કોરોનાને મ્હાત આપ્યા બાદ સિવિલના બે મોઢે વખાણ કરતા દર્દીઓ

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય કોવિડ હોસ્પિટલમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કોરોના સંક્રમિત દર્દીઓની શ્રેષ્ઠ અને આધુનિક સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી કોરોનાને મહાત કરનાર દર્દીઓએ પ્રતિભાવ આપ્યો હતો કે કોરોનાની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ જેવી બીજી હોસ્પિટલ  મળવી મુશ્કેલ છે.

63 વર્ષના લલીતાબેને સિવિલ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મેં સિવિલ હોસ્પિટલમાં નવ દિવસ સુધી સારવાર મેળવી છે. તબીબો નિયમિત તપાસ કરવા આવે છે અને પેરામેડિકલ સ્ટાફ અને બીજા બહેનો દર્દીને પરિવારની જેમ સાચવે છે .સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા મારી વિશેષ કાળજી રાખવામાં આવતી હતી. તેમણે સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફને આ સેવા બદલ ભગવાન સૌનું કલ્યાણ કરે તેવા આશીર્વાદ પણ પાઠવ્યા છે. બીજા એક દર્દી ગીતાબેન અશોકભાઈ સોનગરાએ જણાવ્યું હતું કે તેઓએ પણ નવ દિવસ સુધી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ કોરોના સંક્રમણ માંથી મુક્ત થયા છે. ગીતાબેનને કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં ચા-પાણી જમવાની તમામ પ્રકારની વ્યવસ્થા છે. ગીતાબેન ને રજા આપવામાં આવતા તેમના પરિવારના સભ્ય  પ્રતિકભાઇ સોનગરાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીના સગા માટે હેલ્પ ડેસ્ક તેમજ વાતચીત કરવા અંગેની વિશેષ સુવિધા રાખવામાં આવી છે અને બધી જ વસ્તુઓ સિવિલમાંથી મળી રહે તેવી પણ સુવિધા છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ નામના મેળવી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના  માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સરકારી કોવિડ હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે. અને આ હોસ્પિટલોમાં 24 કલાક સારવાર અને દર્દીની વિશેષ કાળજી લેવામાં આવે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજ્ય સરકારની આ વ્યવસ્થાને  દર્દીઓ આવકારી રહ્યા છે.

Loading...