Abtak Media Google News

રાજકોટ સહિત રાજ્યમાં ૧૧ નવા સ્પોર્ટસ સંકુલ બનાવશે રૂપાણી સરકાર

રાજ્ય સરકારે રાજકોટ, મહેસાણા, કરનાલી, ભાવનગર,નસવાડી, વ્યારા સહિતના તાલુકાઓમાં ૧૧ નવા રમત-ગમતના સંકુલોનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. એવી જ રીતે સરકારે ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૧૧૦૦ ખેલાડીઓને અલગ તારવીને શિક્ષણ અને રમતના સમન્વયવાળી જિલ્લા કક્ષાની સ્પોર્ટસ સ્કુલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યાં તેમને ઘનિષ્ઠ તાલીમ ઉપરાંત અભ્યાસનો પણ તમામ ખર્ચ સરકાર ભોગવશે.

વિધાનસભામાં રમતગમત વિભાગના બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં મંત્રી રાજેન્દ્રસિંહ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ વર્ષથી સ્કુલ સ્પોર્ટસ કોન્ટેક્ટ કાર્યક્રમ અમલી બનાવશે. પ્રથમ તબક્કામાં રાજ્યની ૧૦૦૦ શાળાઓને પસંદ કરવામાં આવી છે. જેમાં શિક્ષકોને ઓલિમ્પિક રમતોની અધતન તાલીમ આપીને તૈયાર કરવામાં આવશે. શાળાઓને રમતગમતના સાધનો અપાશે અને ખેલ પ્રતિભાઓ તૈયાર કરાશે.

તેમણે કહ્યું હતું કે, રાજકારણમાં રમત હોઈ શકે પણ રમતમાં રાજકારણ ના હોઈ શકે. વર્ષ ૨૦૧૦થી શરૂ કરાયેલા ખેલમહાકુંભનો વ્યાપ વધી રહ્યો છે. ૯ વર્ષના બાળકોથી લઈને અબાલ-વૃધ્ધો, વિકલાંગો મળીને ૧૩ લાખ જેટલી મહિલાઓ સહિત કુલ ૩૦.૬૪ લાખ ખેલાડીઓ અલગઅલગ ૩૦ રમતોમાં ભાગ લઈ રહ્યાં છે. ખેલ મહાકુંભ દરમ્યાન ૯, ૧૧, ૧૪ વર્ષથી નાની વયના ૧૮ લાખ ખેલાડીઓમાંથી ઉત્કૃષ્ટ પ્રતિભા ધરાવતા ખેલાડીઓને અલગ તારવીને તેમને જિલ્લા, રાજ્ય કક્ષાએ વૈજ્ઞાનિક ઢબે પ્રશિક્ષણ અપાશે.તેમણે કહ્યું હતું કે, વ્યાયામ અને શરીર સૌષ્ઠવ પ્રત્યે જાગૃતિ લાવવા વ્યાયામવીરોને ૫૧ હજારના વ્યાયામ જ્યોતિર્ધર અબુંભાઈ પુરાણી પુરસ્કારથી સન્માનિત કરવાનો પણ નિર્ણય કર્યો છે.

છોટાઉદેપુર, મોડાસા, લુણાવાડા, બોટાદ, વેરાવળ, ડીસા અને દાંતા ખાતે નવા પુસ્તકાલયો શરૂ કરાશે. દ્વારકા અને મોરબીના પુસ્તકાલયોને અપગ્રેડ કરાશે. રાજ્યમાં ૧૨ સરકારી ગ્રંથાલયો અને ૩૧૭૦ અનુદાનિત ગ્રંથાલયો કાર્યરત છે. આ તમામ અનુદાનિત ગ્રંથાલયોને હાલ મળતાં વાર્ષિક અનુદાનમાં ૫૦ ટકાનો વધારો કરાયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.