Abtak Media Google News

શાળાઓમાં બપોરના સમયે આઉટડોર એક્ટિવિટી ન કરવા મ્યુનિસિપલ કમિશનરનો આદેશ

આકરા તડકાથી રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી જેવો માહોલ

૪૩.૩ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે બુધવારે રાજકોટ રાજયનું હોટેસ્ટ સિટી તરીકે નોંધાયા બાદ આજે કોર્પોરેશન દ્વારા શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનનો પારો ૪૩ ડિગ્રીથી ૪૫ ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના વ્યકત કરાઈ છે. શાળામાં બપોરે ૧ થી ૪ સુધીના સમયગાળામાં કોઈપણ પ્રકારની આઉટડોર એકટીવીટી ન કરવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. બપોરે ૨:૩૦ કલાકે રાજકોટનું તાપમાન ૪૦.૨ ડિગ્રી નોંધાયું હતું. કાળઝાળ તડકાના કારણે રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

બુધવારે રાજકોટમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં તાપમાનનો પારો ૪૩.૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાયો હતો જેના પગલે આજે શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મહતમ તાપમાન ૪૩ થી ૪૫ ડિગ્રી વચ્ચે નોંધાશે. ૪૫ ડિગ્રી ઉપર તાપમાન જાય ત્યારે રેડ એલર્ટ આપવામાં આવતું હોય છે. ઓરેન્જ એલર્ટ દરમિયાન લોકોને સનસ્ટ્રોકથી બચવા માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.Dsc 8721

જેમાં દિવસ દરમિયાન બહાર જતી વેળાએ લોકોએ પાણીની બોટલ સાથે રાખવી, સગર્ભા મહિલા, નાના બાળકો, વૃદ્ધો તથા લાંબી બિમારીથી પીડાતા લોકોને તડકામાં ઘરની બહાર ન જવું, તરસ લાગી ન હોય તો પણ વધારેને વધારે માત્રામાં પાણી પીવું, ઘરગથ્થુ પ્રવાહી ખોરાક જેવો કે લીંબુ શરબત, છાશ, વરીયાળી શરબતનો ઉપયોગ કરવો, દિવસ દરમિયાન શ્રમવાળી કામગીરી કે કસરત ન કરવી, ગૃહિણીઓએ રસોઈ દરમિયાન બારી બારણા ખુલ્લા રાખવા અને રસોઈનો સમય વહેલો કરી નાખવો, માલિકોએ શ્રમિકો માટે બપોરની કામગીરીના સમયમાં ફેરફાર કરવો અને સતત કામગીરી કરતા કારીગરોને આરામ આપવો, કામગીરીના સ્થળે પાણીની પુરતી વ્યવસ્થા રાખવી અને શ્રમિકો પાસે બહારની કામગીરી ન કરાવવી.

જો માથું દુ:ખે, હાથ-પગ તુટે, હૃદયના ધબકારા વધી જાય, ચકકર આવે, અંધારા આવે કે બેભાન થતાં હોય તેવું લાગે તો આ હીટસ્ટ્રોકની નિશાની છે. આવા લોકોને તાત્કાલિક છાયાવાળી જગ્યાએ ફેરવી ઠંડા પાણીના પોતા મુકવા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા. રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય લોકોને બપોરના સમયે કામ વિના ઘરની બહાર ન નિકળવા તાકીદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.