Abtak Media Google News

ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠનને હવે ચૂટણી સુધી નિરાંત મળે તેવી શક્યતા ઘણી ઓછી છે. આગામી સપ્તાહથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ કાર્યક્રમો માટે સરકારી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો ભાજપ સંગઠનના પદાધિકારીઓએ ત્રણેય મહાનુભાવોના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો માટે બેઠકોના દોર શરૂ કર્યા છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપર હલ્લાબોલ કરવા માટેની રણનીતિમાં નર્મદા યોજનાને મુખ્ય હથિયાર બનાવવાનું ભાજપે નક્કી કર્યું છે. આ માટે ભાજપ નર્મદા મહોત્સવ-યાત્રા યોજવાની તૈયારી કરી રહ્યો છે. અલબત્ત, હાલ રાજ્યમાં ચોમાસુ સક્રિય થઇ ચૂક્યું છે અને ખેડૂતો વાવેતરમાં જોતરાઇ ગયા છે. આથી મહોત્સવ-યાત્રાના સ્વરૂપ અંગે પક્ષ અને સરકાર હજુ કોઇ આખરી નિર્ણય પર આવી શક્યા નથી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે નર્મદા ડેમ પર ગેટ મુકવાની સાત વર્ષથી અટવાયેલી ફાઇલને મંજૂરી મળી અને હવે એમના જ પ્રયાસોથી ગેટ બંધ કરવાથી ગુજરાતને ચોમાસાની વર્તમાન મોસમથી અનેક ફાયદા થવાના છે. આથી ગુજરાતની જનતા વતીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જાહેર સન્માન કરવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નર્મદા ગેટના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ આ આમંત્રણને સ્વીકારી શક્ય એટલી વહેલી તારીખ ફાળવવા ખાતરી આપી છે. પીએમઓમાંથી ગુજરાતને તા.૧૬ અને ૧૭ જુલાઇ અંગે પૃચ્છા કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. બે દિવસમાં પીએમ પોતાના વતન વડનગર પણ જશે.

આ દરમિયાન, ભાજપની ચૂંટણી તૈયારીઓમાં પેઇજ પ્રમુખો, બૂથ પ્રમુખોની ભૂમિકાને વધુ સક્રિય કરવા માટે ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઝોન દીઠ સંમેલનો યોજી રહ્યા છે. જૂનના બીજા પખવાડિયામાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના સંમેલનો પૂરા કર્યા બાદ હવે ૭ જુલાઇએ રાષ્ટ્રીય અધ્યક્ષ નવસારી ખાતે દક્ષિણ ગુજરાત ઝોનના સંમેલનમાં હાજરી આપશે. અગાઉ ભરૂચ ખાતે આ સંમેલન યોજાનાર હતું. પરંતુ હવે તેમાં ફેરફાર કરાયો છે. આ ઉપરાંત ૧૧ જુલાઇએ ઉત્તર ગુજરાત ઝોનના ગાંધીનગર ખાતે યોજાનારા સંમેલનમાં હાજરી આપવા આવનાર છે. રાષ્ટ્રપતિપદ માટે ૧૭ જુલાઇએ યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસ સહિતના વિપક્ષના ઉમેદવાર મીરા કુમાર ગયા સપ્તાહે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. હવે ૧૩ જુલાઇએ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ ગુજરાત આવી રહ્યા છે. કોવિંદની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ આવનાર છે. તેમની ઉપસ્થિતિમાં કોવિંદ ભાજપના સાંસદો, ધારાસભ્યોને મળશે. કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કોળી સમાજ અને ભાજપ સંગઠન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

૧૩મીએ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદનું આગમન, રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપસ્થિત રહેશે

૧૬-૧૭ જુલાઇએ વડનગર, કેવડીયા કોલોની ખાતે પીએમના કાર્યક્રમો માટે શરૂ થયેલી તૈયારી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.