Abtak Media Google News

જૂની મગફળીનું પીલાણ અને જૂના સ્ટોકને પરિણામે ભાવમાં ચાલી રહેલો ક્ષણિક વધારો- ઘટાડો

પીલાણ બાદ સિંગતેલના ભાવ ગગડવાના છે. હાલ જુની મગફળીનું પીલાણ તેમજ જુના સ્ટોકના લીધે મગફળીના ભાવમાં ક્ષણિક વધારો-ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ ધનતેરસ બાદ સિંગતેલના ભાવ ઘટીને સ્થિર થઈ જશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

સિંગતેલના ભાવમાં તાજેતરમાં વધારો આવ્યા બાદ હવે ફરી રૂા.૩૦નો ઘટાડો આવ્યો છે. છેલ્લા થોડા દિવસથી સિંગતેલના ભાવમાં વધારો-ઘટાડો નોંધાઈ રહ્યો છે જેની પાછળનું કારણ જોઈએ તો હજુ મગફળીમાં ભેજનું પ્રમાણ રહ્યું હોય પીલાણ શરૂ થયું નથી. હાલ જે પીલાણ ચાલી રહ્યું છે તે જુની મગફળીનું ચાલી રહ્યું છે. ઉપરાંત માર્કેટમાં જુનો સ્ટોક પણ પડયો છે જેથી ભાવમાં ક્ષણિક વધારો-ઘટાડો કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે મગફળીનું પીલાણ ધનતેરસના અરસામાં થતું હોય છે ત્યાં સુધીમાં મગફળીનો ભેજ નીકળી જાય છે જેથી પીલાણ શરૂ કરી દેવામાં આવે છે અને માર્કેટમાં નવી મગફળીનાં તેલની આવક થાય છે.

આમ ધનતેરસના અરસામાં નવી મગફળીનું પીલાણ શરૂ થયે સિંગતેલના ભાવ વધુ ગગડશે તે નકકી છે જેથી સિંગતેલની ખરીદી માટે ગ્રાહકોએ રાહ જોવી ફાયદાકારક રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ જુના સ્ટોક ઉપર ભાવ વધારા-ઘટાડાની હિલચાલ થઈ રહી છે હવે નવો સ્ટોક આવ્યા બાદ ભાવ ઘટીને સ્થિર થઈ જશે.

આશ્ર્ચર્યની વાત તો એ છે કે સિંગતેલની સ્થાનિક માંગ કોઈ વધારો જોવા મળ્યો નથી. માંગની સામે પુરવઠો વધી ગયો હોય અને યાર્ડમાં મગફળીની બમ્પર આવક પણ હોય છતાં સિંગતેલના ભાવમાં તાજેતરમાં ભડકો થયો હતો. આ ભડકો દિવાળીના તહેવાર નિમિતે કૃત્રિમ રીતે કરવામાં આવ્યો હોય તેવી પણ શંકા સેવાઈ રહી છે. છેલ્લા એક પખવાડિયા ઉપર નજર કરીએ તો સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂા.૨૪૫નો વધારો નોંધાયો છે અને ગઈકાલે ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. હાલ સિંગતેલના ભાવ ૨૨૯૦થી લઈને ૨૩૩૦ સુધી બોલાઈ રહ્યા છે.

ધનતેરસ બાદ ડબ્બાના ભાવ ૧૮૦૦ એ પહોંચે તેવી શકયતા

ધનતેરસ બાદ મગફળીનું પીલાણ શરૂ થયે સિંગતેલના ડબ્બાનો ભાવ ૧૮૦૦એ પહોંચે તેવી શકયતા છે. હાલ સુધી ભાવમાં સારો એવો વધારો-ઘટાડો નોંધાયો છે પરંતુ ધનતેરસ બાદ ડબ્બાનો ભાવ ૧૮૦૦ કે તેની નીચે પહોંચીને સ્થિર થાય તેવું નિષ્ણાંતોનું માનવું છે. રાજયમાં મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું છે જેથી આ વર્ષે મગફળીના તેલનો ભાવ ઓછો રહે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રભરમાં મોટાભાગના લોકો સિંગતેલ દિવાળીના અરસામાં જ ખરીદી લેતા હોય છે ત્યારે દિવાળીને ધ્યાને રાખીને હાલ ભાવમાં કૃત્રિમ ઉછાળો લઈ આવવામાં આવ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.