Abtak Media Google News

મોટા ભાગના પાકિસ્તાની પાઈલોટ્સ પાસે બોગસ લાઇસન્સ હોવાનો ઘટસ્ફોટ થઈ ગયા બાદ વિશ્વના અનેક દેશો ગંભીર બન્યા

હવે પાકિસ્તાની એરલાઇન્સ ઉપર ૧૮૮ દેશો પ્રતિબંધ મૂકી શકે તેવી વકી છે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન દ્વારા પાકિસ્તાનમાં પાયલોટના બોગસ લાઈસન્સ કૌભાંડ મુદ્દે ગંભીરતાથી પગલાં લેવામાં આવશે ગત ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાનમાં ૨૬૫ પાયલોટ પાસે બોગસ લાયસન્સ હોવાની વાત બહાર આવી હતી જે પૈકીના ૧૪૧ પાયલોટ તો પાકિસ્તાન સરકારની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના હતા.

પાકિસ્તાનને આગામી દિવસોમાં મોટો ઝટકો લાગશે. બનાવટી લાયસન્સ મામલે ૧૮૮ દેશો પાકિસ્તાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી શકે છે. પાકિસ્તાન એરલાઇન્સને ૧૮૮ દેશોમાં ઉડાન ભરવામાં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (આઈસીએઓ) દ્વારા જરૂરી આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળતાને કારણે પાઇલટ લાઇસન્સ આપવાના મુદ્દે પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. એકંદરે પાકિસ્તાનના પ્લેનોને ૧૮૮ દેશો ઉપરથી ઉડાન પર પ્રતિબંધ મુકાશે. યુકે અને યુરોપિયન યુનિયન દ્વારા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ)ની ફ્લાઈટ પર પહેલેથી જ ૬ મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે પાકિસ્તાન એરલાઇન્સ માટે વધુ કપરા ચઢાણ સાબિત થશે.

પાકિસ્તાનમાં બોગસ પાયલોટ લાઇસન્સ કૌભાંડનો મામલો ખૂબ ગાજયો હતો. મુસાફરોની સુરક્ષા મુદ્દે પાકિસ્તાની એરલાઇન્સને આડે હાથ લેવાઈ હતી.  આઈસીએઓએ પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટી (પીસીએએ) ને સુરક્ષાની ચિંતા પર ગંભીર ચેતવણી આપી હતી. આઈસીએઓએ ૩ નવેમ્બરના રોજ લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે પાકિસ્તાનમાં પાઇલટ્સ માટે પરવાનો આપવાની પ્રક્રિયા અને તેમની તાલીમ અંગેના આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂરા કરવામાં નિષ્ફળ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.