Abtak Media Google News

પાક. વડાપ્રધાનની હરકતના વિરોધમાં ‘આપ’ સાંજે કરશે પૂતળા દહન

જૂનાગઢ શહેર અને માણાવદરને નાપાક પાકિસ્તાને પોતાના નકશામાં દર્શાવી ફરી એક વખત પોતાની મંદ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે.

જો કે, જુનાગઢ મહાનગર અને માણાવદરના પ્રબુદ્ધ લોકો પાકિસ્તાનની આ ગેરેલી હરકતથી ખૂબ જ નારાજ અને રોષે ભરાયા છે અને ખૂબ જ ઉગ્ર શબ્દોમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના વડાપ્રધાન સામે રોષ પ્રગટ્યો છે, બીજી બાજુ જૂનાગઢ શહેરમાં પણ પાકિસ્તાને જૂનાગઢ અને માણાવદરને તેના નકશામાં દર્શાવતા જૂનાગઢ મહાનગરના લોકો પણ પાકિસ્તાનની આ હરકતથી ખૂબ જ નારાજ જણાઈ રહ્યા છે અને આ બાબતે પાકિસ્તાનના વડાપ્રધાનની આડે હાથે ઝાટકણી થઈ રહી છે.

પાકની આ હરકતના વિરોધમાં  આજે સાંજે આમ આદમી પાર્ટી દ્વારા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનના પૂતળાનુ દહન કરાશે.

જનતા સમજી ગઈ છે પાક આવા અડપલા ન કરે: મેયર ધીરૂભાઈ ગોહિલ

Img 20190724 204145

જ્યારે જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલે આકરી પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે, પાકિસ્તાને આવા અડપલાં ન કરવા જોઈએ, ભારત આઝાદ થયું ત્યારે પાકિસ્તાન પણ આઝાદ થયું હતું અને જૂનાગઢના નવાબ પાકિસ્તાનમાં જુનાગઢને ભેળવવા માગતા હતા ત્યારે જૂનાગઢમાં મતદાન થયું હતું ૯૫ ટકા જેટલા લોકો ભારતમાં જ રહેવા રાજી હતા, અને આજે પણ જૂનાગઢના હિંદુ-મુસ્લિમ સહિત તમામ કોમના લોકો  ભારતમાં રહેવા માટે રાજી છે પાકિસ્તાન માત્ર શાંતિ ડોળવા માટે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે, પરંતુ જૂનાગઢની શાણી મુસ્લિમ જનતા પાકિસ્તાનની આવી હરકતોમાં આવશે નહીં માટે પાકિસ્તાને આવા અડપલાં હવે કરવા ન જોઈએ.

ગિરના લોકોની એક ગર્જના પાક.ને ભારે પડી જશે: જેઠાલાલ પાનેરા

Img 20200805 Wa0058

બીજી બાજુજુનાગઢ સહકારી બેંકના પૂર્વ ચેરમેન અને માણાવદરના કેળવણીકાર જેઠાલાલ પાનેરા એ પાકિસ્તાનની આ લબાડ પ્રવૃત્તિ ગણાવી હતી અને આવું કોઈ નવરા, બુદ્ધિ વગરના વ્યક્તિ જ આવી પ્રવૃત્તિ કરી શકે, અરે ભાઈ માણાવદર અને જુનાગઢ અને ભારતનું અંગ છે અને જૂનાગઢ અને માણાવદરના લોકો ક્યારેય પણ નાપાક પાકિસ્તાનને પસંદ ના કરે, આજે પણ પાકિસ્તાન ક્યારે  પણ નાપાક હરકતો કરે છે તેને અહીંના લોકો ખૂબ જ રોષ પૂર્ણ રીતે વખોડે છે, આ એની મંદ બુદ્ધિની  નિશાની છે, બાકી, જૂનાગઢના નગરજનો ગીરના સાવજના હેઠા પાણી પીવે છે જો એક ગર્જના કરશે ને તો પણ પાકિસ્તાનને ભારે થઈ પડશે.

પાક. વડાપ્રધાન સમય પસાર કરવા આવા ઉંબાડીયા કરે છે: જવાહર ચાવડા

Img 20190331 214922

રાજ્યના કેબિનેટ મંત્રી અને માણાવદર વિસ્તારના ધારાસભ્ય જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે ભારત સરકારની જે વિકાસયાત્રા છે તેના કારણે ભારત સહિત પાકિસ્તાનના લોકો પણ ભારતના વડાપ્રધાનની આ વિકાસયાત્રાની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન પાસે કોઈ પ્રવૃત્તિ ન હોવાથી પોતાનો ટાઈમ પ્રસાર કરવા માટે આવા નવા હુંબાળા ઊભા કરી રહ્યા છે, હું વર્ષોથી  માણાવદરના સામાજિક અને રાજકારણ શ્રેત્ર થી જોડાયેલો છું, માણાવદર એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને માણાવદર આઝાદી વખતે પણ ભારતમાં રહ્યું છે અને ભારત સાથે જ રહેશે, આ તો સમય પસાર કરવા માટે પાકિસ્તાન દ્વારા આવી હરકતો થઈ રહી છે.

બે-બે વખત આઝાદીની લડાઈ લડી જૂનાગઢ ભારત માતાના ચરણે ધર્યું છે: ભીખાભાઈ જોશી

Img 20200805 Wa0051

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આ બાબતે જણાવ્યું હતું કે, જૂનાગઢ કોઈ રૂમાલ-ટોપી નથી કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી તેનાં પર દાવો કરી શકે. પાકિસ્તાનનાં કઠપુતળી સમાન વડાપ્રધાન એવા વ્હેમ માં ન રહે કે્ એમના મનઘડંત દાવાઓ કરવાથી જૂનાગઢ એમની થાળીમાં પિરસાઈ જશે. આ સમયે એમને સારી રીતે યાદ દેવડાવુ કે બે-બે વખત આઝાદી ની લડાઈ (૧૯૪૭ અને ૧૯૪૮) લડી આ શહેરને ભારત માતાનાં ચરણોમાં અર્પણ કર્યું છે. હવે કોઈ અવળચંડાઇ ને અમે તાબે થવાનાં નથી. આ પ્રદેશનાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકોનો અવાજ બની આજે હું જાહેર માધ્યમોમાં છાતી ઠોકીને કહી શકું છું કે દુશ્મનો ભલે ચાહત રાખે, તેમની મેલી મુરાદ કોઈ પણ ભોગે બર નહીં આવવા દઈએ.

જૂનાગઢ-માણાવદર દેશ પ્રેમથી ભારત સાથે જોડાયેલા છે: અમિત પટેલ

Img 20200228 Wa0107

તો જૂનાગઢ શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ અમિતભાઈ પટેલે જણાવ્યું છે કે પાકિસ્તાનની આ બધી હાસ્યાસ્પદ વાતો છે, જુનાગઢ ભારતનું અવિભાજ્ય અંગ છે, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુના અથાગ પ્રયત્નોથી આઝાદી વખતે નવાબને પણ જુનાગઢ મૂકી પાકિસ્તાન જવું પડ્યું હતું અને જૂનાગઢ તથા માણાવદર દેશ પ્રેમ અને રાજીખુશીથી ભારત સાથે જોડાયેલા હતા, છે અને રહેશે.

કોમી એકતા ભડકાવવાના અખતરા સફળ નહીં થાય: શશીકાંત ભીમાણી

જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ શશીકાંતભાઈ ભીમાણી એ જણાવ્યું હતું કે, આ પાકિસ્તાનની ગાંડપણ ભરેલી વાતો છે, હાલમાં આજે જ્યારે ૩૭૦ ની કલમનું પ્રથમ વર્ષ પૂરું થયું છે અને જ્યારે ભારતમાં રામ મંદિરનું ભૂમિ પૂજન થયું છે ત્યારે પાકિસ્તાનના લોકો તેના વડા પ્રધાનની ખરાબ કામગીરીની જે ચર્ચાઓ કરી રહ્યા છે તેનાથી વાજ આવી પાકિસ્તાનના વડાપ્રધાન આવી હરકતો કરી રહ્યા છે, પાકિસ્તાને આવી હરકતો ના કરવી જોઈએ, કોમી એકતા ભડકાવવાના પાકિસ્તાન દ્વારા અખતરા થઇ રહ્યા છે પણ આવા ગતકડા બંધ કરવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.