Abtak Media Google News

ભગવંતોની દર્શનાર્થે વરઘોડામાં ઉમટયુ જૈન સમુદાય: કલ્યાણકોની ઉજવણી, અઢાર અભિષેક તથા રાજકોટના સમસ્ત જિનાલયના પુજારીઓનું કરાયું બહુમાન: આવતીકાલે દ્વારોદ્ઘાટન તથા સત્તરભેદી પૂજા

ગાંધીગ્રામ સોસાયટી, સત્યપુન ધામ મધ્યે શ્રી શામળા પાર્શ્ર્વનાથ જિનમંદિરે અનેક જિનેશ્ર્વર ભગવંતોની પ્રતિષ્ઠા પ્રસંગે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. શ્ર્વેતાંબર દેરાસર ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ઢોલ-નગારા અને શરણાઈના ગુજારવ સાથે શોભાયાત્રા ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા. બેન્ડ પાર્ટીની સાથે વાજતે ગાજતે વરઘોડો શ્ર્વેતાંબર દેરાસરથી લઈ નાણાવટી ચોકથી ફરી દેરાસરે પહોંચ્યો હતો. આ શુભ અવસરનો લ્હાવો લેવા સમગ્ર જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ વરઘોડામાં જોડાયા હતા.

પ્રતિષ્ઠા મહોત્સવવિધીમાં પ્રભાતિયા, વરઘોડો, કલ્યાણકોની ઉજવણી, ૧૪ સ્વપ્ન દર્શન, ૫૬ દિક કુમારીકા તેમજ ૬૪ ઈન્દ્રો દ્વારા અભિષેક કરાયો હતો. અઢાર અભિષેક બાદ રાજકોટના સમસ્ત જિનાલયના પુજારીઓનું બહુમાન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે ગાંધીગ્રામ જૈન સંઘના પ્રમુખ ગુણવંતરાય નાથાલાલ શેઠે જણાવ્યું હતું કે ગાંધીગ્રામ જૈન સંઘનું ખુબ જ સુંદર જિનાલય અને ઉપાશ્રય આજે સંપન્ન થયું છે. પૂ.ગુરુદેવની કૃપાથી શોભાયાત્રા પણ સારી રીતે સંપન્ન થઈ છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન વ્રજસેન મહારાજની નિશ્રામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્ટેજ શો તથા ભાવનાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વધુમાં શ્ર્વેતાંબર જૈન સંઘના ઉપપ્રમુખ ભાવિનભાઈ દોશીએ જણાવ્યું હતું કે, પૂજય મનમોહન સુરીશ્ર્વરજી મહારાજ તથા પૂ.આચાર્યઓની નિશ્રામાં પાટલા પુજન તેમજ પ્રભુજીનો ભવ્યાતિ ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. નૂતન જિનાલયમાં જે ૧૧ ભગવાનોને પ્રતિષ્ઠિત કરવાના છે. તેઓની શોભાયાત્રા નિકળી હતી. તેમજ પંચકલ્યાણકનો સ્ટેજ શો પણ યોજાયો હતો. આ નવુ દેરાસર બનવાથી અહીં જૈન સમાજના ૨૫૦ થી ૩૦૦ પરિવારને પ્રભુભકિતનો લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.