Abtak Media Google News

જો પ્રિયંકા ગાંધી વારાણસી સીટ પરથી લોકસભાની ચુંટણી લડશે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારાણસી સાથે અન્ય બેઠક ઈન્દોર પરથી ચુંટણી લડે તેવી પણ સંભાવના: જો આવું થશે તો ઈન્દોરમાં પંકજ સંઘવીની ટકકર પીએમ સામે થવાની શકયતા

મધ્યપ્રદેશની ઈન્દોર લોકસભા બેઠક માટે કોંગ્રેસે જૈન સમાજનાં અગ્રણી પંકજભાઈ જયંતીલાલ સંઘવીને લોકસભાની ટીકીટ આપતા જૈન સમાજમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. તેઓ ઘણાં સમયથી સક્રિય રાજકારણ સાથે જોડાયા છે. અગાઉ પણ તેઓ લોકસભાની અને ઈન્દોર મેયરની ચુંટણી લડી ચુકયા છે. સંનિષ્ઠ રાજકારણી એવા પંકજભાઈને ટીકીટ મળતાં કોંગ્રેસના પાયાના કાર્યકરોમાં પણ ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.

વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં ઈન્દોર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુમિત્રા મહાજન વિજેતા બન્યા હતા અને તેઓની લોકસભાના સ્પીકરપદે વરણી કરવામાં આવી હતી. ભાજપના નિયમ મુજબ ૭૫ વર્ષથી વધુની વય ધરાવતા નેતાને ટીકીટ આપવામાં આવતી ન હોય સુમિત્રા મહાજનની વય ૭૬ વર્ષની હોવાના કારણે તેઓને ટીકીટ મળવાની શકયતા ખુબ જ ઓછી હોવાના કારણે આ વખતે સુમિત્રા મહાજને લોકસભાની ચુંટણી લડવા અનિચ્છા વ્યકત કરી છે.

આવામાં ઈન્દોર બેઠક પર હજી સુધી ભાજપે પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી નથી. આ બેઠક માટે કૈલાસ વિજય વર્ગીયનું નામ ચાલતું હતું પરંતુ ભાજપે તેઓને બંગાળનો હવાલો સોંપ્યો છે. હાલ ઈન્દોર બેઠક માટે ભાજપમાંથી એક મહિલાના નામની ચર્ચા ચાલી રહી છે ત્યારે આજે મધ્યપ્રદેશની ઈન્દોર બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે પંકજભાઈ જયંતીલાલ સંઘવીના નામની ઘોષણા કરી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉતરપ્રદેશની વારાણસી બેઠક પરથી ચુંટણી લડવાના છે ત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વડાપ્રધાનની સામે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારશે. જો આવું થશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી સાથે મધ્યપ્રદેશની ઈન્દોર બેઠક પરથી ચુંટણી લડે તેવી પણ અટકળો હાલ ચાલી રહી છે. જો આવું થશે તો ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અને જાણીતા જૈન અગ્રણી પંકજભાઈ સંઘવીની ટકકર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે થાય તેવું માનવામાં આવી રહ્યું છે.

પંકજભાઈ સંઘવી છેલ્લા ઘણા સમયથી સક્રિય રાજકારણ સાથે જોડાયેલા છે. તેઓ છેવાડાના માનવીની સમસ્યા હલ કરવામાં કયારેય પાછી પાની કરતા નથી અને સતત સેવારત રહે છે. આવામાં કોંગ્રેસે પંકજભાઈ સંઘવીને ટીકીટ આપતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.