Abtak Media Google News

“બાબરા તાલુકાનો અર્ધો ઉત્તર-પૂર્વનો વિસ્તાર પણ પંચાળ ભૂમી જ હતો

ફરી પંચાળ ભૂમી -૧

ફોજદાર જયદેવ પોરબંદર ખાતે સીઆઈડીના ઈન્વેસ્ટીંગેશનમાં નીવેદન લખાવીને પાછો અમરેલી આવ્યો. તેનો બાબરા પોલીસ સ્ટેશનમાં નિમણુંકનો હુકમ તૈયાર જ હતો જે તેણે સાંજના પાંચેક વાગ્યે મેળવ્યો તે બાબરા બીજે દિવસે સવારે જવાનું વીચારતો હતો પરંતુ ટાસ્કફોર્સના ફોજદાર પટેલ જે જયદેવની બેચના જ હતા

તેણે કહ્યું ચાલો ‘શુભસ્ય શિધ્રં’હું જ તમને બાબરા સુધી કંપનીઆપું છું તેમ કહી તે જયદેવને લઈ સાંજના સાતેક વાગ્યે બાબરા આવ્યા. મુસાફરી દરમ્યાન ફોજદાર પટેલે જયદેવને અમરેલી જીલ્લાનાં રાજકારણની તાસીર તેમજ ગુન્હાહિત બાબતો અંગે ચર્ચાઓ કરી.તેણે કહ્યું કે અહી ખેડુતોનું એક પક્ષીય રાજકારણ છે તેથી તેમના વિવિધ સંગઠનો અને તેમના વચ્ચેની ખેંચા ખેંચી હુંસાતુંસી અંગેની વાતો કરી.

આમ તો જયદેવ ન્યુઝ પેપર્સ નિયમીત વાંચતો તેમજ વાતો અને ચર્ચાઓથી આવી તમામ હકિકતથી વાકેફ હતો. પટેલે વધુ ઉંડાણથી ચર્ચા કરી આ જીલ્લાના રાજકારણીઓની માનસીકતા, વ્યકિતગત અને પક્ષીય મહાત્વાકાંક્ષાઓ અને પ્રવૃત્તિઓ તેમજ તંત્રને દબાવીને કે લલચાવી ને કઈ રીતે સાચા ખોટા કામ કરાવે છે. અને જો કોઈ અધિકારી કે કર્મચારી ખોટુ કામ ન કરે તો શું શુ કરે અને શું થાય વગેરે ચર્ચાઓ કરી!

બાબરા પોલીસ સ્ટેશનમાં આવતા ફોજદાર વી. જી. રાવલ જયદેવની રાહ જોઈને જ બેઠા હતા. તેમણે વિધિવત ચાર્જલીસ્ટ સાથે પેન્ડીગ કેસ પેપરોનો ચાર્જ જયદેવને સોંપ્યો આ ચાર્જની લેતી દેતી અંગે જયદેવે સ્ટેશનડાયરીમાં નોંધ કરી ચાર્જ સંભાળી લીધાનો વાયરલેસ મેસેજ પોલીસ વડા તથા સંબંધીત અધિકારીઓને મોકલી દીધો.

રાત્રીના આઠ વાગ્યે જયદેવે બાબરા પોલીસ સ્ટેશનના તમામ જવાનોનો રોલકોલ લીધો, જરૂરી સુચનાઓ આપી, નીર્ભયતાથી કાયદાની અમલવારી કરવા તેમજ તમામ નાગરીકોને ન્યાયીક મદદ કોઈ ભેદભાવ વગર આપવાભાર પૂર્વક જણાવ્યું. આજે રાત્રીના જ બાબરા ફોજદાર તરીકેની હાઈવે પેટ્રોલીંગ નાઈટ ડયુટી હતી તેથી જયદેવે જીપ ડ્રાઈવર તથા રાયટરને રાત્રીના અગીયાર વાગ્યે વિશ્રામગૃહમાં આવી જવાની વરધી આપી દીધી.

ફોજદાર વી.જી. રાવલે કહ્યું વાળુ પાણી કરીને હું પણ વિશ્રામગૃહમાં બેસવા આવું છું. જયદેવે વિશ્રામગૃહમાં વાળુ પાણી કરી પાછળના ભાગે આવેલ બગીચા સહિતના વિશાળ ફળીયામાં ખુરશીઓ નખાવી ઠંડી હવામાં બેઠો વિશ્રામ ગૃહના બગીચામાંના ફૂલઝાડ તથા વૃક્ષોની રાત્રીની સુંદરતાને તે મંદ મંદ આવતી હવામાં માણી રહ્યો હતો બાજુમાં વિશ્રામગૃહનો પટ્ટાવાળો વલ્લભ ઉભો હતો. તેની સાથે જયદેવે આત્મીયતાથી વાતોકરી તેનો વિશ્વાસ સંપાદન કરવા પ્રયત્ન કર્યો.

થોડીવારે ફોજદાર રાવલ આવી ગયા અને બંને વચ્ચે જૂનો પરીચય હોય મુકત મને વાતચીત ચાલુ કરી રાવલે જયદેવને કહ્યું આપને વાંધો નહોય તો હું સીગારેટ, સળગાવું, જયદેવે હવાની ‚ખ જોઈ જગ્યા બદલી ને કહ્યું કે હવે સીગારેટ જલાવો, અગાઉ પોરબંદરના પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે જયારે ગેંગવોરનો ઉદય થઈ રહ્યો હતો ત્યારથી લઈ ગેંગવોર યુવાન થઈ ત્યાં સુધી આ ફોજદાર પી.જી. રાવલ પોરબંદરમાં વિઠ્ઠલ ગોવિંદ તરીકે ઝાંબાઝ અને પ્રખ્યાત જમાદાર હતા.

આથી જયદેવે તેમની પાસેથી પોરબંદરની ગેંગવોર અને પરિસ્થિતિ અંગે ‘અથ થી ઈતી’ (Rise and Fall)ની વાતો સાંભળી તે  પૂરું થયું પછી તેમણે અમરેલી જીલ્લાના વીચિત્ર રાજકારણ ખટપટો અને પેટા કોમવાદ અંગે ચર્ચા કરી. કોમવાદ એટલે સામાન્ય રીતે બહુમતી અને લઘુમતી કોમ અંગે વપરાતો શબ્દ છે.

પરંતુ આ પેટા કોમવાદ એ મતના ભીખારી રાજકારણે આઝાદી પછી દેશમાં બહુમતી પ્રજામાં જે સમયાંતરે, ધંધા, ઉદ્યોગ, શિક્ષણ, સંપ્રદાયો અને પેટાજ્ઞાતીઓના નામે ભેદભાવ ઉભા કરી લાભ લાલચ ના ટુકડાઓ ફેંકી ભેદભાવ ઉભા કરી ભારતીય સમાજનું વિભાજન કરી જે ભયંકર કુસેવા કરી તે છે.

પોલીસ દળમાં ફરજ દરમ્યાન ફોજદાર જયદેવને આના પ્રત્યક્ષ દર્શન થયેલા અને કાયદો વ્યવસ્થા તેમજ લાયકાત (મેરીટ)ને ભયંકર નુકશાન થતુ તેણે જોયેલું ફોજદાર રાવલે સીગારેટ નો કસ ખેંચી ધુમાડાના ગોટા કાઢતા કાઢતા જણાવ્યું કે અહીનું રાજકારણ અતી નીમ્નકક્ષાએ જઈ શકે છે.

આથી તેમના ચહેરા ઉપર નારાજગીના ભાવ સ્પષ્ટ જણાય આવ્યા તુરત તેમણે વાતને વાળી લઈ ચહેરા પર ખૂશી અને આનંદના ભાવ લાવીને કહ્યું કે હું તો અહીંથી છૂટયો આ બધુ હવે તમારે હેન્ડલ કરવાનું છે! આમ વાત પુરી કરી તેઓ તેમના નિવાસ સ્થાને રવાના થયા અને જીપ આવી ગયેલ હોઈ જયદેવ હાઈવે પેટ્રોલીંગમાં રવાના થયો.

‘પંચાળ પ્રદેશ’ એટલે સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ જેમાં ચોટીલા, સાયલા, થાનગઢ, મૂળી જસદણ અને બાબરા તાલુકાનો અરધો વિસ્તાર પંચાળ તરીકે ઓળખાય છે. જેની ભૌગોલીક સ્થિતિ પથ્થર વાળી બંજર જમીન અને વૃક્ષો રહીત પહાડો છે. આ માટે એક ખાસ દુહો છે.

‘ખડપાણાને ખાખરા અને કાંટાનો નહી પાર;

વગર દિવે વાળુ કરે ઈ આ દેવકો પંચાળ’

દુહા મુજબ જ તે સમયે લગભગ ગામડાઓ પછાત હતા. બાબરા તાલુકામાં મધ્યમાંથી પસાર થતા રાજકોટ ભાવનગર મુખ્ય માર્ગની ઉત્તર દિશામાં આવેલા તમામ ગામડાઓનો વિસ્તાર પંચાળભૂમી છે. ફોજદાર જયદેવ ને જોગાનું જોગ પણ આ ત્રીજી વખત પંચાળભૂમીમાં નિમણુંક મળી અગાઉ રાજકોટ જિલ્લામાં જસદણ પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી પોલીસ સ્ટેશન અને બાકી હતુ તે આ અમરેલીનું બાબરા પોલીસ સ્ટેશન.

અહી પંચાળના નમ્ર, વિવેકી અને સંતોષી લોકોમાં આથી જ કહેવત હતી કે ‘જેણે ન જોયું હોય દિલ્હી, મથુરા અને આગ્રા તે જોઈ લો આ કીડી, કરીયાણા અને બાબરા, વાસ્તવમાં આ ત્રણે ગામોમાં બીજુ ખાસ કાંઈ જોવા લાયક નથી ફકત પૂરાતન શિવમંદિરો છે. આવી વાતો તો મન મનાવવાની છે.

ભૌગોલીક રીતે સૌરાષ્ટ્ર રાજય વખતે બાબરા તાલુકો રાજકોટ જિલ્લામાં સામેલ હતો. પરંતુ ગુજરાત રાજયની સ્થાપના રચના સાથે અમરેલી નવો જીલ્લો બનતા બાબરા ને બગસરા સાથે જ અમરેલી જિલ્લામાં જોડવામાં આવેલું બાબરા તાલુકાની સરહદો અમરેલીના લાઠી, બગસરા અને અમરેલી તાલુકા તથા રાજકોટ જીલ્લાનાં ગોંડલ જસદણ તથા ભાવનગરના ગઢડા (સ્વામીના) પોલીસ સ્ટેશનોને સ્પર્શતી હતી બાબરા તાલુકામાં અઠ્ઠાવન ગામો આવેલા હતા જેનો વિસ્તાર મોટા દેવળીયા, કોટડાપીઠા અને જામબરવાળા એમ ત્રણ આઉટ પોસ્ટ અને બાબરા ટાઉન અને ગામડાબીટમાં વહેચાયેલો હતો જેના ઈન્ચાર્જ જમાદારો હતા તે સમયે મુખ્ય વ્યવસાય ખેતી પશુપાલન, વેપાર અને હીરા ઘસવાનો જ હતો.

બાબરામાં તે સમયે ભલે મોટા ઉદ્યોગો ન હતા. પરંતુ ગુજરાત રાજય બહાર આ તાલુકાના લોકો ખૂબ મોટા ગજાના ઉદ્યોગપતિઓ હતા જેમાં જેએમસી (જેએમચોકસી જવેલર્સ) મુંબઈ તથા એક વખત ખૂબ ચર્ચામાં રહેલી મુંબઈની પ્રખ્યાત હોટલ સીજર પેલેસના ધોળકીયા બ્રધર્સ ઉંટવડ ગામના વતની હતા તથા મદ્રાસ હાલ ચેન્નઈની મોટી ફાયનાન્સ કંપની સુગેસન ફાયનાન્સના માલીક શાહ ભાઈઓ બાબરાના હતા તેમજ મુંબઈની પ્રખ્યાત શિંગારબીંદીયાના માલીક મનસુખભાઈ કરીયાણાના હતા તેમજ મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને દેશભરમાં એક વખતની પ્રખ્યાત ડાન્સર એકટ્રેસ ‘જયશ્રી ટી’ બાબરા તાલુકાના ગામ પીપળીયાના વતની છે !

બાબરા તાલુકામાં ઐતિહાસીક અને ધાર્મિક સ્થળોમાં ખંભાળાના પહાડોમાં આવેલી પાંડવ ગુફાઓ, નાનીકુંડળ ગામે પહાડીમાં આવેલું સાત હનુમાનજીનું મંદિર, ધરાઈ (વાવડી) ગામે આવેલ પૌરાણીક પ્રસિધ્ધ બાલમુકુન્દજીની હવેલી, રાણાપર નડાળાનો નીષકલંકી આશ્રમ તેમજ નીલવડાના ડુંગરોમાં આવેલ વીરમાંગડા વાળાનું સ્થાનક છે.

સ્વ.ઝવેરચંદ મેઘાણીના ‘સૌરાષ્ટ્રની રસધાર’ પુસ્તકમાં ‘ભૂત‚એ ભેંકાર’ પ્રકરણમાં આ વીર માંગડા વાળાની વાર્તા વર્ણવેલ છે. આ કથા પ્રેમ કથા ઉપરાંત શૌર્યકથા પણ છે કેમકે માંગડાવાળો ગાયોની વારે જતા લડાઈમાં શહીદ થયેલો. આ કથામાં સ્થળ જામનગર તાલુકાના ભાણવડ પાસે ધૂમલી નજીક બનેલનું વર્ણન છે. ત્યાં પણ ભુડાદાદાના નામે વિરમાંગડાવાળાની જગ્યા છે.તો અહી બાબરા તાલુકામાં પણ છે. અને કચ્છમાં નખત્રાણા જતા દેસલપર ગામે પણ વિરમાંગડાવાળાનું મંદિર છે.

ફોજદાર જયદેવ બાબરા પોલીસ સ્ટેશનમાં આશરે સવા વષૅ સુધી રહ્યો દરમ્યાન એક ખાસ વાત બાબરા અને ગ્રામ્ય વિસ્તારોમાં વાતોવાતમાં જાણવા મળેલી કે આઝાદી પછી બહારવટે ચડેલો ભૂપત કે જણે રાજકાણીઓની દાઝ નિદોર્ષ લોકો ઉપર કાઢી અનેક લાશો ઢાળી દીધેલી.

આ ખૂંખાર બહારવટીયો અનેક ભયંકર કૃત્યો કરીને અલોપ થઈ જતો અને પોલીસને હાથમાં આવતો નહતો. તે એક રહસ્ય હતુ પરંતુ જયદેવને વાતો ઉપરથી જણાઈ આવેલુ કે બહારવટીયો ભૂપત વધુને વધુ સમય સંતાઈને બાબરામાં જરહેલો ! ભૂપતની અનેક આશ્ચર્યજનક વાતો લોકો સાથે ચર્ચા કરતા જાણવા મળેલી !

જયદેવની ખાતામાં બારેક વર્ષની નોકરી દરમ્યાન આ સોળમી બદલી અને નિમણુંક હોઈ અનુભવે એવું જણાયેલ કે જયારે ફોજદારની કોઈ નવા તાલુકામાં નિમણુંક થાય ત્યારે તે તાલુકાના ગુનેગારો, બે નંબરીયા, સ્થાપિત હીતો તથા ધંધાદારી રાજકારણીઓ વિગેરે આ નવા આવનાર ફોજદારની કર્મકુંડળી તેની કાર્યપધ્ધતી, દાદાગીરી કે બાંધછોડની નીતિ કયા રાજકીય પક્ષ તરફ ઢળેલા છે.

કયાંના વતની છે અને ખાસ તો શું શું આદતો ખાસીયતો અને શું શુ નબળાઈઓ ધરાવે છે. તેની માહિતી અગાઉ ભૂતકાળમાં જયાં જયાં નોકરી કરેલી હોય ત્યાંથી પોતાના સ્ત્રોતો મારફતે મેળવી લેતા હોય છે. આ માહિતી મેળવ્યા પછી નવા આવનાર ફોજદાર સાથે કઈ રીતે કામ પાર પાડવું તેનો વ્યૂહ નકકી કરતા હોય છે.

જોકે પોલીસ સ્ટેશનનો સ્ટાફ તો બે-ચાર દિવસમાં જ ફોજદારની પોલીસ સ્ટેશનની દૈનિક કામગીરી જેવી કે રજીસ્ટરોની તપાસણી, સ્ટેશન ડાયરીનું મેઈન્ટેનન્સ; મુવમેન્ટ રજીસ્ટર તથા ગુન્હાઓ અને અરજીઓની તપાસ કઈ રીતે કરે છે. અને તે સુપર વિજન પણ કઈ રીતે કરે છે. તેના ઉપરથી કરી લેતા હોય છે અને આ બાબત તેઓ ઉપર જણાવેલ સ્થાપિત હિતોને પણ પહોચાડી દેતા હોયછે કે હવે તેમની લાલીયાવાડી ચાલે તેમ છે કે નહીં !

જયદેવે અગાઉ બાબરાના સીમાડીયા પોલીસ સ્ટેશન જસદણમાં ‘આકરા પાણીએ’ નોકરી કરેલી તે વાત ને તો પેસેન્જર વાહક છકડા રીક્ષા વાળાઓએ ‘લાકડીયા તાર’ માફક ફટાફટ એક ગામથી બીજા ગામે પહોચાડી દીધેલી. એજે કોઈ કારણ હોય પણ આમ જનતા ને પણ જયારે નવા ફોજદારની નિમણુંક થાય ત્યારે આ ફોજદાર કેવો છે, કોણ છે વિગેરે બાબતોમા ખૂબ રસ હોય છે. અને તેની ચર્ચા પણ રસપ્રદ રીતે ભૂતકાળના બનાવો સાથે સાંકળીને કરતા હોય છે. આજ પધ્ધતીથી બાબરાના સ્થાપિત હીતોને જયદેવની જસદણ, મૂળી અને પોરબંદરની કાર્ય પધ્ધતિની માહિતી સંપૂર્ણ વિગતો સાથે મળી ગયેલી !

તેમ છતા ધંધાદારી રાજકારણીઓ અને દાદાઓની પણ એક આગવી સ્ટાઈલ હોય છેકે નવા વાતાવરણમાં પણ પોતાનું અસ્તિત્વ માભાસર જળવાઈ રહે તે માટે અને પોતાનો જો કોઈ રોલો પડી જાય તો તેવી તક ની રાહમાં હોય છે. નસીબ જોગે જો ચાન્સ લાગી જાય વાહ ભાઈ વાહ નહી તો બકરી બેં બેં તો છે જ ! નવો ફોજદાર તો પોતાની પધ્ધતિથી જ ચાલતો હોય ઘર્ષણતો થવાનું જ જો ન થાય તો નવાઈ કહેવાય.

નવા ફોજદારની નવી કાર્ય પધ્ધતિ જેમકે કામોનો ફટાફટ નીકાલ, કાયદેસરની બાબતમાં કોઈ બાંધછોડ નહી વિગેરે બાબતોથી અમુક કર્મચારીઓ નારાજ હોયતો બાકીના અમુક કાર્યદક્ષ અને સ્વમાની કર્મચારીઓ હોય તે ખુશ પણ થાય, આવા કર્મચારીઓ નવા ફોજદારની કાર્ય પધ્ધતિ અને કાર્યદક્ષતા ને રંગીન ફૂલોથી સજાવીને જાહેરમાં પણ વખાણ કરતા હોય છે કે નવા ફોજદાર કોઈની પણ શેહશરમ કે દબાણમાં આવે તેમ નથી.

ગમે તેને અંદર કરી દેતા (લોકઅપ દર્શન)પણ અચકાતા નથી, કાયદા કલમ કાગળોના પાકકા છે. વિગેરે વાતો અને કેટલીક વખત તો વધારીને કપોળ કલ્પીત વાતો કરીને પણ આવા ધંધાદારી રાજકારણીઓ અને ગુનેગારોને ‘દમ’ની ભાષામાં ધમકી વચેટીયાઓ કે દલાલો મારફતે મોકલી સુધરી જવા કે મર્યાદામાં રહેવા સંદેશા પણ મોકલતા હોય છે!

આજે થાણાની પહેલી રાત્રે જ જયદેવની હાઈવે નાઈટ પેટ્રોલીંગની ફરજ હતી. સરકારી જીપ અને બે જવાનો સાથે ચાવંડ, ઢસા સુધી આંટો મારી બાબરા પાછા આવતા ખંભાળા ત્રણ રસ્તે રાત્રીના સાડાબાર એક વાગ્યે પણ હોટલ ખૂલ્લી હતી.

અને હાઈવે ઉપર આડેધડ વાહનો, મોટર સાયકલો પડયા હતા જયદેવે જીપ ઉભી રખાવી એક જવાનને કહ્યું હોટલ માલીકને બોલાવો થડા (કાઉન્ટર) ઉપર હોટલ માલીક સાથે ત્રણ વ્યકિતઓ વાતચીત કરતી હતી તેને જોઈને ડ્રાઈવર રઘુ યાદવે જયદેવને કહ્યું ‘સાહેબ આને જવાદયો, આ લોકો અંહીના પ્રસ્થાપિત દાદાઓ છે.

અત્યારે બોણીમાં જ ખોટા ઘર્ષણમાં કયાં પડવું? આથી જયદેવે કહ્યું કાયદેસરની કાર્યવાહી કરવી તે ઘર્ષણ કહેવાય ? અને તેમાં પણ પોલીસે પીછેહટ કરવાની અને દાદાઓ (આમતો ગુંડાઓજ)ને તેમની મનમાની કરવા દેવાની? ‘આથી ડ્રાઈવર રઘુએ કહ્યું સાહેબ આ લોકોથી ગામ આખું ડરે છે. એતો ઠીક પરંતુ અગાઉના પોલીસ અધિકારીઓ પણ તેમના વિ‚ધ્ધ કાર્યવાહી કરતા અચકાતા હતા! આ લોકોને આજદિન સુધી કોઈ ફોજદારે બોલાવ્યા નથી!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.