Abtak Media Google News

વંથલી યાર્ડનો ડેલો ૧૧ વાગ્યા સુધી ન ખૂલતા હાઈવે પર ચકકાજામ કરી ખેડુતોએ આક્રોશ ઠાલવ્યો

ચાલુ વર્ષે ભારે વરસાદના પગલે મગફળીમા ભારે નુકશાની ભોગવવા ખેડુતો મજબુર બન્યા છે ત્યારે સરકાર શ્રી દ્વારા ૧લી ઓક્ટોબર થી મગફળી ખરીદી કરવાની જાહેરાત કરી હતી. પરંતુ દરેક ગામડે ગામ ના વિ.સી. દ્વારા આ ઓનલાઇન નોંધવાની કામગિરી શરુ થાય તે પુર્વે જ ગુજરાત ના તમામ વિ.સી એ કાયમી કરવાની તેમજ બાકી રહેલ મહેનતાણુ ચુકવવાની માંગ સાથે કામગીરી થી અળગા રહેવાનુ કહેતા આ મામલો બિચક્યો હતો..

વંથલી માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી ખરીદી માટે ઓનલાઇન કરવામા આવશે તેવા માર્કેટિંગ યાર્ડ ના પ્રમુખ ના વાયરલ મેસેજ ના પગલે આજ સવારથી જ આશરે ૫૦૦ થી વધારે ખેડુતો માર્કેટીંગ યાર્ડ ખાતે જમા થયા હતા. વહેલો વારો આવે તેવા હેતુથી ગતરાત્રી થી જ ખેડુતોનો જમાવડો માર્કેટીંગ્ યાર્ડ ખાતે શરુ થયો હતો. આજરોજ સવારે ૧૧:૦૦ કલાક સુધી વંથલી માર્કેટિંગ યાર્ડ નો ડેલો ન ખુલતા વંથલી ખેડુત હિત રક્ષક સમીતી ના પ્રમુખ અજય વાણવી એ માર્કેટીંગ યાર્ડ ખાતે જઇ સત્તાધિશો સાથે વાત કરી તડકામા દુખી થતા ખેડુતો ને માર્કેટિંગ યાર્ડ અંદર છાયડે બેસાડી ટોકન આપવાની કામગીરી શરુ કરાવી હતી. આ કામગીરી મા માર્કેટિંગ યાર્ડ ના કર્મચારીઓના મામા માસી ના ખેડુતો નો વારો વચ્ચે લેવાતા ફરી મામલો બિચક્યો હતો અને ખેડુતો એ આક્રમક થઇ જુનાગઢ સોમનાથ હાઇવે ને ચક્કાજામ કર્યો હતો. પોલીસે રસ્તો ખુલ્લો કરાવવા માટે અનેક વખત સમજાવ્યા છતા ખેડુતો ટસના મસ થયા ન હતા. મામલતદાર વંથલી આવ્યા બાદ સમજાવટથી હાઇવે ફરી ખુલ્લો કરવામા આવ્યો હતો..

મામલતદારે ટુંક સમયમા ગામડે ગામડે મગફળી ખરીદી માટે ઓનલાઇન શરુ કરવામા આવશે તેવી ખાત્રી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવની મગફળી ખરીદી નોંધણી શરૂ કરવામાં આવી હોય જેમાં માત્ર શહેરના ખેડૂતોની નોંધણી હાથ ધરાતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો રોષે ભરાયા હતા બનાવના પગલે થોડીવાર હોબાળો મચી જવા પામ્યો હતો.

માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી નોંધણી કરાવવા આવેલ વિપુલ રૈયાણી નામના ખેડૂતે રોષ સાથે જણાવ્યું હતું કે ગોંડલ તાલુકાના ગામોમાં કોઈપણ જગ્યાએ નોંધણી ની વ્યવસ્થા નથી તો ગ્રામ્ય વિસ્તારનો ખેડૂત કઈ જગ્યાએ નોંધણી કરાવવા જાય ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે સવારથી ખેડૂતો આવી ગયા છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના એક ખેડૂતની નોંધણી થવા પામી નથી જેના કારણે રોષ ફેલાવા પામ્યો છે સરકારે જો ગ્રામ્ય લેવલે નોંધણી કરાવવી હોય તો ત્યાં પહેલા વ્યવસ્થા ઉભી કરવી જોઈએ નહીં કે માત્ર વાતો જ કરવી જોઈએ.

ઓનલાઈન રજીસ્ટ્રેશનની મુદતમાં વધારો કરો: મહિપાલસિંહ જાડેજા

Img 20201001 Wa0018

કિસાન સંઘ પડધરી તાલુકા ઉપપ્રમુખ મહિપાલસિંહ એચ. જાડેજાએ ટેકાના ભાવે મગફળી ખરીદીના ઓનલાઈન રજીસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવા માંગ ઉઠાવી છે. વધુમાં જણાવ્યું છે કે રજીસ્ટ્રેશન પૂર્વે વીસીઈ હડતાલ પર ઉતરી ગયા છે. તો આમાં ખેડુતોનો શું વાંક અને ચાલુ થશે તો નેટ પ્રાબેલેમ થશે અને સમય મર્યાદા ૨૦ દિવસની છે. તો આમાં ઘણા બધા ખેડુતો ઓનલાઈનમાં રહી જવાની ભીતિ છે.

અને બીજુ ખેડુતોના ખેતરનાં પાણી પાત્રો પણ બાકી છે. ઘણા ગામના હજી ૭/૧૨/૮માં વાવેતર નથી ચડેલ ૨૦૨૦/૨૦૨૧ છેલ્લા ૧૦ દિવસમાં પાણી પાત્રની સીટ આપે છે તો ખેડુતોને મંત્રી પાસે દાખલા માટે લાઈનમાંઉભુ રહેવાનું તો આવું રેઢીયાળ તંત્ર કયાંસુધી ચાલશે મોદીજીનું સપનું છે કે ડિજીટલ ગુજરાત તો તંત્ર આટલુ બધુ બેદરકાર કેમ ખેડુતોને હેરાન પરેશાન કરવામા આવે છે તો આ બધા પ્રશ્ર્નોનો તાત્કાલીક નિકાલ કરવામાં આવે અને ઓનલાઈનની મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

કાલાવડમાં વીસીઈઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ: રજીસ્ટ્રેશન અટકી પડયા

તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદન

કાલાવડ તાલુકાના તમામ ગ્રામ પંચાયતના કોમ્યુટર ઓપરેટરો વીસીઈ ગઈકાલથી જ અચોકકસની મુદતની હડતાલ પર ઉતરી જતા મગફળી ખરીદીના રજીસ્ટ્રેશન અટકી પડયા હતા. અને ખેડુતો રજીસ્ટ્રેશન કરવા માટે રઝળી પડયા હતા. કાલાવડ ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટરો વીસીઈ ની સરકાર સમક્ષ માંગ છે કે ગત વર્ષે જે કામ કર્યંુ હતુ તેનું હજુ સુધી વળતર મળતું નથી અને બીજી બાજુ હાલ કોરોનાની મહામારી છે. તેમજ તાલુકાની ઘણી ખરી ગ્રામ પંચાયતોપણ જર્જરીત હાલતમાં . તે સુધારવું તેમજ ઓપરેટરોને વીમા સુરક્ષા કવચ આપવામાં આવે તેમજ આ વર્ષે ખેડુતોના ડોકયુમેન્ટ સ્ક્રેન કરવાનો છે તો સ્ક્રેનીંગ મશીન પણ પૂરતા ન હોવાના કારણે હાલાકીઓ સહન કરવી પડે છે. આ અનેક વિધ પ્રશ્ર્નોની રજૂઆત માટે ગઈકાલે કાલાવડ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર કાલાવડને આવેદન પત્ર પાઠવી કાળી પટ્ટી લગાવીને વિરોધ પ્રગટ કર્યો હતો.

જૂનાગઢમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી ખોરંભાતા ખેડુતો મુશ્કેલીમાં મૂકાયા

Img 20201001 202638

એક તરફ ગઇકાલથી સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતી, ત્યારે બીજી બાજુ જૂનાગઢ જિલ્લાની ૪૩૧ ગામ પંચાયતના વી.સી.ઇ. એટલે કે, કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતરી જતા જૂનાગઢ જિલ્લામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની કામગીરી ખોરંભાઇ છે. ગઇકાલ તારીખ ૧લી ઓકટોબરથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ હતું અને ગત સવારથી જ જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ખેડૂતોની લાંબી કતારો પહેલો વારો આવી જાય તે માટે લાગી હતી, પરંતુ જૂનાગઢ જિલ્લાના ૪૩૧ ગ્રામ પંચાયતના વીસીઇ. દ્વારા કામથી અલિપ્ત રહેવાના આંદોલનથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી ખોરંભાઈ, અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.