‘આપનો વેરો બાકી છે જલ્દી ભરો’…. ટીપરવાન ગાર્બેજ કલેકશનની સાથે હવે ટેક્સની ઉઘરાણી પણ કરશે

બાકીદારોની યાદી ટીપરવાનના સંચાલકોને અપાશે: ગાર્બેજ કલેકશન દરમિયાન ‘તમારો ટેક્સ બાકી છે જલ્દી ભરો’ તેવી યાદી આપશે

બાકીદારો જલ્દી બાકી વેરો ભરવા માટે પ્રેરાય તે માટે કોર્પોરેશન દ્વારા હવે એક નવી જ પદ્ધતિ શરૂ કરવામાં આવશે.હાલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી નિભાવતા  ટીપરવાનના ડ્રાઈવર અને કલીનરો આગામી દિવસોમાં બાકી વેરાની ઉઘરાણી કરતા પણ નજરે પડશે.રોજ કચરો લેતી વેળાએ આ ટીપરવાનમાં સંચાલકો બાકીદારોને ’તમારો વેરો બાકી છે જે ઝડપથી ભરપાઈ કરો’ તેવી યાદી પણ આપશે.આગામી સપ્તાહથી જ આ નવી સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે.

આ અંગે મહાપાલિકાના ટેક્સ બ્રાન્ચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ અગાઉ મહાપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે બાકીદારોના આંગણે ઢોલ વગાડવાની પધ્ધતિ શરૂ કરવામાં આવી હતી.જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ બ્રાન્ચને રૂપિયા ૨૬૦ કરોડ નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.જેની સામે આજ સુધીમાં માત્ર રૂ.૧૫૨ કરોડની જ વસુલાત થવા પામી છે.કોરોના ઉપરાંત મહાપાલિકાની ચૂંટણી સહિતની અન્ય કામગીરીમાં કોર્પોરેશનનો સ્ટાફ રોકાયેલો હોવાના કારણે આ વખતે ટેક્સની હાર્ડ રિકવરી કરી શકાય તેવું શક્ય નથી. આવામાં એક નવી જ પદ્ધતિ અમલમાં મૂકવાનું વિચારવામાં આવ્યું છે. જેમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે જતી  ટીપરવાન હવે ટેક્સની ઉઘરાણી પણ કરશે. શહેરમાં વોર્ડ વાઈઝ બાકીદારોની યાદી જે તે વોર્ડના વોર્ડ ઓફિસરને આપી દેવામાં આવશે.વોર્ડ ઓફિસર સોલિડવેસ્ટ શાખાના અધિકારી કે કર્મચારી સાથે સંકલનમાં રહી કયા વિસ્તારમાં કઈ ટીપરવાન જાય છે તે નક્કી કરી બાકીદારોની યાદી તે ટીપરવાનના ડ્રાઈવર કે ક્લીનરને આપી દેશે.દરમિયાન ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી દરમિયાન ટીપરવાનના સંચાલકો જે તે વ્યક્તિને રોજ એવી યાદી આપશે કે ’તમારો આટલો વેરો બાકી છે જે તાત્કાલિક ભરી દો અને વ્યાજથી બચો ’જોકે ટીપરવાન સંચાલકો માત્ર બાકીવેરાની યાદી જ આપશે. તે ગાર્બેજ કલેકશન જેમ ટેક્સનું કલેક્શન કરશે નહીં. વેરો ક્યાં ભરી શકાય તેની જે તે વ્યક્તિને માહિતી આપશે.આ સિસ્ટમ આગામી બે જ દિવસમાં અમલી બનાવી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી કરતી  ટીપરવાન નિયત સમયે કોઈ વિસ્તારમાં કચરો લેવા પણ પહોંચી પણ શકતી નથી.આવામાં તેને ટેક્સની ઉઘરાણીની નવી કામગીરી સોંપવામાં આવશે તો તે સફળતા પૂર્વક કરી શકશે કે કેમ તેની સામે પણ સવાલો સર્જાય રહ્યા છે.દરમિયાન કોઈ વ્યક્તિ પાસે બાકીવેરાની ઊઘરાણી કરવામાં આવે તો માથાકૂટ સર્જાવાનો પણ ભય રહેલો છે.ટીપરવાનના સંચાલકો પાસે બાકી વેરાની ઉઘરાણી કરવાની નવી સિસ્ટમ સફળ થાય તેવું હાલ લાગતું નથી.કોરોના કાળમા લોકડાઉન અને ત્યારબાદ અનલોકમાં જોઈએ તેટલા ધંધા-રોજગાર ન હોય આ વખતે ટેક્સ બ્રાન્ચ હાર્ડ રિકવરીનો દોર શરૂ કરશે નહીં.માત્ર વેરો ભરવા માટે બાકીદારોને સામાન્ય યાદી આપશે.

૧.૭૫ લાખ બાકીદારોને ડિમાન્ડ નોટિસ ફટકારવાની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે.દરમિયાન પાંચ હજાર કે તેથી વધુનો બાકી વેરો ધરાવતાં દોઢ લાખ જેટલા કરદાતાઓને પાસેથી વેરાની ઉઘરાણી જવાબદારી હવે ટીપર વાનના સંચાલકોને સોંપવામાં આવશે.જરૂર પડશે તો ટીપરવાનના સંચાલકો એક લાખ કે તેથી વધુનો બાકી વેરો ધરાવતા ૨૮ હજાર જેટલા બાકીદારોની મિલકત પર નોટીસ પણ ચોંટાડવાનું કામ કરશે.

Loading...