આતંકવાદીના શરણે પાક.ના “દાણા-પાણી” રૂઠ્યા !!

પાકિસ્તાનના આર્થિક આધાર જેવા વૈશ્વિક સહાય ફંડ માટે એફએટીએફ દ્વારા કરવામાં આવેલી શરતોનું પાલન કરવામાં પાકિસ્તાન નિષ્ફળ

વર્ષોથી વગ્રવિગ્રહ અને આતંકવાદ જેવા નકારાત્મક પરિબળોમાં પિસાયને પાયમાલ બની ગયેલા પાકિસ્તાન માટે હવે વૈશ્વિક સહાયના દરવાજા પણ બંધ થઈ રહ્યાં હોય તેવી પરિસ્થિતિમાં પાકિસ્તાન એફએટીએફ દ્વારા આપવામાં આવેલી શરતોમાંથી ૬ શરતોનું પાલન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યું છે. તેણે મસુદ અઝહર અને હાફિઝ સઈદ સામે કોઈ કાર્યવાહી ન કર્યાનું વિશ્વ સમક્ષ ઉઘાડુ પડી જતાં તેના દાણાપાણી રૂઠી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘનું ફાયનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સની ૧૯૮૯માં રચના થઈ હતી. ફ્રાન્સના પેરીસમાં વડુ મથક ધરાવતા આ સંગઠન દ્વારા સમગ્ર વિશ્ર્વના સભ્ય દેશો પર આતંકવાદીઓને નાણા પુરા પાડવામાં આવતા હોવાની પ્રવૃતિ પર નજર રાખવામાં આવે છે.

પાકિસ્તાન એફએટીએફ દ્વારા કરવામાં આવેલા નિર્દેશ મુજબ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મૌલાના મસુદ અઝહર, હાફિઝ સઈદ સહિતના આતંકીઓ સામે પગલા ભરવામાં નિષ્ફળ નિવડ્યું છે. પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં ચાલુ રાખવા માટેના સંજોગો ઉભા થયા છે. એફએટીએફએ ઓકટોબર ૨૧ થી ૨૩ દરમિયાન બોલાવેલી બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં ચાલુ રાખવાની હિમાયત કરવામાં આવશે. પાકિસ્તાન સંગઠન દ્વારા આપવામાં આવેલા ૬ જેટલા સુચનોનું પાલન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યું છે. ૨૭ માંથી ૨૧ ઉપર પાકિસ્તાને અમલ કર્યો છે જ્યારે ૬માં તે નિષ્ફળ નિવડ્યું છે. જૈસ એ મહમદના મસુદ અઝહર, લશ્કર એ તોયબાના આફિઝ સઈદ, ઝકી રહેમાન જેવા આતંકીઓ સામે પાકિસ્તાને કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. એફએટીએફમાં પાકિસ્તાન સાથે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પણ આતંકવાદી વિરોધી કાર્યવાહી માટે સંતોષરૂપ નથી. મસુદ અઝહર અને સઈદ પુલવામાકાંડના મુખ્ય કાવતરા ખૌર તરીકે ભારતના મોસ્ટ વોન્ટેડ છે. પાકિસ્તાનને આઈએમએફ, વિશ્વ બેંક, એશિયન બેંક, યુરોપીયન બેંક તરફથી મળતા ભંડોળ સામે એફએટીએફ આકરી કાર્યવાહી કરશે.

પાકિસ્તાન સામે આતંકીઓને મદદરૂપ થવાના આરોપ પર હવે કાર્યવાહી થશે. પાકિસ્તાનમાં ૧૩૭૩ આતંકી સંસ્થાઓમાં ૧૨૬૭ સામે કાર્યવાહીની માંગ ઉભી થઈ હતી. જૂન મહિનામાં એફએટીએફએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી પરંતુ તેમાં તેને મુદત મળી હતી. પાકિસ્તાનને ૩૯માંથી ૧૨ મતો ગ્રે લીસ્ટમાંથી બહાર નીકળવા માટે જરૂરી છે. તેના માટે ચીન, તુર્કિ અને મલેશિયાનો સહકાર જરૂરી છે. પાકિસ્તાનને ૨૦૧૮માં ગ્રે લીસ્ટમાં મુકવામાં આવ્યું હતું. જો પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં ચાલુ રાખવામાં આવે તો તેના દાણાપાણી બંધ થઈ જાય.