આતંકી ફંડિગને લઈ ઈમરાન ખાનને ફરી ઝટકો એફએટીએફની ગ્રે યાદીમાં પાકનું નામ યથાવત

ફાઈનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સના એશિયા પેસેફિક ગ્રુપનો રીપોર્ટ: બ્લેક લિસ્ટમાં નામ ઉમેરાય તેવો પાક પર ખતરો

આતંકી ફંડિગને લઈ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને વધુ એક ઝટકો લાગ્યો છે. ફાઈનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ-એફએટીએફની ગ્રે લિસ્ટમાંથી બહાર નિકળવાની પાકની કોશિષો ફરી નાકામયાબ નિવડી છે. એફએટીએફના એશિયા પેસેફિક ગ્રુપે પાકિસ્તાનને એનહાન્સડ-ફોલો-અપની યાદીમાં યથાવત રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એફએટીએફ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે મની લોન્ડ્રીંગ અને આતંકી ફંડ ફાળા પર રોક લગાવવા માટે કામ કરે છે. એફએટીએફે વર્ષ ૨૦૧૮માં પાકિસ્તાનને પ્રથમ વખત ગ્રે સૂચિમાં સામેલ કર્યું હતું જે અત્યાર સુધી યથાવત છે જોકે ગ્રે માંથી પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં મુકવા પરનો મુદ્દો થોડા સમય પહેલા ચર્ચિત બન્યો હતો. એફએટીએફની ગ્રે સૂચિમાંથી બાકાત થવા પાકિસ્તાન ઘણા પ્રયાસો કરી રહ્યું છે પણ તેના પ્રયાસો વારંવાર નિષ્ફળ નિવડી રહ્યા છે.

એફએટીએફના એશિયા પેસિફિક ગ્રુપે (એપીજી) જણાવ્યું છે કે, આતંકી પ્રવૃતિઓ માટે પહોંચાડાતુ નાણા ભંડોળ અને મનિ લોન્ડ્રીંગ ખતમ કરવા પર પાકિસ્તાને યોગ્ય ઉપયોગ હાથ ધર્યા નથી. એફએટીએફે આપેલા ૪૦ માપદંડોમાંથી પાકિસ્તાને માત્ર ૨ માપદંડો પર જ કામ કર્યું છે આથી તેને હજુ ગ્રે સૂચિમાં જ રાખવા નકકી કરાયું છે. એપીજીનો આ રીપોર્ટ પણ એવા સમયે જારી થયો છે કે જયારે આગામી ૨૧ થી ૨૩ ઓકટોબર દરમિયાન એફએટીએફની વર્ચ્યુઅલ બેઠક મળવાની છે. આ બેઠક પહેલા જ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે અને હવે પાકિસ્તાન એફએટીએફના ૪૦ માંથી ૨૭ સુચનોને અમલમાં નહી મુકે તો બ્લેક સૂચિમાં પણ તે સામેલ થઈ શકે છે.

શું છે એફએટીએફનું ગ્રે અને બ્લેક લિસ્ટ

ફીનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ – એફએટીએફ આંતરરાષ્ટ્રીય સ્તરે મની લોન્ડ્રીંગ અને ટેરર ફંડ પર રોક લગાવવાનું કામ કરે છે જે દેશો આતંકી ગતિવિધિઓ અને મની લોન્ડ્રીંગ પર અંકુશ રાખવામાં નિષ્ફળ જાય તેવા દેશોને ગ્રે લીસ્ટમાં સામેલ કરવામાં આવે છે. આવા દેશોને આંતરરાષ્ટ્રીય સ્તરે જેમ કે ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ, વિશ્ર્વ બેંક તેમજ યુરોપીયન સંઘ પાસેથી આર્થિક મદદ મળતી નથી. જયારે બ્લેક લિસ્ટમાં એવા દેશોને સામેલ કરાય છે જે દેશો મની લોન્ડ્રીંગ અને આતંકવાદીઓને નાણા ભંડોળ પુરુ પાડવાને સમર્થન આપે છે એટલે કે એ દેશો જ આતંકી પ્રવૃતિઓને ફેલાવે છે. આવા દેશોને પણ આર્થિક સહાય અપાતી નથી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા પ્રતિબંધોનો સામનો કરવો પડે છે.

Loading...