Abtak Media Google News

પાકિસ્તાન પોતાના ઈતિહાસના સૌથી કપરા આર્થિક સંકટમાં: જૂની લોન ભરવા અને ઓઈલ બીલ ચૂકવવા પણ નાણા નથી

પાકિસ્તાન હાલ આર્થિક પતનની સ્થિતિમાં છે. આવી ડામાડોળ પરિસ્થિતિમાં સાઉદી અરેબીયાને મદદે આવવા માટે વડાપ્રધાન ઈમરાન ખાને ખોળો પાથર્યો છે. ઈમરાન સરકારે ૩ બીલીયન ડોલર વિદેશી ચલણના ટેકા રૂપે તેમજ વધુ ૩ બીલીયન ડોલર ઓઈલનું બીલ ચૂકવવા માટે સાઉદી અરેબીયા પાસે માંગ્યા છે.

તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાઉદી અરેબીયાની ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં હાજર રહ્યાં હતા. જેમાં સાઉદી અરેબીયા સમક્ષ મદદ માટે ખોળો પાથર્યો હતો.

હાલ પાકિસ્તાનનું ફોરેન કરન્સી રીઝર્વ તળીયે છે. આગામી સમયમાં ઓઈલ સહિતની વસ્તુઓનું ચૂકવણું કરવા માટે નાણા પાકિસ્તાન પાસે નથી. બે મહિના સુધી ચાલે તેટલુ હુંડીયામણ પણ પાકિસ્તાન પાસે નથી જેથી સાઉદી અરેબીયા સમક્ષ ૩ બીલીયન ડોલર ફોરેન કરન્સીની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ ૩ બીલીયન ડોલર ઓઈલ બીલનું ચૂકવણું કરવા માંગવામાં આવ્યા છે.

આગામી અઠવાડિયે ઈમરાન ખાન ચીનના પ્રવાસે જવાના છે. ચીન તરફથી પણ પાકિસ્તાનને અવાર-નવાર આર્થિક મદદ કરવામાં આવી રહી છે જેથી ચીન વધુ રકમની સહાય ઈમરાન ખાનને કરશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. સાઉદી અરેબીયાના પ્રવાસ મામલે ઈમરાન ખાને કહ્યું હતું કે, પાકિસ્તાનને હાલ આર્થિક સંકટમાં ઉગરવા સાઉદી અરેબીયાની સહાયની જરૂર છે. પાકિસ્તાન હાલ પોતાના ઈતિહાસમાં સૌથી ભયાનક દેણામાંથી પસાર થઈ રહ્યું છે.

અગાઉની લોન ચૂકતે કરવા માટે સાઉદીની સહાય પાકિસ્તાન ઈચ્છી રહ્યું છે. આગામી ૩ થી ૬ મહિના પાકિસ્તાન માટે વધુ કપરા રહેશે તેવું ઈમરાન ખાનનું માનવું છે. પાકિસ્તાનના આર્થિક પતન પાછળ ઈમરાન ખાન અગાઉની સરકાર અને સત્તાધીશો ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.