Abtak Media Google News

આવતીકાલે મતગણતરી: ભાજપ પ્રેરીત ૧૦ અને કોંગ્રેસ પ્રેરીત ૯ ઉમેદવારો મેદાને

જુનાગઢ તા. ૧૬ સોરઠના સહકારી ક્ષેત્રની પ્રતિષ્ઠા સમી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું મતદાન મતદારોના ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાય રહી છે, જ્યારે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આજે સવારનાથી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ ગયું છે. જેમાં ખેડૂત વિભાગની ૧૦ સીટ તથા ખરીદ વેચાણ સંઘની ૨ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે સાંજના ૫ કલાક સુધી ચાલશે અને આ ૧૨ બેઠકનું ચૂંટણી પરિણામ આવતીકાલ તા. ૧૭ ઓક્ટોબર ને શનિવારના રોજ મતગણતરી બાદ જાહેર કરવામાં આવશે.

આજે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચાલી રહેલ ચૂંટણીમાં ખેડૂત વિભાગની ૧૦ સીટો માટે ભાજપ પ્રેરિત ૧૦ ઉમેદવારો તથા કોંગ્રેસ પ્રેરિત ૯ ઉમેદવારો મળી કુલ ૧૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, અને ખેડૂત વિભાગમાં ૯૭૭ મતદારો મતદાન કરવાના છે, જ્યારે ખરીદ વેચાણ સંઘની ૨ બેઠકો માટે ભાજપ પ્રેરિત ૨ ઉમેદવાર અને કોંગ્રેસ પ્રેરિત ૧ ઉમેદવાર ચૂંટણી જંગમાં છે અને આ ૨ સીટ માટે ખરીદ વેચાણ સંઘના ૧૫૬ મતદારો મતદાન કરશે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચુંટાયેલા કુલ ૧૬ સભ્યોનું પ્રતિનિધિત્વ છે. જેમાં ૧૦ ખેડૂત વિભાગના, ૨ ખરીદી વેચાણ સંઘ વિભાગના અને ૪ વેપારી વિભાગના ડિરેક્ટરો ચૂંટાઈ આવે છે. પરંતુ આ વખતે વેપારી વિભાગની ચાર સીટો ભાજપ પ્રેરીત ઉમેદવારોની બિનહરીફ જાહેર થઈ જતા, વેપારી વિભાગની ચૂંટણી થવાની નથી અને ખેડૂત વિભાગની ૧૦ તથા ખરીદ વેચાણ સંઘની ૨ મળી કુલ ૧૨ સીટો માટે આજે સવારના ૯ વાગ્યાથી મતદાન ચાલુ છે. દરમિયાન જૂનાગઢ માર્કેટ યાર્ડની ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ૧ પીઆઇ, ૪ પીએસઆઇ, ૬૦ પોલીસ સ્ટાફ, જેમાં મહિલા પોલીસ તથા ટ્રાફિક પોલીસ તથા ૧ હથિયાર ધારી ગાર્ડ, સહિતનો  જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

Img 20201016 Wa0014

બીજી બાજુ યાર્ડ અને તંત્ર દ્વારા મતદાન કરવા આવતા લોકોને અગવડતા ઉભી ના થાય એ માટે પણ ખાસ વ્યવસ્થા તેમજ મતદાન કરવા આવતા લોકોને હાલના કોરોના કાળના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ, માસ્ક પહેરવામાં આવે તેમજ સેનેટાઇઝર નો ઉપયોગ કરવામાં આવે એ માટે પણ વહીવટી તંત્ર સાથે સંકલન કરી, સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

સોરઠના સહકારી ક્ષેત્રના પ્રતિષ્ઠા સમી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી માટે ખેડૂતો, વેપારીઓ, સંઘ અને સહકારી શ્રેત્ર ના આગેવાનોમાં ભારે ઉત્તેજના છે, બીજી બાજુ સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા પોતાના પક્ષ પ્રેરીત ઉમેદવારો વિજયી થાય તે માટે ચૂંટણી જાહેર થતાંની સાથે જ મહેનતમાં લાગી ગયા હતા. જેના કારણે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના મતદારોમાં પણ દર વખતની જેમ આ વખતની ચૂંટણીમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આજની ચૂંટણીમાં ધિંગુ મતદાન થાય તેવું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે.

પેટ્રોલીંગ-ચેકીંગ સહિતની પોલીસની કામગીરી

જુનાગઢ ડી.વાય.એસ.પી. જાડેજાના જણાવ્યા અનુસાર આ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને કે કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે જિલ્લા રજીસ્ટાર ખરાડી  તેમજ માર્કેટ યાર્ડના સેક્રેટરી પી.એસ. ગજેરા તથા વહીવટી સ્ટાફ સાથે સંકલન કરી, જડબેસલાક બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે. તથા એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.યુ.સોલંકી, વી.આર.ચાવડા, હે.કો. માલદેભાઈ, ગિરિરાજસિંહ, વિક્રમસિંહ, વનરાજસિંહ, અનકભાઈ, સહિતની ટીમ દ્વારા આગોતરું આયોજન કરી, પેટ્રોલિંગ અને ચેકીંગ ચાલુ કરી દેવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.