Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને તમામ સિટી ઈજનેરો સાથેની બેઠકમાં પાણીનું આયોજન કરવા આપી સુચના

 

રાજકોટની વસ્તી અને વિસ્તાર કુદકે અને ભુસકે વધી રહ્યો છે. રાજકોટ વિશ્વનું સૌથી ઝડપથી વિકસતા ૧૦ શહેરોમાં સ્થાન પ્રાપ્ત કરી ચુકયું છે. હજી શહેરનો વિકાસ હરણફાળ ભરે તેવી સંભાવના જણાઈ રહી છે ત્યારે રાજકોટમાં વસવાટ કરવા આવતા લોકોને પાણીની રતિભારની પણ સમસ્યાનો સામનો ન કરવો પડે તથા પાણીના વાંકે રાજકોટનો વિકાસ ન અટકે તે માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે મહાપાલિકાના અધિકારીઓને વર્ષ ૨૦૪૦ સુધીનું પાણીનું આયોજન કરવા તાકીદ કરી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, રાજકોટનો વિકાસ દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. શહેરમાં વસ્તી પણ કુદકે ને ભુસકે વધી રહી છે જેની સામે પાણીના સ્ત્રોત ખુબ જ મર્યાદિત છે.

આવામાં પાણીના વાંકે વિકાસને બ્રેક ન લાગે તે માટે મનપાએ ૨૦૨૧ સુધીનું પાણીનું આયોજન ઘડી કાઢયું છે જે સમયગાળો ખુબ જ ટુંકો છે. ૨૦૪૦ સુધીનું પાણીનું આયોજન ઘડવા માટે તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને ત્રણેય ઝોનના સિટી ઈજનેરો સાથે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં આગામી ૨૦ વર્ષ સુધીનું પાણીનું આયોજન ઘડવા માટે એક રીપોર્ટ તૈયાર કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. જેમ-જેમ શહેરની વસ્તી અને વિકાસ વધશે તેમ-તેમ સ્વભાવિક છે પાણીની જરૂરીયાત પણ વધશે.

આવામાં પાણીના સ્ત્રોત વધારવા માટે પણ મનપા દ્વારા ભાર મુકવામાં આવશે.હાલ શહેરના તમામ વોર્ડમાં ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક ઉભું કરવાની કામગીરી ચાલી રહી છે જેનાથી લીકેજ સહિતની સમસ્યા હલ થશે અને પાણીની બચત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.