Abtak Media Google News

દતક પુત્રીને વારસાઈ હકક ન મળતો હોવાથી ખાતેદાર ન ગણીને જમીન ખાલસા કરવાનો મામલતદારનો હુકમ માન્ય રાખતા ડો.ઓમ પ્રકાશ

લોધીકા તાલુકાના પારડી ગામે વારસાઈમાં જમીન મળ્યા બાદ ખાતેદાર બનેલી દત્તક પુત્રીએ અન્ય જમીનની ખરીદી કરતા આ જમીન ખાલસા કરવાનો મામલતદારનો હુકમ ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો.ઓમ પ્રકાશે માન્ય રાખ્યો છે. હિંદુ સકસેશન એકટ હેઠળ ગ્રામ્ય પ્રાંતે ૮૦૯૪ ચો.મી. જમીનને ખાલસા કરવાનો આદેશ કર્યો છે.

માળીયા મિંયાણાના બગથળા ગામે સર્વે નં.૧૬૯ની જમીનની માલીકી કુંભાભાઈ નામના વ્યક્તિ ધરાવતા હતા. તેઓના અવસાન થયાના ૧૧ વર્ષ પછી તેમના દત્તક લીધેલા પુત્રી મીનાબેન લાલુભાઈ ગુપ્તાએ જમીન પર પોતાનો હકક હોવાનો દાવો કરીને વારસાઈ એન્ટ્રીના આધારે ખાતેદારનું સર્ટીફીકેટ મેળવ્યું હતું. બાદમાં તેના આધારે મીનાબેને લોધીકા તાલુકા પારડી ગામે સર્વે નં.૧૬૧ પૈકી ૫૫ની ૮૦૯૪ ચો.મી. ખેતીની જમીન ડાયાભાઈ કાનાભાઈ પાસેથી તા.૫/૬/૨૦૦૬ના રોજ ખરીદી હતી.

પારડી ગામની આ જમીન ખરીદી સામે લોધીકા તાલુકા મામલતદારે સૌરાષ્ટ્ર ઘર ખેડ ઓર્ડીનન્સ ૧૯૫૪ મુજબ બિન ખેડૂત ખાતેદાર હોવાથી આ જમીન ખરીદી ન શકાય તેથી જમીન ખાલસા કેમ ન કરવી તેવી નોટિસ ફટકારી હતી. બાદમાં તાલુકા મામલતદારે આ જમીન ખાલસા કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે મીનાબેને અપીલ દાખલ કરી હતી જે કેસ ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો.ઓમ પ્રકાશના બોર્ડમાં ચાલી જતાં ડો.ઓમ પ્રકાશે હિન્દુ સકસેશન એકટ હેઠળ દત્તક પુત્રીને પિતાના મૃત્યુ બાદ વારસાઈનો હકક મળતો ન હોવાનું જણાવીને તાલુકા મામલતદારનો હુકમ માન્ય રાખીને જમીન ખાલસા કરવાનો આદેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.