Abtak Media Google News

કુશળ અને પૂરેપૂરી નીપુણતા ધરાવતા સેક્રેટરીઓ તેમજ વિભીષણ સરખા વફાદાર સાથી-સંગાથીઓ શોધ્યા જડતા નથી એવી આપણા દેશની હાલત છે…

વૈશ્ર્વિક નાણાંકીય અરાજકતાના આ યુગમાં વિચક્ષણ અને ખંતીલા સલાહકારોની કલ્પનામાં ન આવે તેવી અછત છે.. આ બધી રીતે વિચારીએ તો આપણો દેશ સારી પેઠે ગરીબ છે. વિલંબ વિના આવી ગરીબી પણ દૂર કર્યો જ છૂટકો !

સરદાર વલ્લભભાઈ પટેલે તેમના વખતના વહિવટી તંત્ર વિષે એવો એકરાર કર્યો હતો કે, આજે આવા સારા માણસો કેટલા મળે છે? હિન્દુસ્તાનને જયારે કહેવાતું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછીના સૌથી પ્રથમ ભાષણમાં કહ્યું હતુ કે ભારત ઉપર અંગ્રેજોએ આટલા વર્ષ માત્ર અગિયારસો માણસો દ્વારા જ રાજય કર્યું હતુ. પરદેશ પ્રત્યેની એમના રાષ્ટ્ર પ્રત્યેની એમની વફાદારીને કારણે એ અગિયારસો માણસો પોતાના દેશને અત્યંત પ્રમાણિકરહ્યા હતા. હવે દેશનું સુકાન આપણા હાથમાં આવ્યું છે. એ માટે અગિયારસો માણસો ભારતનાં રાષ્ટ્રને વફાદાર લગીરે લાંચ રૂશ્વત નહિ લેનારા, એવા શું મળશે ખરા ?

સરકારે પોતાના ભાષણમાં આ રીતે પ્રશ્ર્ન કર્યાછી પોતે જ તેનો ઉત્તર આપતા કહ્યું કે, મને શંકા છે કે દેશને ખાતર આવા વફાદાર અગિયારસો માણસો મળી શકે.

જો આજથી વર્ષો પૂર્વે સરદારને આટલા મોટા વિરાટ હિન્દુસ્તાનમાંથી અગિયારસો માણસ મળવા અંગે શંકા હોય તો પછી આજના કાળમાં અગિયારસો નહિ, પણ એકસો દસ માણસો ખૂબ સારા કહી શકાય તેવા મળે એમ છે. ખરા? એ મારો પ્રશ્ર્ન છે.

આજે કેટલી ભયંકર કક્ષાની બેવફાદારી દેશમાં ચાલી રહી છે. કરપ્શન સારા ગણાતા માણસોમાં પણ કેટલી હદ સુધી વ્યાપ્યું છે? સાચા અને સારા માણસોનેદીવો લઈને શોધવા જવું પડે એવી સ્થિતિ છે ને? દેશમાં પરદેશ (અંગ્રેજ) પરસ્ત માણસોને કેવો રાફડો ફાટયો છે.

ચૂંટણીઓ થાય છે, તે કોની થાય છે ? પ્રધાનોની જ ને ? સેક્રેટરીઓની ચૂંટણી થતી નથી. ચૂંટણી દ્વારા પ્રધાનો બદલાય છે પણ પટ્ટાવાળાથી માંડીને સેક્રેટરી સુધીનો વર્ગ બદલાતો જ નથી. સેક્રેટરીઓ તો એના એજ રહે છે.

અત્યારે દેશમાં જે હાલત છે. તે નાણાંકીય તંગીની છે. દેશના આમઆદમીને તેમની રોજીંદી ગતિવિધિઓમાં વિવિધ મુશીબતો નડયા કરે છે.

કરકસર કરવી અનિવાર્ય છે. પણ કયાં અને કેમ કરવી તેમાં ગોટે ચડયા વિના રહેવાતું નથી. પોતાનાં સંતાનોને સારા માર્ક આવે એવું મા-બાપોને લાગ્યા કરે છે. એના માટે પૈસા વાપરવા પડે છે. ખર્ચનાં ગણીત કેમ માંડવા એ અધરૂ થઈ પડયું છે. આ બધું કસોટીરૂપ બને છે.

સરકારથી માંડીને વહિવટકર્તાઓ-સેક્રેટરીઓ વિશ્ર્વકક્ષાના અર્થતંત્રના નિષ્ણાંતો, નિપુણ સલાહકારોની અહીં જબરી ખોટ પ્રવર્તે છે.

રાવણનાં યુગમાં વિભીષણ અજોડ સલાહકાર મનાયો હતો. તેણે રાવણને ઉત્તમ સલાહ આપી હતી. તેમ શ્રી રામ લક્ષ્મણ અને તેમની છાવણીને પણ સાચી સલાહ આપી હતી.

હાલની મોદી સરકારમાં તો નિરંકુશ શાસન પ્રવર્તે છે. અયોધ્યા મંદિરનો નિર્માણોત્સવે દેશને નવી ઉષ્મા અને નવી ચેતના છે.

કોરોના મોજૂદ છે, સારા અને ‘સાચા’ વહિવટકર્તાઓની ખોટ રહેવાની છે. આપણે ઈચ્છીએ કે બધું નિર્વિઘ્ને પાર પડે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.