Abtak Media Google News

અજાણ્યા હેકરો પ્રદેશ કોંગ્રેસની વેબસાઈટ હેક કરીને વિવાદાસ્પદ ફોટો મૂકતા કોંગ્રેસી નેતાઓ દોડતા થયા: કોંગ્રેસની આઈટી ટીમે વેબપેજ બંધ કરી ફોટો દૂર કર્યો

તાજેતરમાં વિધિવત રીતે કોંગ્રેસનો હાથ જાલનારા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલનો કથિત સેકસ વીડિયોનો ફોટો ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વેબસાઈટ પર મૂકાતા ચકચાર મચી જવા પામી હતી. અજાણ્યા હેકરોએ પ્રદેશ કોંગ્રેસની વેબસાઈટ હેક કરીને આ ફોટો મૂકીને લખ્યું હતુ કે અમારા નવા નેતાનું સ્વાગત છે. ભાજપના આગેવાને કોંગ્રેસની હેક થયેલી વેબસાઈટનો સ્ક્રીન શોટ પાડીને સોશ્યલ મીડિયા પર મૂકતા દોડધામ મચી જવા પામી હતી. બાદમા કોંગ્રેસની આઈટી ટીમે આ વેબપેજને બંધ કરીને આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટને અજાણ્યા હેકરે ગઈકાલે હેક કરીને હાર્દિક પટેલના કથિત સેકસ વીડિયોનો ફોટો અપલોડ કર્યો હતો. આ ફોટા ઉપર હેકરે લખ્યું હતુ કે અમારા નવા નેતાનું સ્વાગત છે. આ તકનો લાભ લઈને ભાજપના એક આગેવાને કોંગ્રેસના હેક થયેલી વેબસાઈટ પર મૂકાયેલા ફોટાનો સ્ક્રીન શોટ પાડીને સોશ્યલ મીડીયા પર મૂકયો હતો. આ સાથે એવી કોમેન્ટ પણ મૂકયો હતો કે કોંગ્રેસ આવા લોકોને પ્રમોટ કીને વોટ માંગવા નીકળી છે.

પ્રદેશ કોંગ્રેસની વેબસાઈટ હેક થયાની માહિતી વહેતી થતા સમિતિની આઈટી ટીમ દોડતી થઈ હતી અને તુરંત જ વેબપેજ બંધ કરી દેવામાં આવ્યું હતુ જે બાદ હેકરે હેક કરી મૂકેલો હાર્દિકના ફોટાને દૂર કરવામાં આવ્યો હતો. આ બાબતે કોંગ્રેસ દ્વારા અજાણ્યા હેકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. ગુજરાત કોગ્રેસના આગેવાનોએ આ અંગે જણાવ્યું હતુ કે જે લોકોની સતા છીનવવાની સંભાવનાઓ છે તેવા તત્વો આવા હેકીંગની કામગીરી કરી રહ્યા છે. પરંતુ તેઓને મનસુબા પાર નહી પડે અને આની બદનામી કરવા છતા લોકસભાની ચૂંટણી કોંગ્રેસમાં વિજયી બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના પહેલા પણ અજાણ્યા હેકરોએ પ્રદેશ કોંગ્રેસની વેબસાઈટ હેક કરીને કોમેન્ટ કરી હતી કે કોંગ્રેસે ૭૦ વર્ષ સુધી દેશને લૂંટયું છે. હેકરોએ ગઈકાલે જે હાર્દિકના કથિત સેકસ વીડીયોનો ફોટો અપલોડ કર્યો છે. તે વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલના ફરતા થયેલા સેકસ વીડીયોમાંથી લેવામાં આવ્યો હતો. હાર્દિકનો આવો સેકસ ફોટો પ્રદેશ કોંગ્રેસની વેબસાઈટ પર મૂકાતા કોંગ્રેસના આગેવાનો શોભની સ્થિતિમાં મૂકાય જવા પામ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.