Abtak Media Google News

સિરામિક સિટીમાં રોજગારીની વિપૂલ તક હોવાથી મોટી સંખ્યામાં શરણાર્થી અહિ વસે તેવી સંભાવના હોવાથી તેઓના લાભાર્થે કથા યોજવાની વિચારણા: પૂ. મોરારીબાપૂ કથાની વહેલી તારીખ આપે તે માટે પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવાઈ

દેશમાં સીએએ અમલમાં મુકવામાં આવ્યા પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવતા પરિવારોની સંખ્યામાં વધારો થયો છે અને મોરબી ઉદ્યોગ નગરી હોવાથી મોટાભાગના પરિવારો મોરબીની આસપાસમાં સ્થાઈ થશે તેવી શક્યતા છે જેથી અત્યંત યાતનાનો શિકાર થયેલા પરિવારો, ધર્માંતરણથી બચવા ભારત આવ્યા હોય ત્યારે તેમના શિક્ષણ, આરોગ્ય અને રહેણાક માટેની વ્યવસ્થા ગોઠવવા માટે મોરારીબાપુની માનસ શરણાર્થી  કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે કથાની વહેલામાં વહેલી તારીખ મોરારીબાપુ દ્વારા આપવામાં આવે તે હેતુ સાથે મોરારીબાપુને નગરજનો દ્વારા પોસ્ટ કાર્ડ લખવામાં આવી રહ્યા છે.

દરેક કથા કોઈને કોઈને લાભાર્થે હોય  છે તે હક્કિત છે ત્યારે ભારતના શરણાર્થી પરિવારોને પોતાના માનીને શરણાર્થીઓના લાભાર્થે મોરબી મુકામે મોરારી બાપુ દ્વારા માનસ શરણાર્થી કથા કરવામાં આવે તે માટે છેલ્લા ઘણા સમયથી મોરબીમાં વિજયભાઇ લોખીલ, રાજેશભાઈ બદ્ર્કીયા સહિતના લોકો દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે કેમ કે, દેશમાં સીએએ અમલમાં મુકવામાં આવ્યો ત્યાર પહેલાથી જ મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં આશરે અગિયારસો જેટલા શરણાર્થી પરિવારો રહે છે. અને આગામી દિવસોમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવતા પરિવારો જીલ્લામાં સ્થાઈ થાય તેવી શકયતા છે કેમ કે, મોરબીમાં સિરામિક ઉદ્યોગ, ઘડીયાળ ઉદ્યોગ, પેપરમીલ ઉદ્યોગ અને અનેકવિધ રોજગારીના માધ્યમો પર્યાપ્ત માત્રામાં છે જેથી આગામી સમયમાં મોરબીમાં અખંડ ભારતના નાગરિક એવા શરણાર્થી પરિવારને સરળથી રોજગારીની સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે આદર્શ જગ્યા છે.

જેથી તેઓના લાભાર્થી અને ખાસ કરીને પાડોશી દેશમાંથી આવતા પરિવારોના શિક્ષણ, આરોગ્ય અને રહેણાક માટેની વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે માનસ શરણાર્થી કથા મોરારીબાપુ દ્વારા આપવામાં આવે તેના પ્રસયો શરૂ કરવામાં આવ્યા છે અને મોરારીબાપુએ શરણાર્થી પરિવારો માટે કથા આપવાની હા પણ પડી દીધી છે ત્યારે વહેલામાં વહેલી તકે મોરબીમાં કથા યોજાઈ તે હેતુ સાથે હાલમાં મોરારીબાપુને પોસ્ટ કાર્ડ લખવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ પોસ્ટ કાર્ડ લખી નાખવામાં આવ્યા છે અને ૫૦ હજારથી વધુ પોસ્ટ કાર્ડ લખવામાં આવે તેવી શક્યતા છે

આવતા સમયમાં જ્યારે સમગ્ર રાષ્ટ્રને સશક્ત, નિર્વ્યસની, ચારિત્ર્યવાન, રાષ્ટ્રભક્તિને સમર્પિત, યોગ, પ્રાણાયામ અને આધ્યાત્મના માર્ગે ચાલતા શ્રેષ્ઠ યુવા ધનની આવશ્યકતા અત્યાધિક માત્રમાં છે. ત્યારે આવી રાષ્ટ્રભક્તિ પ્રેરિત કથા દ્વારા યુવાનો ની રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવના વધુ પ્રબળ બનશે. અત્રે ઉલેખનીય છે કે હાલમાં જે પરિવારો પાડોશી દેશમાંથી ભારતમાં આવી રહ્યા છે તેઓની તમામ મિલકતોને પાણીમાં ભાવે ત્યાં વહેચવી પડી રહી છે જેથી કરીને આવા પરિવારોને મદદરૂપ થવાની ભાવના સાથે મોરબીમાં માનસ શરણાર્થી કથાનું આયોજન કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને હાલમાં મોરારીબાપુને પોસ્ટ કાર્ડ પણ લખવામાં આવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.