની લાગણી છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કોરોનાકાળમાં કરેલી સફળ કામગીરી પણ જનતાએ પ્રત્યક્ષ નિહાળી છે.

આ તકે પાટીલે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ભાજપાના કાર્યકર્તાઓ ઘર ઘર સંપર્ક કરીને ફોટો સાથેની પેજસમિતિના કાર્યને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે.  પેજસમિતિના સભ્યોની તાકાતથી મતદારયાદીના પ્રત્યેક પેજ પર વિજય મેળવી બુથ જીતવાથી કોઈ પણ ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત થઈ શકે છે. ભાજપના સિનિયર નેતાઓ,  રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યોએ પણ  તેમની પેજ સમિતિનું કાર્ય પૂર્ણ કર્યું છે તે બદલ હું સૌને આભાર સહ અભિનંદન પાઠવું છું.

રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષજીએ બેઠકમાં ઉપસ્થિત સૌને વિવિધ મુદ્દે સંગઠનાત્મક વિષયો ઉપર તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કોરોનાકાળમાં પણ જનતાની પડખે રહી ઉત્તમ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર.પાટીલની પસંદગી થવા બદલ આજની બેઠકમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું સન્માન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.