Abtak Media Google News

વાવડી વિસ્તારમાં સિલીંગની કામગીરી હાથ ધરાતા ઉધોગપતિઓએ ધડાધડ વેરો ભર્યો: સેન્ટ્રલ ઝોનમાં ૨૨ અને ઈસ્ટ ઝોનમાં ૬૯ મિલકતોને તાળા

કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૯૧ મિલકત સીલ કરી દેવામાં આવી હતી. ડિસ્ટ્રીકટ કોર્ટ સહિતની સરકારી કચેરીએ વેરા પેટે બાકી નિકળતી રકમના ૨૬ લાખ ‚પિયા ભરપાઈ કરી દીધા હતા. વાવડીમાં સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવતા ઉધોગપતિએ ધડાધડ વેરો ભરપાઈ કર્યો હતો.

સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે કડિયા નવલાઈન, પંચનાથ મંદિર રોડ, કાંતા વિકાસ ગૃહ રોડ સહિતના વિસ્તારોમાં કુલ ૨૨ મિલકતો સીલ કરી હતી. આજે ડિસ્ટ્રીકટ કોર્ટ સહિતની સરકારી કચેરીઓએ વેરા પેટે રૂ.૨૬ લાખની રકમ ભરપાઈ કરી દેતા સેન્ટ્રલ ઝોનમાં બપોર સુધીમાં રૂ.૩૪.૯૩ લાખની આવક થવા પામી હતી. વેસ્ટ ઝોનમાં વાવડી વિસ્તારમાં રીકવરીની કામગીરી દરમિયાન સીલીંગ હાથ ધરાતા ઉધોગપતિઓએ ધડાધડ બાકી વેરો ભરપાઈ કરી દેતા ૨૯ લાખની વસુલાત થવા પામી છે.

ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા નવાગામ, કુવાડવા રોડ, મોરબી રોડ પર ૬ મિલકત, પેડક રોડ, માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં ૪ મિલકત, પરશુરામ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં ૧૦ મિલકત, આજી વસાહત વિસ્તારમાં ૫ મિલકત, કોઠારીયા રોડ પર ૬ મિલકત અને ઘ્વનિ ઈન્ડસ્ટ્રીઝ એરીયા, અતુલ ઈન્ડસ્ટ્રીઝ એરીયા અને સરદાર ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં ૩૮ મિલકતો સહિત કુલ ૬૯ મિલકતો સામે સીલીંગની કાર્યવાહી હાથ ધરાતા રૂ.૫૨.૮૦ લાખની વસુલાત થવા પામી છે. આજે કુલ ૯૧ મિલકત સીલ કરાઈ હતી અને બપોર સુધીમાં ૧ કરોડ ૨૭ લાખ સુધીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.