Abtak Media Google News

સાહિત્યકારોને ર્માં મોગલ એવોર્ડ અર્પણ

સમાજના વિશાળ વર્ગની આસ્થાના સ્થાન એવા ચારણ જોગમાયા મા મોગલના ધામ અને મહત્વના યાત્રાસ્થાન તરીકે વિકસી રહેલા મહત્વના યાત્રાધામ ભગુડા ધામ ખાતે માતાજીનો ૨૩મો પાટોત્સવ દિવ્યતા અને ભવ્યતા સાથે ઉજવાયો.

કાર્યક્રમના પ્રારંભે ઉદ્ઘોષક શ્રી મહેશ દાન ગઢવી એ સહુ મહાનુભાવોને શાબ્દિક આવકાર આપ્યો  અને આ ગામમાં ચાલતી વિવિધ ધાર્મિક સામાજીક સેવા પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો.કાર્યક્રમના આયોજક,  લોક સાહિત્યકાર અને આ સંસ્થાના અધ્યક્ષ એવા શ્રી માયાભાઈ આહીર ના જન્મદિવસ નિમિત્તે  તેમણે સહુ વતી તેમને અભિનંદન પાઠવ્યા હતાં.

શ્રી માયાભાઈ આહિરે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવકોનું શાબ્દિક સ્વાગત કર્યું.ત્યારબાદ સૌ નિમંત્રિત મહેમાનોનું પુષ્પહાર અને કાળી કામળી થી સ્વાગત કર્યું હતું.

માતાજીના ૨૩ માં પાટોત્સવ પ્રસંગે પ્રતિવર્ષ અપાતા ” મા મોગલ  એવોર્ડ ” ની પરંપરામાં આ વર્ષે દિવંગત મહાનુભાવો- ચારણ વિદ્વાન મહાનુભાવ પિંગળશીભાઇ પાયક, વિદ્વાન સાહિત્યકાર ચારણ કવિ નારણદાન સુરુ,પ્રસિદ્ધ કથાકાર અને કલાકાર શ્રી અમરદાસ ખારાવાળા તેમજ સમર્થ વાર્તાકાર શ્રી કાનજી ભુટા બારોટના પરિવારજનોને  તેમજ વર્તમાન વિદ્વાન ચારણ વાર્તાકાર શ્રી લાભુદાદા પાંચળિયાને મા મોગલ એવોર્ડ મોરારીબાપુ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.

પૂજ્ય બાપુએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે વિદ્વાનોને અપાતો એવોર્ડ મોગલમાનું વરદાન છે.માતાજીના આ વરદાન દ્વારા આપણે આ મહાનુભાવોની વંદના કરીએ છીએ.

પૂજ્ય બાપુએ કહ્યું કે અહીં સામાજિક પ્રવૃત્તિઓ પણ થાય છે એ સારી વાત છે પરંતુ આવી પ્રવૃત્તિ  ન થાય તો કાંઈ નહીં,  આ આધ્યાત્મિક સ્થાન છે !પૂજ્ય બાપુએ કહ્યું કે પર્વત, નદી, વૃક્ષો, જ્યાં જોગી રહેતો હોય તે સ્થાન અને કોઈ પરમ તત્વ જ્યાં બિરાજમાન હોય- એવા સ્થાનને તીર્થ કહેવાય ! એવા આ તીર્થસ્થાન મા મોગલનું ધામ છે.મા મોગલના શુભ આશિષ સહુ સેવકો પર વિશેષ રૂપે ઉતરે એવી પ્રાર્થના સાથે પૂજ્ય બાપુએ પોતાની વાણીને વિરામ આપ્યો.

ત્યારબાદ, રાતભર ગુજરાતના કલાકારોના ડાયરાની રંગત જામી.લાખો ભાવકોએ આ શ્રવણીય કાર્યક્રમને માણ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.