Abtak Media Google News

૫૦ માઈક્રોનથી વધુ જાડાઈની પ્લાસ્ટીક વેચનારે ફરજીયાત કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે: પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ બાયોલોઝને મંજુરી આપતી સ્ટેન્ડિંગ: બલ્ક વેસ્ટ જનરેટ કરવા માટે પણ એજન્સી નિયુકત કરાઈ

રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૪૨ દરખાસ્તોમાંથી ૪૧ દરખાસ્તોને મંજુરીની મહોર મારવામાં આવી હતી. એક દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલવામાં આવી હતી. સ્ટેન્ડિંગ સમક્ષ અરજન્ટ બિઝનેસ તરીકે ત્રણ દરખાસ્ત રજુ કરાઈ હતી જે ત્રણેય મંજુર કરવામાં આવી છે. પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ બાયોલોઝને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બહાલી આપવામાં આવી છે. હવે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક પકડાશે તો રેકડીધારકથી લઈ મોલ સુધીનાને રૂ.૧૦૦૦ થી ૨ લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, વાડી, પાર્ટી પ્લોટ કે કેન્ટીનમાંથી નિકળતા બલ્બ વેસ્ટને જનરેટ કરવા માટે એજન્સી નિયુકત કરવામાં આવી છે.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભારત સરકારના પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ નિયમોને આધીન પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ બાયોલોઝ મંજુર કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવી હતી જેને બહાલી આપવામાં આવી હતી. ૫૦ માઈક્રો કે તેથી ઓછી જાડાઈના પ્લાસ્ટીકના વેચાણ, ઉપયોગ કે સંગ્રહ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આવું પ્રતિબંધિત પ્લાસ્ટીક પકડાય તો મહાપાલિકા માત્ર અમુક રકમ જ દંડ કરી શકે છે. બીજી કોઈ સતા મહાપાલિકાને નથી. દરમિયાન નવા બાયોલોઝ મુજબ કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે.

જેમાં ઈન્ડસ્ટ્રીઝ કે મેન્યુફેકચરર પાસેથી એક ટન સુધીનો પ્રતિબંધિત પ્લાસ્ટીક પકડાશે તો પ્રથમ વખત રૂ.૧૦,૦૦૦, બીજી વખત રૂ.૨૫,૦૦૦ અને વારંવાર આવુ પ્લાસ્ટીક પકડાશે તો રૂ.૫૦,૦૦૦ સુધીનો દંડ વસુલ કરવામાં આવશે. એકથી દોઢ ટન સુધીનું પ્લાસ્ટીક પકડાશે તો રૂ.૫૦ હજાર, રૂ.૭૫ હજાર અને રૂ.૧ લાખ સુધીનો દંડ જયારે પ ટન કે તેથી વધુનું પ્રતિબંધિત પ્લાસ્ટીક પકડાશે તો રૂ.૧ લાખ, રૂ.૧.૫૦ લાખ અને ૨ લાખ સુધીનો દંડ વસુલ કરવામાં આવશે. પ્લાસ્ટીકના જથ્થાબંધ વેપારીને ત્યાંથી ૫૦ માઈક્રોન કે તેથી ઓછી જાડાઈનું ૧૦૦ કિલો સુધી પ્લાસ્ટીક પકડાશે તો પ્રથમ રૂ.૫ હજાર બીજી વખત રું.૧૦ હજાર જયારે ૨૦૦ કિલો સુધીનું પ્લાસ્ટીક પકડાશે તો ૨૦ થી ૩૦ હજારનો દંડ, ૨૦૦ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટીક પકડાશે તો ૩૦ થી ૫૦ હજાર સુધીનો દંડ વસુલ કરવામાં આવશે.

કોઈ રીટેઈલરને ત્યાંથી ૫૦ માઈક્રોનથી ઓછી જાડાઈનું ૧૦ કિલો સુધીનું પ્લાસ્ટીક પકડાશે રું.૩ હજારથી ૫ હજાર, ૧૦ થી ૫૦ કિલો સુધીનું પ્લાસ્ટીક પકડાશે રું.૫૦૦૦ થી ૧૦,૦૦૦ અને ૫૦ કિલોથી વધુનું પ્લાસ્ટીક પકડાશે તો રું.૧૦,૦૦૦ થી ૨૦,૦૦૦ સુધી, હોકર્સ ઝોન, રેકડી ધારક પાસેથી આવું પ્રતિબંધિત પ્લાસ્ટીક પકડાશે તો રું.૧૦૦૦ અને બીજી વખત પ્લાસ્ટીક પકડાશે રું.૨૦૦૦નો દંડ વસુલ કરવામાં આવશે. ૫૦ માઈક્રોનથી વધુ જાડાઈનું પ્લાસ્ટીક વેચનાર વેપારીઓએ ફરજીયાતપણે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને દર મહિને રું.૪૦૦૦નો ચાર્જ ભરવાનો રહેશે.

શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, વાડી, પાર્ટી પ્લોટ, કેન્ટીન કે સોસાયટીમાંથી ઉત્પન્ન થતા ઓર્ગેનિક વેસ્ટને ડોર સ્ટેપ પર પ્રોસેસીંગ કરવા માટે બલ્બ વેસ્ટ જનરેટરના કામ અર્થે પણ એજન્સી નિયુકત કરવામાં આવી છે. મોબીટ્રેસ રિસાયકલ વેન્ચર્સ પ્રા.લી.ને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જેને વાહન પાર્કિંગ તથા રો મેન્ચ્યોર પકાવવા માટે મહાપાલિકા રું.૧ ના લીઝથી ૫૦૦ ચો.મી.જમીન આપશે. આ એજન્સી ઓર્ગેનિક વેસ્ટનો નિકાલ કરવા માટે પ્રતિ કિલો રું.૮ વસુલ કરશે.જયારે સોસાયટી પાસેથી પ્રતિ માસ રું.૧૯૯ની વસુલાત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.