Abtak Media Google News

ડેટા ઇઝ કિંગ !

લોકોના ડેટાની સુરક્ષા અને ગોપનીયતા બાબતે સોશિયલ મીડિયાના મસમોટા પ્લેટફોર્મ ઉપર શંકાની સોય: પર્સનલ ડેટા પ્રોટેકશન બિલ અનુરૂપ કંપનીઓને કામગીરી કરાવવા તૈયારીઓ

ફેસબુક અને ટવીટર સહિતના સોશિયલ મીડિયા જાયન્ટસને સંસદિય સમિતીએ સમન્સ પાઠવ્યું છે. વર્તમાન સમયે સોશિયલ મીડિયામાં લોકોના ડેટા સુરક્ષિત નથી તેવી દલીલો થઈ રહી છે. અનેક કંપનીઓએ ભારતીયોના ડેટાને વહેંચીને કરોડો રૂપિયાની કમાણી કરી હોવાનું ફલિત થાય છે. આવા સમયે ફેસબુક અને ટવીટર સામે લોકોના ડેટાની જાળવણી અને સુરક્ષા મુદ્દે સંસદિય સમિતિએ જવાબ માંગતા ચકચાર મચી જવા પામી છે.

આગામી શુક્રવારે ફેસબુક (ભારત)ના પ્રતિનિધિઓને જોઈન્ટ કમિટી સાથે બેઠક કરવા જણાવાયું છે. પર્સનલ ડેટા પ્રોટેકશન બિલ, ૨૦૧૯ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સૌથી મોટી કંપનીઓ સાથે ચર્ચા થઈ રહી છે. ભાજપના સાંસદ મિનાક્ષી લેખીની અધ્યક્ષતામાં કાર્યરત આ સમિતીએ ટવીટરના પ્રતિનિધિઓને આગામી તા.૨૮મીએ હાજર થવા ફરમાન કર્યું છે.

ઘણા વર્ષોથી ફેસબુક, ટવીટર અને ગુગલ જેવી મસમોટી કંપનીઓ ઉપર ડેટાને લઈને આક્ષેપો થતા આવ્યા છે. સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી મોટી કંપનીઓ ભારતીયોના ડેટાનો ગેરકાયદે ઉપયોગ કરતી હોવાનું ફલિત થતા સરકારે કેટલાક કડક નિયમો પણ બનાવ્યા હતા. સરકારે તાજેતરમાં જ પર્સનલ ડેટા પ્રોટેકશન બિલ, ૨૦૧૯ પારીત કર્યું હતું. અલબત લોકોના ડેટા હોય કે હેટ સ્પીચનો પ્રશ્ર્ન ગમે તે બાબતે મહાકાય કંપનીઓ પાછી વળવા તૈયાર નથી. આવા સમયમાં કંપનીઓની કામગીરી ભારતીય કાનુનસંહિતા અનુસાર થાય તે સુનિશ્ર્ચિત કરવું પણ જરૂરી છે.

તાજેતરમાં જ ટીકટોકના સર્વર મુદ્દે ભારત સરકારે ટીકટોકની કામગીરી ઉપર લગામ લગાવી હતી. ટીકટોકને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી ત્યારબાદ પબજી સહિતની અનેક એપ્લીકેશનો ઉપર સરકારની તવાઈ ઉતરી હતી. આ ચાઈનીઝ એપ્લીકેશનો ભારતીય ડેટાનો ગેરઉપયોગ કરતી હોવાની શંકા છે. હજુ તો ઈન્ટરનેટ પર એવા ઘણા બ્રાઉઝર અને એપ્લીકેશનો છે જે ડેટાનો ઉપયોગ પોતાના ફાયદા માટે જ કરે છે આવા સંજોગોમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હરકતમાં આવી છે અને તબકકાવાર પગલા લેવાનું શરૂ કર્યું છે.

આગામી દસકો ડેટાનો રહેશે જે દેશ કે કંપની પાસે ડેટાનું પ્રમાણ વધુ હશે તેની પાસે પાવર પણ વધુ રહેશે માટે જ ડેટા ઈઝ કિંગ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં અનેક કંપનીઓ લોકોના ડેટા સાથે છેડછાડ કરે તેવી પણ ભીતિ તજજ્ઞો સેવી રહ્યા છે. થોડા સમય પહેલા અમેરિકાની ચુંટણીમાં ફેસબુકના માધ્યમથી કયાં પક્ષને મત આપવો તે બાબતે યુવાનોના માનસપટલ ઉપર અસર પાડવા કેમ્પેઈન છેડાયું હોવાની વાત સામે આવી હતી. યેનકેન પ્રકારે લોકોના ડેટા મેળવીને તેમનું મન કયાં પક્ષ તરફ છે તે જાણવાનો પ્રયાસ કરી ત્યારબાદ તેમના નિર્ણયો બદલવા સુધીની તૈયારી સોશિયલ મીડિયાના જાયન્ટ દ્વારા થઈ હતી. આ આખા ઘટનાક્રમનો પર્દાફાશ થયા બાદ ડેટા પ્રત્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી ફિકસ કરવા ઉપર ભારણ આવ્યું છે. હવે ભારતમાં પણ સરકાર લોકોના ડેટાને લઈ ચિંતિત બની છે.

એમેઝોન અને ગુગલને પણ નોટિસ

સંસદિય સમિતીએ તાજેતરમાં ડેટાની સુરક્ષા મુદ્દે એમેઝોન અને ગુગલને પણ નોટીસ ફટકારી હતી. ગત મહિને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઈઓ ઝુકરબર્ગને પત્ર લખી રાજકીય બાબતોમાં ફેસબુકની ગતિવિધિ ઉપર પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા બીજી તરફ ફેસબુકમાં લોકોના ડેટા સુરક્ષિત નથી તે બાબતે પણ કેટલાક નિષ્ણાંતોએ સવાલ ઉઠાવતા મામલો સંગીન બન્યો હતો. આવા સમયે વિશ્ર્વની ખ્યાતનામ એમેઝોન અને ગુગલને પણ નોટીસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.