Abtak Media Google News

ભાવિકોએ સંયમ વેશ ધારણ કરીને રાષ્ટ્રસંતના અપ્રતિમ સંતત્વને અભિવંદના અર્પણ કરી.

રાજકોટ સ્થિત સિનર્જી હોસ્પિટલ પાસેના મારૂતી પટાંગણમાં રચાએલા ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં રાષ્ટ્રસંત પૂ.ને સંયમ જયંતિની શુભેચ્છા આપવા ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મહારાજ સાહેબ શાસન ગૌરવ પૂ. પિયુષમુનિ મહારાજ સાહેબ, અખંડ સેવાભાવી પૂ. ભદ્રાબાઈ મહાસતીજી આદિ ઠાણા, પૂજ્ય શ્રી રાજેમતીબાઈ મહાસતીજી, વિરલપ્રજ્ઞા પૂ. વીરમતીબાઈ મહાસતીજી આદિ ઠાણા, પૂ. ઊર્મિ-ઊર્મિલાબાઈ મહાસતીજી, ડો. પૂ. અમીતાબાઈ મહાસતીજી, સૌરાષ્ટ્ર સિંહણ પૂ. ઈન્દુબાઈ મહાસતીજી પરિવારના સાધ્વી છંદ બોટાદ સંપ્રદાયના પૂ. અમીચંદજી મહારાજ સાહેબની આજ્ઞાનુવર્તી પૂ. ઈલાબાઈ-નીલાબાઈ મહાસતીજી, આદિની પધરામણી સાથે મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, પૂર્વ ભારત, દક્ષિણ ભારત આદિ અનેક અનેક ક્ષેત્રોથી ભાવિકોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે સેંકડો ભાવિકોએ સંયમનો વેશ ધારણ કરીને રાષ્ટ્રસંત પૂ.ના અત્યંત અહોભાવપૂર્વક વધામણા કર્યા હતાં,

આ અવસરે રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવને સંયમ શુભેચ્છાવંદના પાઠવવા પ્રવીણભાઈ કોઠારી, સી, એમ શેઠ, જીતુભાઇ બેનાણી,  નટુભાઈ શેઠ, હરેશભાઇ વોરા,  ઉપેનભાઈ મોદી, પ્રતાપભાઈ વોરા, સુશીલભાઈ ગોડા, નિલેશભાઈ શાહ, મયુરભાઈ શાહ, મેહુલભાઈ દામાણી, સંજયભાઈ શેઠ,  જિગરભાઈ શેઠ,  હર્ષદભાઈ અજમેરા (કોલકાત્તા), અલ્પેશભાઈ મોદી (રાજકોટ), સુકેતુભાઇ શાહ (જામનગર), વી, ટી, તુરખીયા (રાજકોટ),  અશોકભાઈ મોદી,  સુરેશભાઈ કામદાર આદિ મહાનુભાવો ભક્તિભાવે ઉપસ્થિત રહ્યાં હતાં.

નાભિના નાદ અને બ્રહમ ઘોષ સાથે મહા પ્રભાવક ઉવસગ્ગહર સ્તોત્રની જપ સાધનાની દિવ્યતા પથરાવતાં આ અવસરે અંત્યત પ્રભાવક શૈલીમાં રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ સંયમ ધર્મની પ્રેરણા કરતાં સમજાવ્યું હતું કે, સંયમ જયંતિનો ઉત્સવ તે માત્ર ઉત્સવ નથી હોતો પરંતુ અનેકોના હૃદયમાં સંયમના બીજ વાવવાનો પ્રેરણાત્મક અવસર હોય છે. કાંકરા હોય એમાંથી કદી ફળ સર્જાતાં નથી પરંતુ બીજ હોય તો એમાંથી ફળ સર્જાયા વિના રહેતાં નથી.  મોહ, માયા અને ભોગ-વિલાસના આજના સમયમાં જેને સંયમ રુચે છે અને સંસાર જેને ખુયે છે તેવા કોઈક જ વિરલા મળી આવતાં હોય છે અને તેવા વિરલાઓ જ વાસ્તવિકતામાં વીતરાગના વારસદાર બનતાં હોય છે. જેને એકવાર ત્યાગી, વૈરાગી, સંયમી એવા ગુરુ ગમી જાય એને જગતમાં કદી બીજું કોઈ ગમતું નથી.

સંયમ જીવનની વાસ્તવિકતા પર પ્રકાશ પડતાં કહ્યું હતું કે, સંયમ જીવન તે માત્ર પૂજાવાનું જીવન નથી પરંતુ કોઈ હાલ પણ ન પૂછે છતાં પ્રભુ સિવાય કંઈ રુચે નહીં એવું ફકીરી નું જીવન તે સંયમ જીવન હોય છે.

૨૮ વર્ષના દીક્ષા પર્યાયમાં સંઘ સમાજ અને હજારો આત્માઓનું કલ્યાણ કરીને ૨૯ મા વર્ષમાં પ્રવેશ કરી રહેલાં રાષ્ટ્રસંત પૂ.ના ચરણમાં સમગ્ર સૌરાષ્ટ્રના સંઘ પ્રતિનિધિઓએ નત મસ્તક થઈ વંદના અર્પણ કરીને સંયમ જયંતિના શુભેચ્છા આપી હતી એ સાથે જ, સમગ્ર સૌરાષ્ટ્રના સંઘો તરફથી રાષ્ટ્રસંત પૂ.ને અત્યંત અહોભાવપૂર્વક રામભાઈ મોકરીયા તેમજ જિતુભાઈ બેનાણીના હસ્તે શાલ અર્પણ કરવામાં આવતાં સહુ અત્યંત અહોભાવિત થયાં હતાં. રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવની ૨૮ મી દીક્ષા જયંતિ અવસરે ૨૮ ભાવિકોએ સંયમ લેવાના ભાવ પ્રગટ કર્યા.

અહમ યુવા સેવા ગ્રુપના ભાઈઓ અને બહેનોએ પ્રભુનો વેશ પહેરી, એક દિવસ માટે સાધુત્વનો એહસાસ કર્યો અને આત્મધરા પર સંયમના બીજનું વાવેતર કર્યું.

આ અવસરે ગાદીપતિ પૂ. ગિરીશચંદ્રજી મહારાજ સાહેબની નિગ્રંથતાનું દર્શન કરાવતાં પ્રેરણાત્મક ગ્રંથ મહાનાયકનું વિમોચન વિજયાબેન માણેકચંદ શેઠ પરિવારના સભ્યોના હસ્તે સમગ્ર સૌરાષ્ટ્રના સંઘોની ઉપસ્થિતિ વચ્ચે અત્યંત અહોભાવપૂર્વક કરવામાં આવ્યું હતું. ૫૦૦રૂ ના મૂલ્યના આ સુંદર ગ્રંથની આજના દિવસે જિગરભાઈ શેઠ પરિવારના સહયોગે માત્ર ૭૫૩ ના મૂલ્યમાં પ્રાપ્તિ કરવામાં આવી હતી.

ગોંડલ સંપ્રદાયના શ્રી પ્રવીણભાઈ કોઠારીએ રાષ્ટ્રસંત પૂજયને આ યુગના મહાપુરુષ તરીકે ઓળખાવીને સંયમ શુભેચ્છા અર્પણ કરી હતી. રાજકોટ રોયલ પાર્ક સંઘના શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્યશ્રી પ્રત્યે ગૌરવની અનુભૂતિની અભિવ્યક્તિ કરીને શુભેચ્છા વંદના અર્પણ કરી હતી, લુક એન લર્ન રાજકોટની બાલિકાઓ દ્વારા આ અવસરે સુંદર નૃત્ય ગીતની પ્રસ્તુતિ કરતાં સર્વત્ર હર્ષનાદ છવાયો હતો.

પૂ. ઊર્મિલાબાઈ મહાસતીજીએ આ અવસરે સંયમે શુભેચ્છા અર્પણ કરીને શાસનનો ઉદ્ધાર અને પ્રગતિ કરનારા તેમજ યુવાપેઢીને ધર્મ તરફ વાળનારા રાષ્ટ્રસંત પૂજ્યની પ્રશસ્તિ કરી હતી.

વિશેષમાં, દેશ-વિદેશના હજારો બાળકોમાં ધર્મના સંસ્કારોનું સિંચન કરતાં લુક એન લર્નના ૧૦૦ કરતાં પણ વધારે ચાલી રહેલાં સેન્ટર્સની શૃંખલામાં મોબાઈલ લુક એન લર્ન વેનનું આ અવસરે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.