Abtak Media Google News

ચૂંટણી પર્વમાં ફિલ્મના કારણે કાયદો-વ્યવસ્થાનો મુદ્દો ઊભો ન થાય માટે પ્રતિબંધ: મુખ્યમંત્રી રૂપાણી

ગુજરાત સરકારે વિવાદિત ફિલ્મ પદ્માવતીને રાજ્યમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ ફરમાવવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે, ફિલ્મમાં રાજપૂત સમાજની લાગણીઓ, વ્યક્તિગત લાગણીઓને છંછેડવા ઉપરાંત ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યો હોવા જેવા વિવિધ મુદ્દાઓ ઊભા થયા છે. આ મુદ્દાઓ હજુ ઉકલ્યા નથી ત્યારે ગુજરાતમાં ચૂંટણી પર્વ ચાલી રહ્યો છે એવા સમયે આવા મુદ્દાઓને લઇ કાયદો અને વ્યવસ્થાનો કોઇ ઇસ્યુ ઊભો ન થાય એને ધ્યાનમાં લઇ સરકારે તમામ પાસાઓનો વિચાર કરી ગુજરાતમાં પદ્માવતી ફિલ્મને રિલીઝ ન થવા દેવાનો નિર્ણય કર્યો છે.આ અંગે જાહેરનામું પણ બહાર પાડી દેવાયું છે.

એક પ્રશ્નના ઉત્તરમાં રૂપાણીએ કહ્યું કે, ફિલ્મના મુદ્દાઓ, વિવાદોમાં મારે કંઇ કહેવું નથી, પરંતુ હાલ આ મુદ્દાઓ ઉકલ્યા નથી એવા સમયે ફિલ્મ રિલીઝ થાય તો ચૂંટણીના માહોલમાં કાયદો-વ્યવસ્થાનો ઇસ્યુ ઊભો થઇ શકે છે. આ સ્થિતિને ટાળવા માટે જ્યાં સુધી વિવાદિત મુદ્દાઓ ઉકલે નહીં ત્યાં સુધી ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થશે નહીં. હાલ ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતા પ્રવર્તી રહી છે ત્યારે ગુજરાત સરકારના આ નિર્ણયને ચૂંટણી પંચની મંજૂરી બાદ તુરત જ લાગુ કરી દેવાશે, તેમ રૂપાણીએ એક પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ કર્યું હતું.

અહીં નોંધવુ જરૂરી છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપે સત્તાવાર રીતે ચૂંટણી પંચને રાજપૂત સમાજ સહિત ઇતિહાસવિદોની ચિંતાને સમાવતા મુદ્દાઓ સાથે પદ્માવતી ફિલ્મને રિલીઝ થતી રોકવા રજૂઆત કરી હતી. જોકે, પંચે આ મુદ્દો ભારતીય સેન્સર બોર્ડનો હોવાથી પોતે કંઇ કરી શકે એમ નથી તેમ સ્પષ્ટ કર્યું હતું. બીજી તરફ સેન્સર બોર્ડે ટેકનિકલ ગ્રાઉન્ડ ઉપર ફિલ્મને સર્ટિફિકેટ આપવાને બદલે તેને પરત મોકલી હતી.

રાજપૂત સમાજે રાણી પદ્માવતી અને અલ્લાદ્દીન ખીલજી વચ્ચેના સંબંધો દર્શાવતી ફિલ્મ મુદ્દે ગુજરાત સહિત દેશભરમાં ભારે વિરોધ કર્યો છે. કરણી સેનાએ તો ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલી તેમજ પદ્માવતી રાણીની ભૂમિકા ભજવનાર દિપીકા પાદુકોણેને ધમકીઓ આપી છે. દેશભરમાં સજ્જડ વિરોધના પગલે હાલ ફિલ્મની રિલીઝ હજુ થઇ નથી.

પદ્માવતીનો નિર્ણય મેવાડના રાજવી પરિવાર ઉપર છોડતી કરણી સેના

જયાં સુધી ફિલ્મ ‘પદ્માવતી’માં કથિત વાંધા નહી હટે ત્યાં સુધી ગુજરાતમાં તેની રીલીઝ પર રોક લગાવી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ આ બારામાં ઘોષણા કરતા જણાવ્યું હતુ કે, ફિલ્મ પદ્માવતીને લઈને ક્ષત્રીય અને રાજપૂત સમાજમાં ભારે વિરોધ ઉઠ્યો હોય આ મુદે સંવેદનશીલ બની ગયો છે.

જો કે પદ્માવતી ફિલ્મનો નિર્ણય મેવાડના રાજવી પરિવાર પર હવે કરણી સેનાઅ છોડી દીધો છે. કેમકે મહારાવલ રાજા રતનસિંહ અને રાણી પદ્મીની એટલે કે પદ્માવતી મૂળ મેવાડના રાજવી પરિવારના હતા. હવે મેવાડના તેમના વંશજ એવા રાજવી પરિવાર ફિલ્મ ‘પદ્માવતી’ નિહાળે અને ત્યારબાદ તેઓ જે નિર્ણય લે તે મજૂર છે તેવી ઘોષણા કરણી સેનાએ કરી છે.

ચિત્તોડના રાજા રાવલ રતનસિંહના વંશજ અરવિંદસિંહે ‘પદ્માવતી’ ફિલ્મના સળગતા મુદાના ઉકેલ માટે મધ્યસ્થી કરવાની તૈયારી દાખવી એટલે કરણી સેનાએ પણ નમતું જોખ્યું છે.

હવે મેવાડના રાજવી પરિવાર પર ફિલ્મ ‘પદ્માવતી’ને લગતો નિર્ણય લેવાની જવાબદારી સોંપી છે.

સંસદીય પેનલે પદ્માવતીને લઈ સેન્સર બોર્ડ તથા કેન્દ્ર પાસે અહેવાલ માંગ્યો

સંસદીય પેનલે ફિલ્મ ‘પદ્માવતી’ના મામલે સેન્સર બોર્ડ તથા કેન્દ્ર સરકાર પાસે અહેવાલ માંગ્યો છે. આથી હવે માહિતી અને સુચના પ્રસારણ મંત્રાલય તથા સેન્સર બોર્ડની એક સમિતિએ નિયત સમયમાં સંસદમાં ‘પદ્માવતી’ મામલે રીપોર્ટ સબમીટ કરવાનો રહેશે.

લોકસભા કમિટી સમક્ષ રાજસ્થાનના બે સાંસદો સી.પી.જોશી અને ઓમ બિરલાએ એક અરજી દાખલ કરી હતી. તેના પગલે લોકસભાની કમિટી એટલે કે સંસદીય પેનલે કેન્દ્ર સરકારનું માહિતી અને સુચના પ્રસારણ મંત્રાલય તેમજ કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડને રીપોર્ટ આપવા જણાવી દીધું છે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘પદ્માવતી’ને લઈને જે હોબાળો મચ્યો છે તેના રાજકીય લેવલે પ્રત્યાઘાત પડયા છે. જેથી ફિલ્મની રીલીઝ પણ હવે અમુક અચોકકસ તારીખ સુધી ટાળી દેવામાં આવી છે. હવે રીલીઝની નવી તારીખ જાહેર થશે. અત્યારે તો પ્રમોશનનો બધો ખર્ચ નિર્માતા માટે ૧૦ થી ૧૨ કરોડ ‚પિયા ખોટ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.