Abtak Media Google News

કોરોનાના કેસ વધતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા લેવાયો નિર્ણય

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. દિવાળીના તહેવાર અને ત્યારબાદ શિયાળાની સિઝનમાં ઠંડીમાં કોરોનાનું સંક્રમણ વધે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. આવામાં કોર્પોરેશનના 21 ઉચ્ચ અધિકારીઓને આજથી ફરી તમામ 21 આરોગ્ય અધિકારી તરીકેની કામગીરી સંભાળી લેવા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા ગત જુલાઈ માસના અંતમાં કોર્પોરેશન સંચાલિત 21 આરોગ્ય કેન્દ્ર માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા 21 અધિકારીઓની પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી હતી. જેઓ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પાસેથી રોજબરોજની માહિતી એકત્રિત કરી તેનો ડેઈલી રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને આપતા હતા. દરમિયાન કોરોના થોડા અંશે કાબુમાં આવતા આ તમામ 21 અધિકરારીઓને આરોગ્ય કેન્દ્રના પ્રભારી તરીકેની વધારાની કામગીરીમાંથી મુકત કરવામાં આવ્યા હતા.

છેલ્લા એકાદ સપ્તાહથી ફરી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને દિવાળીના તહેવાર તથા શિયાળામાં હજી સંક્રમણ વધે તેવી પ્રબળ સંભાવના છે. આવામાં ગઈકાલ સાંજે તમામ 21 અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા પર્સનલ મેસેજ દ્વારા એવી જાણ કરવામાં આવી હતી કે, સોમવાર સવારથી ફરી તેઓએ આરોગ્ય કેન્દ્રના પ્રભારી તરીકેની કામગીરી શરૂ કરી દેવાની રહેશે.  આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હરેશ કગથરા, હર્ષદ પટેલ, એટીપી પરેશ અઢીયા, ઝુ સુપ્રીટેન્ડેન્ટ ડો.રાકેશ હિરપરા, વીજીલન્સ ડીવાયએસપી આર.બી.ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓની આરોગ્ય કેન્દ્રના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.