સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં “કોરોના” પ્રકોપ: લોકોમાં ફફડાટ

ધોરાજી, આટકોટ, અને જામનગરમાં કોરોના પોઝિટિવ કેસ વધ્યા: પોરબંદરની યુવતીનું અમદાવાદમાં મોત: રાજકોટમાં એક સાથે ૧૧ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત: જંગલેશવરમાં વધુ એક કોરોના પોઝિટિવ

કોરોના કોવિડ મહામારીના બે મહિના બાદ લોકડાઉનની છૂટછાટ અને વતન પરત ફરવાની મંજૂરી મળતાની સાથે મહાનગરોમાંથી લોકો ફરી ગામડાઓમાં પરત ફરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોના વાયરસ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરતા લોકોમાં ફફડાટ વધી રહ્યો છે. બે દિવસ પહેલા રાજકોટના જસદણ અને આટકોટમાં કોરોના સંક્રમિતના કેસ નોંધાયા હતા. જેમાં આટકોટમાં તેમના પરિવારજનોને પણ ચેપ લાગતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાં પણ વધુ એક કોરોનાગ્રસ્ત કેસ નોંધાયો છે. જ્યારે જામનગરમાં પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયા છે. અને પોરબંદરની યુવતીનું અમદાવાદ સારવારમાં મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. જ્યારે ગઈ કાલે રાજકોટમાં વધુ ૧૧ કોરોનાના દર્દીઓએ વાયરસને મ્હાત આપી ઘર વાપસી કરી છે.

સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસનું પ્રમાણ મહાનગરો બાદ હાલ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. મહાનગરોમાં કામ કાજ કે અન્ય કારણોસર ગયા બાદ પરત ફરતા લોકો કોરોનાનું પણ સંક્રમણ સાથે લાવ્યાનુ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જસદણ, આટકોટ,ધોરાજી,જેતપુર,અને ગોંડલ પણ કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ વધતા લોકોમાં ફફડાટ મચી જવા પામી છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસ પહેલા આટકોટ અને જસદણમાં એક એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં આટકોટ અને ધોરજીમાંથી પોઝિટિવ આવેલા કેસના સંપર્કમાં આવેલા પરિવારજનોને પણ કોરોનાનો ચેપ લાગતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની મહામારી વધી રહી છે. આટકોટમાં અશોક પટેલના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના ૧૨ વર્ષના પુત્ર અને ૪૫ વર્ષના તેમના પત્નીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાી એમના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં પરત ફરતા લોકોને કારણે કોરોનાં સંક્રમણ પણ વધવાની સંભાવના સેવાઈ રહી છે. જ્યારે જસદણમાં અમદાવાદથી આવેલા ૮૦ વર્ષના વૃદ્ધને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જસદણમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

જસદણમાં મુંબઈથી આવેલા મંજુબેન માલવીયનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમને ચોટીલા તેડવા ગયેલો પુત્ર જસદણ નગરપાલિકાની ગાડીનો ડ્રાઈવર હોવાનું જાણવા મળતા અને આ ગાડી જસદણ પાલિકા પ્રમુખ , ચીફ ઓફિસર સહિતના એ મુસાફરી કરી હોવાથી પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત ૩૦ કર્મચારીઓ હોમ કોરેન્ટાઇન થયા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટના હોટસ્પોટ વિસ્તારમાં પણ કોરોનાએ હજુ પોતાનું સંક્રમણ ચાલુ રાખ્યું હોય તેમ જંગલેશ્વર વિસ્તારની અંકુર સોસાયટીમાં રહેતી ૨૭વર્ષની યુવતી પણ કોરોનાની ઝપટે આવી જતા શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૮૦ અને ગ્રામયના ૧૮ પોઝિટિવ કેસ મળી કોરોનાગ્રસ્તની સંખ્યા રાજકોટ જિલ્લામાં ૧૦૦ સુધી પહોંચી રહી છે. જ્યારે ગઈ કાલે વધુ ૧૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા શહેરના પાંચ દર્દીઓ હાલ આઇશોલેસન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે બીજું બાજુ સૌરાષ્ટ્રમાં પણ કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. જામનગરમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. જામનગરમાં બે દિવસના વિરામ બાદ મુંબઇથી આવેલા આધેડને કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે જામનગર અને દ્વારકાના અન્ય ૯૫ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા આધેડ મુંબઈથી આવ્યા બાદ ટેઈને કોરેન્ટાઇન કરી સેમ્પલ ચકાસતા તેઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. અત્યારે જામનગરમાં ૧૨ દર્દીઓ આઇશોલેસન વોર્ડમાં સારવાર લઈ રહ્યાનું જાણવા મળ્યું છે.

પોરબંદરની કોરોનાગ્રસ્ત યુવતીનું ગાંધીનગરમાં મોત

પોરબંદરમાં કોરોના વાયરસના ફેલાવા પર થોડો અંકુશ હોય તેમ લાગી રહ્યું હતું. અત્યાર સુધી પોરબંદરમાં પાંચ લોકો કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. જેમાંથી ચાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને હાલ એક દર્દી સારવારમાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોરબંદરના બીરલા વિસ્તારની યુવતીને હૃદય રોગની બીમારિના કારણે ગાંધીનગર હોસ્પિટલમાં સારવારમાં લઈ જતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ યુવતીનું ચાલુ સારવારમાં કોરોનાને કારણે મોત નિપજતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

Loading...