Abtak Media Google News

Table of Contents

આપણા રામાયણવિદો એવું કહે છેકે આપણા દેશમાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉપાય રામાયણમાં નથી. આપણા મહાભારત વિદો પણ એમ કહે છે કે આપણા દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ મહાભારતમાં છે આપણા દેશના ભાગવદાચાર્યો એવું કહે છે કે આપણા દેશની બધી જ સમસ્યાઓના ઉકેલ ભગવદગીતામાં છે

અને આપણા દેશમાં સમર્થ રામાયણવિદો, મહાભારતના જ્ઞાતાઓ તેમજ ભગવદગીતાના વિશેષજ્ઞો છે. દેવીદેવીઓ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. તો પણ આપણા સહુના જીવતરને વેરણછેરણ કરી નાખનાર ‘કોરોના’ ને નાથવામાં અને એને દેશવટો આપવામાં સહુ કોઈ લાચાર કેમ? જગતભરનાં ધર્મો પણ શું લાચાર અને તેમની યુગોજૂની અડગ શ્રધ્ધા પણ શું કમજોર?

જો આ બધું શકય ન લાગે તો કોરોનાની આ આફ્તને કુદરતે જ મોકલેલી આફત જ કહેવી પડે, અને એનો ઉપાય કુદરતને કારણે જ જવાનો જ હોઈ શકે !

કુદરતને શરણે જવું એટલે વિશ્ર્વની અને આપણા દેશની માનવજાતે અહંકારરહિત અને પાપમૂકત થઈને, તેમજ પૂરેપૂરા પવિત્ર ચિત્તે અને વિશુધ્ધ હૃદય-મનથી પૃથ્વીને પુન: જેવી હતી એવી બનાવી દેવાનો યજ્ઞ આરંભી દેવો.

અમેરિકાએ એક તબક્કે એવી ટીકાકરી હતી કે, ભારતના લોકોને પાણી કેમ વાપરવું તે આવડતું નથી.

અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંપ્રદાયના વચનસિધ્ધ યોગીજી મહારાજે એવો બોધ આપ્યો હતો કે, ‘પાણી’ અને ‘વાણી’નો સંયમપૂર્વક ઉપયોગ કરવો. આ ઉપદેશ તેમણે તેઓશ્રીએ તેમના વખતના દેશકાળ પૂરતી સીમીત સમય પૂરતી નહોતી કહી. એક શાશ્ર્વત સત્ય કે સનાતન સત્ય તરીકે કહી હતી.

યોગીજી મહારાજને ત્રિકાળજ્ઞાની તરીકે સ્વીકારાયા હતા. કારણ કે તેઓ જે કાંઈ બોલતા અને જે વાણી ઉચ્ચારતા તે તેમની વાહવાહ અને સ્તુતિ થાય એવી કોઈ સમજથી નહોતા ઉચ્ચારતા. એમની વાણી સ્વયંસ્ફૂરિત હતી ‘ઈન્વર્ડ ફોર્સ’ સમી હતી. અંતરાત્માના અવાજ સમી હતી. વચનામૃતસમી હતી. એ મોટે ભાગે સ્વયં અક્ષરપુરૂષોત્તમની બોલી હતી. ‘પાણી’ અને ‘વાણી’નો સંયમપૂર્વક ઉપયોગ કરવો, એ કથન સનાતન સત્ય અર્થાત શાશ્ર્વત સત્ય સમું હતુ.

આટલા વર્ષો પછીયે તે જેમનું તેમ પ્રસ્તુત રહ્યું છે. ચિરંજીવ રહ્યું છે. આપણે એની અવજ્ઞા કરીને કુદરતનો ખોફ વહોર્યો છે.

આપણા કથાકારો -ધર્માચાર્યો એકધારા એમ કહેતા આવ્યા છે કે, આપણા ભારત દેશમાં અને સમગ્ર માનવ સમાજમાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉપાય રામાયણ (રામચરિત માનસ)માં નથી.. મહાભારતમાં નથી, ભગવદ્ગીતામાં નથી.

આપણી સંસ્કૃત ભાષામાં લખાયેલા પુરાણગ્રંથોતો જ્ઞાન-વિજ્ઞાનના ભંડાર છે. આપણી વેદિક સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતા અને આપણા ઋષિમૂનિઓએ કથળેલી અને જીવનમાં ઉતારેલી નીતિ રીતિઓ તેમજ આચારસંહિતાઓ કુદરત અને પ્રકૃતિના નીતિનિયમોને બરાબર સાનુકુળ રહેતા આવ્યા હતા. અને સુનીતિ, સન્મતિનું સંતુલન જાળવતા રહ્યા હતા.

આમ છતાં આપણા સહુના જીવતરને અને નિરામયતાને ક્રુર રીતે વેરણછેરણ કરી નાખનાર કોરોના વાયરસને નાથવાનો ઉપાય આપણા મહાપુરૂષોને હજારો ફાંફા માર્યા પછી પણ સાંપડયો નથી, એ જેવી તેવી વિચિત્રતા નથી!

આપણો ઈતિહાસ એમ કહે છે કે, મૃત્યુલોકમાં ભગવાનનાં વરદાન પામેલાએ પોતાનુ કદાપિ મોત ન નીપજે એવી છેતરામણીને ઢગબાજીસમી યુકિતઓ આચરીને હાહાકાર મચાવી ચૂકેલા દૈત્યો-અસુરોનેય મોતને ઘાટ ઉતરી દીધેલા મહાપુરૂષો દેવદેવીઓ આ ભૂમિ જોઈ ચૂકી છે. તો પછી કોરોના વાયરસને હતો ન હતો કરવો એ વળી કઈ વિસાતમાં ?

આનો અર્થ એજ કે, કોરોના વાયરસને કોઈને કોઈ કલ્પવામાં ન આવે એવા કારણોસર કૂદરતે પોતે જ મોકલ્યો છે. એને આજની માનવજાતે કુદરતી ખોફ કે કુદરતે મોકલેલી આફત જ ગણવી પડે ! કોઈ પણ આફતને આશીર્વાદમાં ફેરવવાની ભગવાનની ઈચ્છાશકિતને કોઈ પરાજિત કરી શકે એવું આ દેશની ધર્મભીની પ્રજા ન જ માને !…

આ જોતાં આપણા દેશને માટે અત્યારની આફતમાંથી પાર ઉતરવા માટે આપણે બધાએ એટલે કે આખા વિશ્ર્વે કુદરતના નીતિ નિયમોને ઠોકરે મારીને મનમાની કરવાની જે ચેષ્ટાઓ કરી છે તેને વિલંબ વિના સુધારી લેવાની ગતિવિધિઓ શરૂ કરી દેવી જોઈએ. અને ઈશ્ર્વરે પૃથ્વીની સુંદરમાં સુંદર રચના કરીને એને વધુ સુંદર કરવાની શરતે માનવજાતને સોંપી હતી તેવી કોઈપણ પ્રકારના પાપાચાર વગરની તેમજ મતિભ્રષ્ટતા વિહોણી કરી દેવી જોઈએ એમાં લગીરે વિલંબ નહિ ચાલે.. આવી ગતિવિધિ ધર્મભીની હોવી જોઈશે અને કુદરતની સાથે ફરી આવો નફાવટ ખેલ નહિ ખેલવાની રામાયણ, મહાભારત તેમજ ભગવદગીતાની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવી જોઈશે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.