Abtak Media Google News

જગતના તાત માટે સારા સમાચાર…

૧લી ઓકટોબરથી ખેડૂતો ૨૦ દિવસ સુધી કરાવી શકશે રજિસ્ટ્રેશન: નોડલ એજન્સી તરીકે નાફેડની કરાઈ નિમણૂંક

રાજ્યમાં સારા વરસાદના પગલે મગફળીનું ખુબ સારૂ વાવેતર થયું હતું અને ઘીના ઠામમાં ઘી પડ્યું હોય તેમ સારો વરસાદ મળતા ઉપજ પણ સારી આવી છે. જેના કારણે આ વર્ષે ઉચ્ચ ગુણવત્તાયુક્ત મગફળી બજારમાં આવનાર છે. તેને ધ્યાનમાં રાખી મગફળીની દર વર્ષે થતી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કૃષિ મંત્રી આર.સી.ફળદુએ કરી હતી.

આર.સી.ફળદુએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે અધિક માસ હોવાથી મગફળીની ખરીદી વહેલી તકે શરૂ કરી દેવામાં આવશે. ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા નિગમે નાફેડને નોડલ એજન્સી તરીકે નિમણૂંક આપી છે. જેથી આ વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદી નાફેડ મારફત કરવામાં આવશે.

મહામારીની સમસ્યા વચ્ચે સોમવારે જ રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી હતી. ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા વિશે કૃષિ મંત્રીએ જણાવતા કહ્યું હતું કે, જે ખેડૂતો મગફળી ટેકાના ભાવે વેંચવા ઈચ્છતા હોય તેઓ ૧લી ઓકટોબરથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા કુલ ૨૦ દિવસ એટલે કે ૧લી ઓકટોમ્બરથી ૨૦ ઓકટોબર સુધી ચાલનારી છે. જેમાં તમામ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.  રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૧મી ઓકટોબરથી નાફેડ કુલ ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે.

મગફળી એ સૌરાષ્ટ્રના મુખ્ય પાકો પૈકીનો એક છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મગફળીનું ખુબ સારું વાવેતર થયું હતું. રાજ્યની વાત કરવામાં આવે તો આશરે ૨૦ લાખ હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ વરસાદ સારો રહેતા જગતના તાતને પાણી માટે ક્યાંય ફાંફા મારવા પડ્યા ન હતા. જેથી મગફળીનું ઉત્પાદન ખુબ સારૂ મળવાની શકયતા હતી. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વહેલી તકે મગફળીની ખરીદી કરવા જાહેરાત કરી છે.

આ વર્ષે મગફળીના લઘુતમ ટેકાના ભાવ રૂા.૧૦૫૫ નકકી કરવામાં આવ્યા છે. જે ગત વર્ષની સાપેક્ષે થોડો વધારે છે. મગફળીનો ક્રોપ સારો આવતા ક્યાંક એવું પણ જોવા મળે છે કે, ભાવમાં ક્યાંક ઘટાડો નોંધાતો હોય છે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી બનતી હોય છે. પરંતુ ખેડૂતો મગફળીના ભાવને લઈને હાલાકી ન ભોગવે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરતું હોય છે. ગત વર્ષે પણ રાજ્ય સરકારે મગફળીની મબલખ આવક થતાં ટેકાના ભાવે ખરીદી કરી હતી અને આ વર્ષે પણ મગફળીની મબલક આવક થતાં પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી દીધી છે જેનાથી ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે.

આ વર્ષે ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા નોડલ એજન્સી તરીકે નાફેડની નિમણૂંક કરવામાં આવી છે. જેથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી નાફેડ કરનાર છે. નાફેડે હાલના સંજોગોમાં ગોડાઉન સહિતની વ્યવસ્થાઓ ગોઠવવાની શરૂઆત પણ કરી દીધી છે. ટૂંક સમયમાં ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.

આ વર્ષે ખરીદી વહેલી શરૂ કરાશે

દર વર્ષે લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે અધિક માસ હોવાથી તેમજ બમ્પર ઉત્પાદનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વહેલી ખરીદી શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે ૧લી ઓકટોબરથી ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે અને ૨૧મી ઓકટોબરથી ખરીદી પણ હાથ ધરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.