Abtak Media Google News

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

એન્ડોક લાઇફ કેર પ્રા.લી. ના ડીરેકટર ડો. સુરેશભાઇ સોરઠીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે અમે ફાર્મા મેન્યુફેકચરીંગ એટલે કે દવાઓ બનાવીએ છીએ. લોકડાઉન પહેલા નોર્મલ પ્રોડકશન હતું. લોકડાઉનથી સ્ટાફને ગભરાહટ થવા લાગતા અમે સુરક્ષાને ઘ્યાનમાં રાખીને યુનિટ બંધ કરી દીધું હતું. અમે એન્ટીડાયેરીયલ ડ્રગ બનાવવામાં  અગ્રેસર છીએ. જેથી, અમારા ગ્રાહકોની માંગને ઘ્યાનમાં રાખીને કોરોનાના સુરક્ષામાં પદડોને ઘ્યાનમાં જ રાખીને વ્યવસ્થા કર્યા બાદ યુનિટ ચાલુ કરવા કલેકટર પાસેથી મંજુરી મેળવીને યુનિટ ચાલુ કર્યુ હતું. લોકડાઉન દરમ્યાન સ્ટાફને આઇસોલેટ રાખીને કામ કરાવવાની સૌથી મોટી સમસ્યા હતી. અત્યારે મોટો લેબરનો પ્રશ્ર્ન છે. જે સ્ટાફ છે તે વતન જવા માંગે છે અને જે સ્ટાફ વતનમાં છે તે આવવા માંગતો નથી અમારે ફાર્મા ઉઘોગમાં સ્કીલ સ્ટાફ માટેના નિયમો હોય છે. જે મુજબ અમારે દરેક સ્ટાફની ટેસ્ટ કરી, હાઇજેનિક કર્યા બાદ ટ્રેનીંગ આપીને જ સ્ટાફ પાસેથી કામ કરાવી શકીએ છીએ. જેથી, આવા સ્ટાફની કમી છે. ઉ૫રાંત ટ્રાન્સપોર્ટેશન, ફાયનાન્સીયલ સિસ્ટમ ડીસ્ટબ થઇ ગઇ છે.  સરકાર અમારા જેવા નાના ઉઘોગોને તેમના ટ્રેક રેોર્ડ જોઇએ ફાયનાન્સની લીકવીડીટી આપવી જોઇએ. જેથી આ ઉઘોગોને સરળતાથી ચલાવી શકાય. ઉપરાંત રાહત પેકેજ આપે તો ઉઘોગ સારી રીતે ચાલી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.